Get The App

સગાઈમાં 'રોમેન્ટિક' સરપ્રાઈઝ

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
સગાઈમાં 'રોમેન્ટિક' સરપ્રાઈઝ 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- રવિવારની સવારે અમનના ફલેટ પર જઈને એની ડોરબેલ વગાડશે... અને અમન દરવાજો ખોલશે... ત્યારે કેવી મજા પડશે!

'અ મનને સરપ્રાઈઝ આપી હોય તો કેવું ? એ તો ખુશ-ખુશ થઈ જશે, નહીં !'

આતિશીના મનમાં આ વિચાર બહુ રાઈટ ટાઈમે ઝબક્યો. વાત એમ હતી કે અતિશી અને અમનની સગાઈને બે મહિના થઈ ગયા હતા. સગાઈ ભલે રાજકોટમાં થઈ પણ એ પછી અમનને મુંબઈમાં એક ખુબ જ સારી જોબ લાગી ગઈ.

રાજકોટમાં જે સેલેરી મળતી હતી એના કરતાં લગભગ ડબલ સેલેરી ! આવી તક કોણ જતી કરે ? સૌ ખુશ હતાં. અમનના મમ્મી-પપ્પાએ તો ત્યાં સુધી વિચારી લીધું હતું કે જો અમનને મુંબઈમાં જ સેટલ થવું હોય તો અત્યારથી જ કોઈ સારા એપાર્ટમેન્ટની સ્કીમમાં ફ્લેટ નોંધાવી દેવો જોઈએ. જો રેડી પઝેશનમાં મળી જતા હોય તો તો એનાથી રૂડું શું ? લોનની પણ વ્યવસ્થા થઈ શકે.

આ વાત જ્યારે આતિશીના મમ્મી-પપ્પા પાસે આવી ત્યારે એમને પણ ગમ્યું. આતિશીને પણ મુંબઈમાં જોબ મળી જાય તો તો 'સોનામાં સુગંધ' જેવી જ વાત થઈ જાય ને !

આમ તો આતિશી અને અમનની સગાઈ એક મેટ્રિમોની સાઈટથી જ થઈ હતી. બન્નેએ એકબીજાના પ્રોફાઈલ જોયા, એકબે વાર મળ્યા અને પછી બન્નેનાં ફેમિલીઓની મિટીંગ થઈ. ટુંકમાં કહીએ તો, બધુ 'એરેન્જ મેરેજ' જેવું જ હતું. આતિશી પણ કોઈ સાથે રીલેશનશીપમાં નહોતી. સામેની બાજુ અમન પણ હજી કોઈના 'લવ'માં પડયો નહોતો.

સગાઈ પછી જ બન્નેનો 'ઓનલાઈન' રોમાન્સ ચાલુ થયો. જોકે આતિશીને ફોનમાં 'મેરા શોનું, મેરા બાબુ...' એવું બોલવાનું જરાય ગમતું નહોતું. એ જ રીતે અમન પણ સિમ્પલ અને સ્ટ્રેટ-ફોરવર્ડ વાતો કરનારો જ નીકળ્યો. ક્યારેક આતિશીને થતું કે જો મેરેજ પછી પણ 'રોમાન્સ' નામનું ફેક્ટર નહીં હોય તો મેરીડ લાઈફ શુષ્ક નહીં બની જાય?

એટલે જ આતિશીને આ 'સરપ્રાઈઝ'નો આઈડિયા સુઝ્યો હતો. આ વખતે મોકો પણ એવો હતો કે અમનને ગંધ સુધ્ધાં ન આવે. આતિશીની એક ખાસ બહેનપણી માધવીની બહુ જ ગમતી મુંબઈવાળી માસીની એક ઢીંગલી જેવી બેબીનો જન્મદિવસ હતો.

માધવીનો ખાસ આગ્રહ હતો કે 'આતિશી તારે તો આ વખતે મારી સાથે મુંબઈ આવવું જ પડશે ! એ બહાને મારી માસીના ઘરે આપણે થોડા દિવસ રહીશું અને તને પણ અમન સાથે મુંબઈમાં ફરવાનો મોકો મળશે.'

આઈડિયા તો બરોબર હતો પણ આતિશીને થયું કે 'જો અમનને સરપ્રાઈઝ આપી હોય તો કેવી મજા પડે ?' એટલે કોઈ બહાનું કરીને, 'એક ગીફ્ટ મોકલવી છે.' એમ કરીને અમન જ્યાં ભાડે રહેતો હતો તે ફલેટનું એડ્રેસ મંગાવી લીધું.

બસ, હવે તે જ્યારે રવિવારની સવારે અમનના ફલેટ પર જઈને એની ડોરબેલ વગાડશે... અને અમન દરવાજો ખોલશે... ત્યારે કેવી મજા પડશે ! એ વિચારે આતિશીનું દિલ ધકધક થઈ રહ્યું હતું. પેલી બર્થ-ડે પાર્ટી શનિવારે રાત્રે પતી ગઈ હતી, રવિવારે સવારે તે એકલી કેબ કરીને અમનના ફલેટને સરનામે પહોચી ગઈ.

પરંતુ, અહીં થોડી ગડબડ હતી. એપાર્ટમેન્ટનું નામ તો બરોબર હતું. 'સ્કાયલાઈન હાઈટ્સ' પણ અહીં એ,બી,સી, એમ ત્રણ બ્લોક હતા. દરેક બ્લોકમાં સાત સાત ફલોર હતા, અમને જે એડ્રેસ આપ્યું હતું એમાં ફક્ત '૪૦૩ સ્કાયલાઈન હાઈટ્સ એટલું જ લખેલું હતું.'

'એ ફોર અમન' એવું અડસટ્ટે અનુમાન લગાવીને આતિશી એ બ્લોકની લિફ્ટમાં જતી રહી. ચોથા માળે જ્યાં ૪૦૩ નંબરનો દરવાજો હતો ત્યાં તે પહોંચી તો ગઈ, પણ દરવાજો અંદરથી બંધ હતો. હવે તે વિચારમાં પડી ગઈ. ડોરબેલ વગાડું અને અંદરથી કોઈ બીજું નીકળે તો ? પણ છેક હવે આતિશીનું ધ્યાન ગયું કે અહીં તો ડોરબેલનું બટન જ નહોતું ! હવે ? હવે તો અમનને ફોન લગાડીને પૂછ્યા સિવાય છુટકો જ નહોતો.

છતાં તેણે વિચાર્યું કે 'હું એવી રીતે વાત કરીશ કે જાણે રાજકોટથી બોલું છું !' આતિશીએ ફોન લગાવ્યો.... સામે છેડે  રીંગ જતી હતી, એ ભાઈ સાહેબ હજી ઊંઘમાં જ લાગે છે. એમ વિચારીને બીજી, ત્રીજી ચોથી વાર ફોન લગાડયા... પણ સતત નો  રિપ્લાય !

જ્યારે ટેન્શનમાં આવીને તેણે પાંચમી વાર ફોન લગાવ્યો ત્યારે તો અંદરથી રેકોર્ડ થયેલો મેસેજ આવ્યો 'યહ ફોન સ્વીચ. ઓફ હૈ !' આતિશીને નવાઈ લાગી, આમને ફોન સ્વીચ-ઓફ કેમ કર્યો હશે ? હવે તે મુંબઈ ગઈ. ઘણું વિચાર્યા પછી એક જ ઉપાય સુઝયો કે 'આ દરવાજે ટકોરા મારીને જે વ્યક્તિ દરવાજો ખોલે તેને અમન વિશે પૂછી જ લેવું સારું. નહિતર નીચે જઈને સિક્યોરીટીને પૂછવું...'

આતિશીએ દરવાજે ટકોરા માર્યા. પહેલા ધીમા, અને પછી થોડા જોરથી... ત્યાં થોડીવારમાં દરવાજો ખુલ્યો ! સામે અમન હતો ! એ પણ માત્ર ટુવાલ વીંટીને ઊભો હતો !

આતિશી હજી 'સરપ્રાઈઝ !' એમ બોલવા જાય એ પહેલા અમનના ચહેરા ઉપરના હાવભાવ જોઈને તે ગુંચવાઈ ગઈ. કેમકે અમનના ચહેરા વિચિત્ર ટાઈપનો ગભરાટ હતો !

હજી આતિશી કંઈ વિચારે એ પહેલાં અંદરથી એક ઘાટીલા બદનવાળી યુવતી 'કૌન હૈ ?' પૂછતી બહાર આવી ! એના શરીર ઉપર પણ માત્ર એક ટુવાલ જ હતો !

અમન છેક હવે બોલ્યો : આતિશી, આ છોકરી... હું.... એક્ચ્યુલી, એવું કંઈ જ નથી... એ તો બસ-મારી ઓફિસમાં-સાથે જોબ કરે છે. અને...

આતિશી કંઈ જ બોલ્યા વિના પાછી ફરી ગઈ.

રાજકોટ આવીને તેણે મમ્મી-પપ્પાને કહી દીધું 'મને આ સગાઈ મંજુર નથી.'

'પણ બેટા, કંઈ કારણ ?' જવાબમાં આતિશીએ કહ્યું 'હું મુંબઈમાં અમનને મળી હતી, પણ મળ્યા પછી લાગ્યું કે અમારું બિલકુલ નહીં જામે.'

સગાઈ તૂટી ગઈ. આતિશીને જરાય દુ:ખ ન થયું. પરંતુ તેને ખરેખરો આઘાત ત્યારે લાગ્યો જ્યારે અમને ફેસબુકમાં પોસ્ટ મુકી કે 'અમે છૂટા પડી રહ્યા છીએ. કેમકે મને આતિશીનું 'કેરેક્ટર' ડાઉટફુલ લાગે છે.'

આતિશીને ત્યારે સમજાયું કે 'જે લોકો પોતે ગંદા હોય છે એમને કીચ્ચડ ઉછાળતાં જ આવડતું હોય છે ?'


Google NewsGoogle News