'ઍનોરેક્સિયા નરવોસા'થી પીડાતા લોકો કેવા હોય?
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
અ નેક સ્ત્રીઓ અને ખાસ કરીને યુવતીઓ ઍનોરેક્સિયા નામની બીમારીથી પીડાય છે. ખાવાથી ચરબી વધી જશે એવા ખ્યાલથી તેઓ ખાવાનું જ છોડી દે છે અને સતત ભૂખ્યા રહીને શરીરને કૃશ કરી નાખે છે. તેમના મગજમાં ચરબીનો ભય એટલો ઘૂસી જાય છે કે તેઓની ભૂખ જ જતી રહે છે. કંઈક ખાય તો તેઓને વોમિટ થઈ જાય છે. આવી સ્ત્રીઓને ઍનોરેક્સીક કહે છે જે ક્યારેક આનુષાંગિક બીમારીનો ભોગ બનીને મૃત્યુ પામે છે. 'ઍનોરેક્સિયા નરવોસા' જેવી એક બીજા દશા છે જેને 'ઓર્થોરેક્સિયા નરવોસા' કહે છે. ઓર્થો એટલે ઉત્તમ, શ્રેષ્ઠ. ઉત્તમ આગ્રહ એ ઓર્થોરેક્સિઆ. ઓર્થોરેક્સિયાથી પીડાતા લોકો ચેપળા હોય છે. ઘરનું રાંધેલું ખાય, ઘરનું પાણી પીઅ, કોઈનો હાથ અડી જાય તો એ ભોજન ન જમે. જા આમાં માત્ર બેક્ટેરિયા લાગુ ન પડે તે માટેનો વિવેક જાળવવામાં આવતો હોય તો સારી વાત છે, પણ ઘણીવાર બહારના પાણી કરતા એ વ્યક્તિના ઘરના ગોળાનું પાણી ખૂબ અશુદ્ધ હોય છે. ઘરમાં મર્યાદા (મરજાદી) પાળતી સ્ત્રીઓના ઘરે આ ઘાટ તમને જોવા મળશે. વિદેશોમાં પણ લોકોને 'શુદ્ધ' ખાવાનો નાદ લાગ્યો છે. દિવસમાં ગણીને બે રોટલી જ ખવાય, ચોખા હાથછડના અને દાળ ફોતરાંવાળી હોવી જાઇએ. રસાયણિક ખાતર વગરના અને કુદરતી ખાતરથી પાકેલાં, વર્ણશંકર ન હોય તેવાં ફળો જ ખવાય. આવા વિવિધ આગ્રહ રાખતા લોકોની સંખ્યા વધી રહી છે.
ઍફિલ ટાવરની ન જાણેલી વાતો
* આસપાસના હવામાન પ્રમાણે ઍફિલ ટાવરની ઊંચાઈમાં છ ઇંચ જેટલો વધારો ઘટાડો થતો રહે છે. * સન ૧૮૮૯માં પેરિસમાં ઍફિલ ટાવર બંધાયો ત્યાં સુધી, આજથી ૪૫૦૦ વરસ પહેલાં બંધાયેલા ઇજિપ્તના પિરામિડોની ગણતરી દુનિયાનાં સૌથી ઊંચાં બાંધકામોમાં થતી હતી. * દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ પ્રાગમાં આવેલું સ્ટ્રાહોવ સ્ટેડિયમ છે, જેમાં ૨,૪૦,૦૦૦ લોકો બેસી શકે છે. * ઊંચી ઇમારત પર અથવા તેની નજીક ઊભા રહેવાથી જે ડર લાગે છે તેને બેટોફોબિયા કહે છે. જોકે ઊંચાઈના ડરને ઍક્રોફોબિયા પણ કહે છે.
તુર્કમેનિસ્તાનની મહિલાઓ પાછળના ગાંડપણનો ફાયદો સરકારે ઉઠાવ્યો
તુર્કમેનિસ્તાન (તુર્કી નહીં)ની છોકરી ખૂબ સુંદર ગણાય છે. હૈદરાબાદના નિઝામો પણ તુર્કમેનિસ્તાની સુંદરીઓ પસંદ કરતા હતા. પણ આજકાલ યુરોપ-અમેરિકાના લોકો ત્યાંની યૌવનાઓને પરણવા તુર્કમેનિસ્તાન જવા માંડયા છે. આ પ્રમાણ વધી જતા હવે ત્યાંના પ્રમુખે એક વટહુકમ બહાર પાડયો છે. જે વિદેશી તુર્કમેનિસ્તાની મહિલાને પરણવા માગતો હશે તેણે તુર્કમેનિસ્તાન સરકારની વીમા કંપનીને પચાસ હજાર ડૉલર ચૂકવવા પડશે.
બ્રિટન પાછા ફરવા માટે લોરેન્સનું ગાંડપણ
સાહસિકતા એક સદ્ગુણ છે, પરંતુ ઘણીવાર ગાંડા લોકોમાં આ સદ્ગુણ ઊથલો મારે છે ત્યારે યા તો એ મરે છે અથવા તો પોતાના અંધાધૂંધ સાહસ વડે બીજા બધાના શ્વાસ અધ્ધર ચડાવી દે છે. આવો અક કિસ્સો ફ્રાન્સમાં બની ગયો. થયું એવું કે લોરેન્સ ટવિટ નામનો અક માણસ નાણાભીડથી ખૂબ કંટાળી ગયો હતો. મૂળ તો તે બ્રિટનનો રહેવાસી હતો અને તે બ્રિટન પાછો જવા માગતો હતો, પરંતુ તેની પાસે પાછા જવાના પૈસા નહોતા. પૈસા માટે બહુ કોશિશો કરવા છતાં કંઈ મેળ ન પડયો ત્યારે લોરેન્સે વિચાર્યું કે દરિયામાં તરતાં-તરતાં બ્રિટન પહોંચી જાઉં તેણે લાકડાના પાટિયાં જડીને એક એટલો સાદો તરાપો બનાવ્યો જે આદિમાનવ પણ ન વાપરે, પરંતુ લોરેન્સ બહુ જોરમાં હતા. એ તરાપા પર ચડીને તે ફ્રાન્સના દરિયાના પાણીમાં ઊતર્યો અને હાથપગ વડે જોર કરીને તેણે તરાપો બ્રિટનની દિશામાં ચલાવ્યો. ૪૬ વર્ષનો લોરેન્સ સમુદ્રપ્રવેશ પછી ૧૪ કલાક બાદ પણ તરાપા પર જ હતો, પરંતુ થાકને કારણે તેને ઊંઘ આવી ગઈ હતી.
એ વખતે તેનો તરાપો દરિયામાં જઈ રહેલા એક મોટા ઓઇલ ટેન્કર સાથે ટકરાયો. ટેન્કરવાળાઓનું ધ્યાન આ ભાઈ પર ગયું ત્યારે તેઓ હાફળાફાંફળા થઈ ગયા. તેમણે લોરેન્સને ઉગારી લીધો. પછી કાંઠે આવ્યા બાદ લોરેન્સે પત્રકારોને કહ્યું : ''દરિયાઈ જહાજા કેટલાં તોતિંગ હોય છે એ તો તમને ત્યારે જ સમજાય જ્યારે તમે દરિયાના પાણીમાં હો અને તમારા માથા પર એક મોટું જહાજ ઝળૂંબી રહ્યાં હોય.'' આટલું કહ્યા બાદ લોરેન્સે હળવેકથી ઉમેર્યું : ''બીજું બધું તો ઠીક છે, એ જહાજ જો મને ન ભટકાયું હોત તો હું ચોક્કસ બ્રિટન પહોંચી ગયો હોત.''
બ્રિટનના આંકડા શાસ્ત્રીઓની રમુજી ભવિષ્યવાણીઓ
જૂઠાણાંના ત્રણ પ્રકારો છે : જૂઠ, મહાજૂઠ અને સ્ટેટિસ્ટિક્સ (આંકડાશાસ્ત્ર), બ્રિટનના રમૂજપ્રેમી આંકડાશાસ્ત્રીઓએ હાલમાં ઇન્ટ્રોડકશન ટુ સોસિયોલોજી નામના પુસ્તકમાં પ્રકાશિત થયેલા આંકડા અને સામાજિક પ્રવાહોનો અભ્યાસ કરીને તથા ઊંડી ગણતરીઓ કરીને બ્રિટનના ભવિષ્ય વિશે ચોકાવનારી આગાહીઓ કરી છે. આ ચૂટકિલી આગાહીઓ સાચી તો કદાચ નહીં ઠરે, પણ બે ઘડી મનોરંજન મેળવવા માટે આ આગાહીઓ જાણવા જેવી છે. જેમ કે બ્રિટનમાં ૧૯૭૨માં ૪૧ ટકા સ્ત્રીઓ અને ૫૨ ટકા પુરુષો સિગારેટ પીતાં અને ૧૯૯૨માં એ પ્રમાણ ઘટીને અનુક્રમે ૨૮ અને ૨૯ ટકા થઈ ગયેલું. જો ધૂમ્રપાનમાં થઈ રહેલા ઘટાડાનું આ પ્રમાણ જળવાઈ રહે તો બ્રિટનમાં એકપણ માણસ સિગારેટ નહીં પીતો હોય એવો દિવસ ક્યારે ઊગશે? જવાબ છે : ૨૦૩૬ની સાલમાં. ૧૯૬૧માં બ્રિટનમાં ૬ ટકા બાળકો લગ્નબાહ્ય સંબંધો દ્વારા પેદા થતાં અને ૧૯૯૦માં વગરલગ્ને પેદા થયેલાં બાળકોનું પ્રમાણ ૨૮ ટકા હતું. આ પ્રવાહ વિશે ગણતરીઓ માંડયા બાદ આંકડાશાસ્ત્રીઓ કહે છે બ્રિટનમાં ૨૦૮૫ની સાલમાં બધાં જ બાળકો લગ્નબાહ્યા સંબંધથી જન્મતાં હશે. ૧૯૭૭માં બ્રિટનમાં ૪૧૦૦ નાગરિકોદીઠ એક દંતચિકિત્સક હતો અને ૧૯૯૭માં ૩૦૦૦ નાગરિકો દીઠ એક દંતચિકિત્સક સેવા આપી રહ્યા હતો. દાંતના ડોક્ટરોની સંખ્યા આ જ ઝડપે વધતી રહેશે તો ૨૦૫૨ની સાલમાં એક માણસદીઠ દાંતનો એક ડૉક્ટર હશે. ૧૬થી ૨૪ વર્ષનાં છોકરા-છોકરીઓ ૧૯૮૫માં ૨.૪૫ કલાક ટીવી જાતાં અને ૧૯૯૦માં આ પ્રમાણ વધીને ૨.૫૭ કલાકનું થયેલું. આ હિસાબે આ વયજૂથના છોકરા-છોકરીઓ જેટલા કલાક જાગે તેટલા કલાક ફક્ત ટીવી જ જોવાનું કામ કરે અવો દિવસ ૨૫૪૯ની સાલમાં ઊગશે. ૧૯૬૧માં દર હજાર લગ્નમાંથી ૨.૧ લગ્ન છૂટાછેડામાં પરિણમતાં જ્યારે ૧૯૯૦માં હજારમાંથી ૧૨.૯ લગ્નનો અંત છૂટાછેડામાં આવતો. આ હિસાબે, પ્રત્યેક લગ્નનો અંત છૂટાછેડામાં જ આવશે એવું છાતી ઠોકીને કઈ સાલમાં કહી શકાશે? જવાબ : ૪૬૫૭માં.