હૃદયને સદાય કરુણાશીલ રાખવાના છ ઉપાયો કયા?
- એક જ દે ચિનગારી-શશિન્
- કરુણા એ મૈત્રીભાવ છે. મૈત્રી ભાવ 'મીટર'થી ન મપાય. કરુણાશીલ હૃદય હોવું એ આપણા પર ઇશ્વરનો મોટો કૃપા પુરસ્કાર છે
એ ક માણસે બીજા માણસને કહ્યું : 'ખૂણામાં બેહોશ પડેલા માણસને આપણે હોસ્પિટલ પહોંચાડવો જોઇએ.'
બીજા માણસે કહ્યું : 'બહુ કરુણાશીલ બનવામાં સાર નથી. પોલિસને હજાર પ્રશ્નોના જવાબ આપવા પડે. એના કરતાં મૌન ધારણ કરવું સારું.' અને કશી જ કરુણા દેખાડયા સિવાય બન્ને વિદાય થયા.
સભ્યતાના વિકાસ સાથે સહૃદયતા વધવી જોઇએ. પણ બન્યું છે એનાથી ઉલટુ. અનુકંપા, દયા, હમદર્દી, કરુણા, અને સહાનુભૂતિ જેવા શબ્દો ધીરે ધીરે ઉષ્મા ગુમાવી રહ્યા છે. માણસે જીવવું છે, પણ કોઈપણ ભોગે, માણસે ધનિક બનવું છે કોઈપણ ભોગે. સત્તા પ્રાપ્ત કરવી છે, કોઈપણ ભોગે. માણસે પૂજાવું છે, કોઈપણ રીતે.
પરિણામ એ આવ્યું છે કે આજે સમાજમાં નથી રહ્યા નિઃસ્વાર્થ દાતાઓ. જ્યાં જુઓ ત્યાં ડોનેશનની ભૂખ ધર્મ સ્થાન હોય કે શિક્ષણ ધામ સર્વત્ર માગનારાઓ વધ્યા છે. તેની સાથે શરતી દાતાઓ પણ વધ્યા છે. નિસ્વાર્થ કરુણા દેખાડનારની કોઈ નોંધ લેવા પણ તૈયાર નથી. અહીં શ્રી સુરેન્દ્ર શર્મા લિખિત એક પ્રસંગને ટાંકવાનું મન થાય છે. 'ભીખ' વિષયક પ્રેરક કથામાં એક ભિખારીએ પોતાના ખભા પરના ગમછામાં બાંધીને કશુંક લટકાવ્યું હતું. પગદંડી પસાર કર્યા બાદ તે વ્યક્તિ એક વૃક્ષ નીચે જઇને બેઠી. ઝાડ નીચે એક કૂતરું બેઠેલું નજરે પડયું. ભિખારીને જોઇને કૂતરું પૂંછડી પટપટાવા લાગ્યું. તે જોઇને પેલા ભિખારીએ સ્મિત ફરકાવ્યું. એન ગમછામાં બાંધેલી રોટલીઓ કૂતરા આગળ નાખી. કૂતરું ટેસથી રોટલીઓ આરોગવા લાગ્યું. એને ઉદ્દેશીને પેલા ભિખારીએ કહ્યું : 'બદમાશ, તને જોઇને મને ખબર પડી ગઈ હતી કે તું ભૂખ્યો છે. હું 'ભૂખ'ને સારી પેઠે ઓળખું છું. એ વૃક્ષની પાસેના વૃક્ષ નીચે બેઠેલો એક ઘરડો માણસ આ બધું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. ભિખારીએ તેને જોઇને કહ્યું : 'બાબૂજી, થોડાક પૈસા આપવાની કૃપા કરશો ? ત્રણ દિવસથી ભૂખ્યો છું. પેલા વૃદ્ધે તેના પર ગુસ્સે થતાં કહ્યું : ચાલ, ભાગ અહીંથી, આઘો ખસ જૂઠાબોલાં. તું કહે છે કે હું ભૂખ્યો છું તો પછી તારી પાસેની રોટલીઓ તેં કૂતરાને કેમ ખવડાવી દીધી ?''
ભિખારીએ કરગરતાં કહ્યું : 'સાહેબ, આ કૂતરો ભૂખ્યો હતો. મને તો ભીખ મળી જશે પણ આ કૂતરાને ભીખ કોણ આપશે ?' આનું નામ કરુણા, અનુકંપા. મારા સ્વાનુભવનો એક પ્રસંગ ટાંકવાનું પ્રાસંગિક લાગે છે. હું સ્વ. લેખક પ્રિયકાન્ત પરીખ અને મારો એક શિષ્ય પ્રકાશ ભગત પૂર્વ આફ્રિકાના પ્રવાસે ગયા હતા. અમારા યજમાન શ્રી નંદકિશોર બારોટે મસાઈ મારા કેમ્પની મુલાકાત ગોઠવી આપી હતી. નિર્ભય વિચરતાં વન્ય પ્રાણીઓને મન ભરીને નિરખ્યાં. બીજે દિવસે પાછા ફરતાં હોટલના માલિકે નાસ્તાનું પેકેટ તૈયાર કરીને આપ્યું હતું.
અડધું અંતર કપાયા બાદ અમે હોલ્ટ કર્યો. એક નાનકડા રેસ્ટોરન્ટમાં. અમે નાસ્તાનું પેકેટ ખોલ્યું ત્યાં સામે બેઠેલા એક અશ્વેત કુટુંબનાં પાંચ બાળકોની નજર અમારા નાસ્તાની સામગ્રી પર પડી. એ ભૂખી નજરે નાસ્તા તરફ મિટ માંડી રહ્યાં હતાં. મારાથી એ સહન ન થયું. અને મારી સાથીઓની સમ્મતિ લઇ નાસ્તાનું પેકેટ પેલાં ભૂખ્યાં બાળકોને આપી દીધું : એમની આંખોમાં જે આનંદ જોવા મળ્યો તે સાચે જ દુર્લભ હતો. એ બાળકોની પ્રસન્નતાએ અમારી ભૂખ ભાંગી નાખી.
દાતા મોટો અને દાન લેનાર નાનો એવી માન્યતા સામાન્ય રીતે પ્રવર્તતી હોય છે. એનું ખંડન કરતાં કવિ રામધારી સિંહ 'દિનકર' કહે છે (રશ્મિરથી ખંડકાવ્યમાં)
'અરે ! કૌન હૈ ભિક્ષુ યહાં પર
અરે !
કૌન દાતા હૈ,
અપને હી અધિકાર
મનુષ્ય નાના વિધિસે
પાતા હૈ'
તમે કોઇનું ભલું કરો અને તમે દાખવેલી કૃતજ્ઞાતાથી કોઇની આંખો ભીની થઇ જાય એનાથી મોટી બીજી કઈ વસ્તુ હોઈ શકે ! 'જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે : આપનાર તો માધ્યમ છે. નિયતિના કોઈ અજાણ નિયમ મુજબ બધી ઘટનાઓ થતી હોય છે. માણસ આપ્યાનો અહંકાર અકારણ જ પોષતો પાળતો હોય છે.'
સૂરજ પ્રકાશ અને ઊર્જાનું દાન કરે છે પણ એ માટેનું બિલ ક્યારેય મોકલતો નથી. વાદળાં ક્યારેય રેઇનગેજ એટલે કે વરસાદ માપવાનું સાધન રાખતાં નથી. પોતાનાં કિરણોએ કેટલી શીતળ ચાંદની પ્રદાન કરી એનો રેકર્ડ ચંદ્ર કદાપિ રાખતો નથી.
પણ માણસ નામ અને નામનાનો ભૂખ્યો છે. દાન ગ્રહણ કરનારે પોતાને સત્કાર્ય કરવાની તક આપી એટલે એ મોટો છે. એમ દાતા વિચારે તો જ દાનનું ગૌરવ વધે.
અહીં શિવકુમાર ગોયલ રચિત એક પ્રસંગનું સ્મરણ થાય છે. શિવલી નામનો એક માણસ ઇરાકના એક સૂખાનો વહીવટદાર હતો. નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તેણે સંત જુનેદ પાસે જઇને કહ્યું : 'બાબા, મને આપનો શિષ્ય બનાવો. આપના હૂક્મનું પાલન કરીશ.'
સંત જુનેદે કહ્યું : દરવેશ બનીને ઠેકઠેકાણે ભીખ માગ. તે નિવૃત્ત સૂબાએ ઘેર ઘેર ફરીને એક વર્ષ સુધી ભીખ માગી.
સંતે વળી તેને કહ્યું : તું સૂબેદાર હતો. તે જાણે અજાણે અનેક લોકોના દિલ દુભવ્યાં હશે. તેમનું બૂરું કર્યું હશે. એટલે તું બધાંની માફી માગ. તે મુજબ નિવૃત્ત સૂબેદાર શિવલીએ તેમની સૂચનાનું પાલન કર્યું.
તે હાજર થયો એટલે સંત જુનેદે કહ્યું : 'હવે એક વરસી ગરીબો, બીમાર અને લાચાર લોકોની સેવા કર. ત્યારબાદ પાછો ફરજે.'
શિવલી ઠેકઠેકાણે જતો. બીમાર લોકોની સેવા કરતો. દવાઓ અને ફળફળાદિનું દાન કરતો. દુઃખી લોકો તેને આશીર્વાદ આપતો.
એક વર્ષ પછી તે સંત જુનેદને મળ્યો. સંતે પૂછ્યું : 'હવે તું તારા પોતાના વિશે શું વિચારે છે ?'
જુનેદે કહ્યું : 'ખુદાના તમામ સેવકોમાં હું મારી જાતને સૌથી નાનો માનું છું.'
સંત જુનેદ કહ્યું : 'હવે તું ઈન્સાન બની ગયો છું. અલ્લાહને પ્રિય બની ગયો છે.'
ઇશાવાસ્ય ઉપનિષદે એટલે જ 'ત્યાગીને ભોગવી જાણોનો મંત્ર આપ્યો. તિરુપતિ વેંકટલુલુએ કહ્યું છે કે મનુષ્ય અન્ય મનુષ્ય પર કરુણા નહીં દાખવે તો ભગવાન પણ તેની ઉપર કરુણાવર્ષા નહીં કરે. કરુણાએ મૈત્રી ભાવ છે. મૈત્રીભાવ મીટરથી ન મપાય. કરુણાશીલ હૃદય હોવું એ ઇશ્વરનો મોટો કૃપા પુરસ્કાર છે.'
હૃદયને સદાય કરુણાશીલ રાખવાના છ ઉપાયો કયા ?
૧. અન્ય વ્યક્તિમાં સદગુણો શોધવાની કોશિશ કરો. પોતાની મર્યાદાઓ લઘુતાઓ શોધીને સુધારવાની કોશિશ કરો.
૨. અભિમાનશૂન્ય બની, નિસ્પૃહી બની વાહવાહીની અપેક્ષા વગર દાન આપો, આપી જાણો.
૩. પ્રાણીમાત્રમાં પરમાત્માનું દર્શન કરો.
૪. ભોગ અને ત્યાગ એ બન્નેમાંથી ત્યાગને જ તમારા જીવનનું પ્રેરક બળ બનાવો.
૫. કરુણાની અભિવ્યક્તિને ઉભરાનો વિષય ન બનાવો. સદાય કરુણાશીલ રહો.
૬. બિનશરતી પ્રેમ અને સેવા ભાવનાનું વ્રત સ્વીકારી તમારા હૃદયને લાગણીથી લીલુછમ રાખો.