Get The App

શિરાલીનું સરપ્રાઈઝ શું હતું ? .

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
શિરાલીનું સરપ્રાઈઝ શું હતું ?                               . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- તમે લોકો શિરાલીને ઈમ્પ્રેસ કરવામાં ટાઈમ બગાડી રહ્યા હતા પણ હું સતત એના ડેડીને ખુશ રાખી રહ્યો હતો.

'પેલી શિરાલીનું શું થયું ? એ કોઈને પરણી કે નહીં ?'

લંડનથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટમાં બે જુના દોસ્તો ભેગા થઈ ગયા હતા. બન્ને પાંચ વરસ પહેલાં અમદાવાદમાં આઈઆઈએમમાં ભણતા હતા.

'શિરાલી ? યા...ર ? એની યાદ આવતાં જ તન-બદનમાં કસક ઊઠે છે ! મને તો એમ કે એ તને પરણી ગઈ હશે.'

'ક્યાંથી યાર ?' બીજાએ કહ્યું 'ંમારી સાથે બહુ હરીફરી... પણ છેલ્લે સુધી લબડાવતી રહી, પણ આર યુ શ્યોર કે એ આપણા રિ-યુનિયનમાં આવવાની છે ?'

'આવવાની છે ! નોટ ઓન્લી ધેટ, એણે મેસેજ મુક્યો છે કે ૨૦૧૯ની બેચના આખા ક્લાસના ફ્રેન્ડસ માટે એક સરપ્રાઈઝ છે.'

'આહાહા... શું એ દિવસો હતા...'

ૂબન્ને જણા જુની યાદોમાં ખોવાઈ ગયા. માત્ર આ બે દોસ્તો જ નહીં, ૨૦૧૯ની રિ-યુનિયન પાર્ટી માટે જે જે દોસ્તો અમદાવાદ આવી રહ્યા હતા સૌને યાદ આવી રહી હતી શિરાલી ! યાને કે શિરાલી કાપડીયા, જે આખી કોલેજની હિરોઈન હતી. ચુલબુલી, અલ્લડ, બિન્દાસ, ખુબસુરત અને ઈન્ટેલિજન્ટ !

'શિરાલી... અને યાદ છે પેલો વિમલ મહેતા ?' બન્ને જણાં ખડખડાટ હસતાં એકબીજાને તાળી આપતાં બોલ્યા 'શિરાલીનો પર્સનલ લવ મેનેજર !'

હા, વિમલ મહેતા એક સીધોસાદો ગુજરાતી મિડલ ક્લાસિયો છોકરો હતો જે શિરાલીના દોસ્તોની યાદીમાં એટલા માટે સામેલ હતો કે એ ગુજરાતી હતો અને મુંબઈનો હતો. શિરાલી કોલેજના ડઝનબંધ છોકરાઓ સાથે હસતી, ફરતી, રખડતી, મસ્તી કરતી હતી પણ વિમલ મહેતા ઉપર હુકમ જ ચલાવતી હતી.

'લેટસ ગો ટુ ઉદયપુર !' એક શનિ-રવિની રજામાં શિરાલીએ નક્કી કર્યું. કોઈએ કહ્યું 'યાર, ત્યાં ભયંકર ગરમી છે. હાઈએસ્ટ ટેમ્પરેચર ૪૨ સુધી જાય છે.'

'તો શું થયું ? આપણે લેક-પેલેસ હોટલમાં ઉતરીશું. એ તળાવની વચ્ચોવચ્ચ છે. વિમલ, તું આપણા સૌ માટે બુકિંગ કર !'

બિચારો વિમલ મોબાઈલમાં જોઈને કહેતો 'એક પણ રૂમ અવેલેબલ નથી.'

શિરાલી વિમલને ખખડાવી નાંખતી. 'હું કંઈ ના જાણું ! તું મેનેજ કર !'

શિરાલીનો આ સ્ટાન્ડર્ડ હુકમ હતો વિમલ માટે ! 'મેનેજ કર...' અને બિચારો વિમલ મેનેજ કરતો પણ ખરો. એ વખતે વિમલે ચાર-પાંચ ફોન કર્યા પછી આવીને કહ્યું 'ડન ! થઈ ગયું બુકિંગ. એ પણ ડિસ્કાઉન્ટ રેટમાં !'

બધાને નવાઈ લાગેલી. સાલા વિમલે આ કર્યું શી રીતે ? બહું પૂછપૂછ કર્યા પછી વિમલે કીધેલું 'એકચ્યુલી મેં આપણા બધાની સરનેમનો યુઝ કર્યો છે. મેં હોટલના મેનેજરને કહ્યું કે ઉદયપુરમાં કાપડીયાઝ, સિઘાનિવાઝ, મરડીયાઝ અને ઓબેરોયઝનું એક જોઈન્ટ વેન્ચર શરૂ થવાનું છે. એમનાં સંતાનોનું આ બહુ મોટું સ્ટાર્ટ-અપ છે. તમે જો હોટલમાં સારી રીતે વેલકમ કરશો તો પોસિબલ છે કે લોકલ પાર્ટનર તરીકે તમને પણ ચાર ટકાની પાર્ટનરશીપ ઓફર થાય.'

'વાઉ !' બધા બોલી ઉઠયા હતા. 'સાલા, તેં તો બહુ ઊંચી ચલાવી !' બહારથી સાવ મામૂલી દેખતા વિમલની આ જ આવડત હતી. એ કંઈપણ મેનેજ કરી શકતો હતો. શરત એટલી જ કે શિરાલી એ હુકમ કર્યો હોય : 'વિમલ, મેનેજ કર !'

શિરાલીને રાત્રે ત્રણ વાગે મોંઘી હોટલમાં પાર્ટી કરવાનું મન થાય, ભર શિયાળાની કડકડતી ઠંડીમાં કચ્છ જઈને તાપણાં અને લોકસંગીત સાથે વિક-એન્ડ ટ્રીપ કરવી હોય, કે પછી એના કરોડપતિ ડેડી ધીરુભાઈ કાપડિયાને કન્વીન્સ કરીને આઈઆઈએમના યુથ ફેસ્ટિવલની ટોટલ સ્પોન્સરશીપ માટે હા પડાવવાની હોય... આ બધું જ તે વિમલ મહેતા પાસે કરાવતી.

શિરાલી એના ડઝન ફ્રેન્ડઝ સાથે મોજમસ્તી કરતી હોય ત્યારે વિમલ દૂર ઊભો ઊભો ચૂપચાપ જોયા કરતો હોય એ દ્રશ્ય કોમન હતું.

'એ વિમલ ક્યાં છે આજકાલ ? એરપોર્ટથી ઉતરતાં એ દોસ્તે બીજાને સવાલ કર્યો.

જોકે જ્યારે એનો જવાબ મળ્યો ત્યારે ૨૦૧૯ની બેચના તમામ સ્ટુડન્ટ્સ છક્કડ ખાઈ ગયા ! 

શિરાલી વિમલ મહેતાના હાથમાં હાથ પરોવીને આવી રહી હતી ! થોડી જ વારમાં તેણે એનાઉન્સ કર્યું 'હાય ગાયઝ ! વિ આર ગેટિંગ મેરીડ ! અને તમારે બધાએ આવવાનું છે !'

કોઈના ભેજામાં આ વાત બેસતી જ નહોતી. સાલું, આ શી રીતે થયું ? છેવટે જ્યારે રિ-યુનિયનની પાર્ટી વિખેરાઈ રહી હતી ત્યારે લંડનથી આવેલા આ બે દોસ્તોે એ વિમલને પૂછયું 'યાર, આ જાદૂ શી રીતે થયો ?'

વિમલે નમ્રતા સાથે સ્માઈલ કરતાં કહ્યું 'તમે લોકો ખોટી દિશામાં મહેનત કરી રહ્યા હતા. શિરાલી આફટર ઓલ તો એક ગુજરાતી ફેમિલીની છોકરી છે. ધીરુભાઈ કાપડીયા જેવા અબજોના માર્કેટ-નેશનલ બિઝનેસને સંભાળવા માટે એમને કોઈ હેન્ડસમ કે દિલફેંક જમાઈ નહીં, પણ બધુ 'મેનેજ'' કરી શકે એવો જમાઈ જોઈતો હોય ! તમે લોકો શિરાલીને ઈમ્પ્રેસ કરવામાં ટાઈમ બગાડી રહ્યા હતા પણ હું સતત એના ડેડીને ખુશ રાખી રહ્યો હતો.

'મતલબ કે ચમચાગિરી, રાઈટ ?'

વિમલે ફરીથી પોલાઈટ સ્માઈલ આપ્યું. 'ચમચાગિરી અને મેનેજમેન્ટમાં ઘણો ફેર હોય છે. આપણે બધા ગ્રેજ્યુએટ થઈ ગયા પછી એકવાર શિરાલીના ડેડીને હાર્ટ-એટેક આવ્યો હતો... એ ઓલમોસ્ટ મરણપથારીએ હતા. તે વખતે શિરાલી ખરેખર ગભરાઈ ગઈ હતી કે પોતે આવડું મોટું બિઝનેસ એમ્પાયર શી રીતે ચલાવી શકશે ?'

'તે વખતે ઓલમોસ્ટ બે મહિના સુધી મેં બધું...' વિમલે હવે પછીના શબ્દ ઉપર ભાર મુકતાં કહ્યું... 'મેનેજ કર્યું હતું ! સમજ્યા ?'

મોડી રાત્રે જ્યારે રિ-યુનિયન પાર્ટી પુરી થઈ ત્યારે લંડનથી આવેલા આ બે દોસ્તોને 'મેનેજમેન્ટ'નો નવો અર્થ સમજાઈ રહ્યો હતો...


Google NewsGoogle News