તલ શરીરના બધા જ અવયવોને સ્નિગ્ધ રાખે છે

Updated: Aug 17th, 2021


Google NewsGoogle News
તલ શરીરના બધા જ અવયવોને સ્નિગ્ધ રાખે છે 1 - image


- દાંતને મજબૂત કરવાં હોય તો રોજ એક મુઠ્ઠી સારી રીતે ચાવી ચાવીને ખાવા. નિયમિત કરવાથી દાંત મોટી ઉમર સુધી મજબૂત રહે છે

ત લ, જેનો અર્થ છે કે જે ચીકણું કે સ્નિગ્ધ હોવાથી શરીરનાં સર્વ અવયવોને સ્નિગ્ધ રાખે છે. રંગનાં આધારે તલનાં મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે. કાળા, સફેદ અને લાલ, જેમાં કાળા તલ સર્વોત્તમ છે. સફેદ તલ મધ્યમ અને લાલ તલ ગુણોમાં હીન છે તેવો મુખ્યત્વે મત જોવા મળે છે.

તેનાં સ્વાદમાં ચાર રસ મિશ્રિત છે, જેમાં તીખો, કડવો, તૂરો અને મધુર રસ સમાવિષ્ટ છે. તલ પાચન પછી તીખા રસમાં પરિવર્તન પામે છે.

તેનો સ્વભાવ ગરમ છે અને કફ તથા પિત્તનો નાશ કરનાર છે. તલનું તેલ પચવામાં ભારે, બળ આપનારું, વીર્યને વધારનાર તથા મળ અને મૂત્રને રોકનાર છે. તેની માલિશ કરવાથી ચામડી, વાળ અને આંખો માટે હિતકારી છે પણ ભોજનમાં લેવાથી તે વિરોધી પ્રભાવ બતાવે છે. વિવિધ ઘા, બળી જવું અને હાડકાંના વિવિધ રોગોમાં તેનો પ્રયોગ ફાયદો આપી શકે છે. ગર્ભવતી સ્ત્રીઓએ તલના ઉપયોગમાં થોડી સાવધાની રાખવી જોઈએ.

વૈદ્યકીય સલાહ અને માર્ગદર્શન હેઠળ તલનો પ્રયોગ આ પ્રમાણે કરી શકાય. 

૧. મસા એટલે કે અર્શ થયા હોય ત્યારે પીસીને માખણ સાથે સેકીને ઉપયોગ કરી શકાય.

૨. દાંતને મજબૂત કરવાં હોય તો રોજ એક મુઠ્ઠી સારી રીતે ચાવી ચાવીને ખાવા પછી શીતળ જળ પીવું. તે નિયમિત કરવાથી દાંત મોટી ઉમર સુધી મજબૂત રહે છે.

૩. શિર: શૂલ એટલે કે માથાના દુખાવા (માઈગ્રેન)માં દૂધની સાથે ગરમ કરી પોટલી બનાવવી અને શેક કરવો.  

૪. ગોળ સાથે મિશ્રિત કરીને ખાવાથી વાયુના રોગો શાંત થાય છે અને શરીરમાં શક્તિ આવે છે.

૫. સ્ત્રીઓમાં માસિક ન આવતું હોય ત્યારે સેવનથી ફાયદો થઇ શકે છે.

૬. સંધિવાતમાં સૂંઠના ચૂર્ણ સાથે સેવન કરવું.

૭. ખાંસીમાં તલનો ઉકાળો થોડી ખાંડ મેળવીને આપી શકાય.

૮. વ્રણ એટલે કે ઘા પડયો હોય તો તલના તેલની વાટ મૂકવાથી ફાયદો થાય છે.

- મિલિન્દ તપોધન 


Google NewsGoogle News