Get The App

હા, મને ઇમ્પોસ્ટર સિન્ડ્રોમની મનોદશા ઘેરી વળી હતી...

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
હા, મને ઇમ્પોસ્ટર સિન્ડ્રોમની  મનોદશા ઘેરી વળી હતી... 1 - image


- સાન્યા મલ્હોત્રાની કબૂલાત

- 'મને  મારા કામ એટલે કે અભિનય પ્રત્યે અસંતોષ હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો. મને સતત એવા વિચાર આવતા હતા કે  હું અભિનયની કારકિર્દી માટે યોગ્ય નથી.'

આજકાલ સોશિયલ મીડિયા પર સૌ કોઈ નોન-ફિલ્મી ગીત 'આંખ'ના સ્ટેપ્સ કરીને શોર્ટ્સ કે રીલ્સ બનાવી રહ્યા છે. આ ગીતમાં થિરકે છે ગાયિકા સુનિધિ ચૌહાણ અને સાન્યા મલ્હોત્રા. ઇવન સ્ટેજ શોઝમાં આ ગીત દરમિયાન સાન્યા સ્ટેજ પર એન્ટ્રી માટે ત્યારે ઓડિયન્સ ચિચિયારી પાડી ઉઠે છે. 

નવી પેઢીની પ્રતિભાશાળી અભિનેત્રીઓની યાદીમાં સાન્યા મલ્હોત્રાનું નામ સામેલ છે. સાન્યા બોલિવુડમાં બહુ ઝડપભેર આગળ વધી રહી છે. 'દંગલ' (૨૦૧૬) ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં પા પા પગલી ભરનારી સાન્યા મલ્હોત્રા આજે નિર્માતા - દિગ્દર્શકોની માનીતી અભિનેત્રી બની ગઇ છે. કારણ એ છે કે સાન્યા બહુ  મહેનતુ છે અને સતત નવું નવું શીખી રહી છે. 

નવી દિલ્હીમાં પંજાબી પરિવારમાં જન્મેલી અને ઉછરેલી સાન્યા મલ્હોત્રા તેના તે સંઘર્ષના દિવસોને યાદ કરતાં કહે છે,  બોલીવુડમાં દંગલ ફિલ્મની  મારીશરૂઆત પ્રમાણમાં ઘણી સારી અને સફળ રહી છે. મને જુદી જુદી ફિલ્મોમાં મજેદાર પાત્રો ભજવવાની તક મળી રહી હતી. કોણ  જાણે કેમ બરાબર  એ જ તબક્કે મને  મારા કામ એટલે કે અભિનય પ્રત્યે અસંતોષ હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો. મને સતત એવા વિચાર આવતા હતા કે હું અભિનયની કારકિર્દી માટે યોગ્ય નથી.મને મારું પાત્ર ભજવતાં નથી આવડતું. આટલું જ નહીં, આવા વિચારોને કારણે મને ભારે ગુસ્સો  પણ આવતો. એમ કહો કે મારું માનસિક સમતુલન ખોરવાઇ ગયું હતું. મેં મારી આવી મનોસ્થિતિ વિશે મારા પરિવારને વાકેફ કર્યો. અમે એક નિષ્ણાત અનુભવી ડોક્ટરની સલાહ લીધી. ડોક્ટરે મારી સાથેની ગહન ચર્ચા કર્યા બાદ કહ્યું કે હું ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ નામની મનોદશાનો ભોગ બની છું. કોઇ ગંભીર  માનસિક રોગ નથી. તમે ખાસ પ્રકારની થેરપી અને સારવારથી  જલદીથી સાજાં નરવાં થઇ જશો. 

 હું તે ડોક્ટરની સારવારથી સાચે જ સાજી થઇ ગઇ. મારો મારાં રોજબરોજનાં કામ અને અભિનય કારકિર્દી પ્રત્યેનો આત્મવિશ્વાસ વધી ગયો. મારાં વાણી,વર્તન, વિચારોમાં હકારાત્મક પરિવર્તન આવ્યું. મારામાં યસ, આઇ કેન ડુ ઇટ નામનો તેજસ્વી વિચાર ઉગ્યો. 

હું આજે ખરેખર બહુ બહુ રાજી છું. ભરપૂર આનંદ, સંતોષ, આત્મવિશ્વાસથી છલકાઇ રહી છું. નવી નવી ફિલ્મોમાં ઉત્સાહભેર કામ કરી રહી છું.

બાળપણથી જ નાટકોનો અને નૃત્યનો શોખ ધરાવતી સાન્યા તેના નાનપણની સ્મૃતિઓ યાદ કરતાં  કહે છે, હું મારી ભાવિ કારકિદી અભિનય અથવા નૃત્યના ક્ષેત્રમાં આગળ વધારવા ઇચ્છતી હતી.  જોકે મારી આવી ઇચ્છાથી મારી  માતા બહુ નારાજ હતી. મને મારા પિતાનો ભરપૂર સાથ-સહકાર હતો. મારા વિચારોમાં પરિવર્તન આવે તે માટે  મને મારી માતા જ્યોતિષાચાર્યો અને પંડિતો પાસે લઇ જતી. તે પંડિતોએ મને એવી સલાહ આપી હતી કે મારા માટે  અભિનય અને નૃત્યનું ક્ષેત્ર યોગ્ય નથી. તેને બદલે મારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઇએ. એકાદ બેન્કમાં સારી નોકરી કરવી જોઇએ વગેરે વગેરે. સમય જતાં મારી માતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે તે  હું પહેલાં મારું ભણતર બરાબર સારી રીતે પૂરું કરું. હું સુશિક્ષિત હોઇશ તો ભવિષ્યમાં સારા-ખરાબ અને સાચા--ખોટા વચ્ચેનો ભેદ બરાબર પારખી શકીશ. જીવનમાં સાચા અને ઉપયોગી નિર્ણયો લઇ શકીશ. મને આજે મારી માતાની આ સોનેરી સલાહ બહુ જ ઉપયોગી બની છે. 

દંગલ સહિત પગલેત, પટાખા, બધાઇ હો, કટહલ, લવ, જવાન, શકુંતલા દેવી, સેમ બહાદુર વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્ર ભજવનારી સાન્યા મલ્હોત્રા કહે છે, હું નાનપણથી જ  જબરી હિંમતબાજ રહી છું. કોઇ ન માને પણ હું મુંબઇમાં ફિલ્મોના  ઓડિશન માટે  જતી ત્યારે મેકઅપ વગર જ  જતી. મને ભરપૂર આત્મવિશ્વાસ હતો કે હું ઓડિશનમાં જરૂર સફળ રહીશ.  

સાન્યા મલ્હોત્રાએ મુંબઇ આવીને ડાન્સ ઇન્ડિયા ડાન્સ નામની નૃત્ય સ્પર્ધામાં  ઉત્સાહભેર હિસ્સો લીધો હતો. તેમાંથી એને ઘણું નવું નવું જાણવા -શીખવા મળ્યું. 

ગ્રેટ ગોઇંગ, સાન્યા. 


Google NewsGoogle News