કવિ માધવકૃત 'રૂપસુંદર કથા' એક અદ્ભુત પ્રેમકથા
- શામળ જેવા કેટલાક કવિઓ દ્વારા રચાયેલી પ્રેમકથાઓનો શૃંગાર તત્કાલીન જનસમુદાયની રસિકતાનું બળ બને છે
પ્રા ચીન સમયમાં સામાન્ય રીતે લોકમનોરંજનનું કોઈ વિશેષ સાધન ન હતું એટલે તત્કાલીન લોકજીવન માત્ર ધર્મ કે ભક્તિને આધારે જ ટકી રહ્યું હતું. રોજિંદા ધર્મધ્યાનો, દેવદર્શન, પૂજાપાઠો, વ્રત-ઉત્સવો, ભજનમંડળીઓ અને આખ્યાનકારોના આખ્યાનોના પરિઘમાં જ આ પ્રજાજીવન સીમિત હતું. તેવા સમયે શામળ જેવા કેટલાક કવિઓ દ્વારા રચાયેલી પ્રેમકથાઓનો શૃંગાર તત્કાલીન જનસમુદાયની રસિકતાનું બળ બને છે. આ લોકકથાઓએ તત્કાલીન જનહૃદયમાં અજ્ઞાતપણે સુષુપ્ત રહેલા બાળકને તેમના વાર્તારસ દ્વારા સતત જીવંત રાખ્યો છે. શૃંગારવીર અને અદ્ભૂત રસથી સભર આ લોકવાર્તાઓએ તેમના કલ્પનાબળથી લોકોના જીવનમાં આનંદ અને નાવીન્યનો અનુભવ કરાવી તેમના રોજિંદા એકધારા જીવનનો થાક ઉતાર્યો છે અને એ દ્રષ્ટિએ આ લોકવાર્તાઓનું પ્રદાન અવિસ્મરણીય રહ્યું છે.
ગુજરાતી સાહિત્યની આવી જ એક અનન્ય અને અદ્ભૂત પ્રેમકથા એટલે ઈ.સ. ૧૭૦૬માં કવિ માધવે રચેલી રૂપસુંદર કથા. કવિ માધવે આ પ્રેમકથામાં પ્રેમની ઉત્કટતા, પ્રેમોદય પછીની સમસ્યા, વિરહની પ્રબળ વ્યથા અને મિલનની મધુરતાના વર્ણનો દ્વારા તત્કાલીન જનસમુદાયને કલ્પનાનો વિહાર કરાવી તેમાં માનવહૃદયની સંવેદનાને ઝીલવાનો પ્રયાસ કર્યો છે. એની કથા કંઈક આવી છે કે -
ચંદ્રાવતી નગરીનો રાજા ચંદ્રસેન તેની રાણી શશીકલાને ખૂબ ચાહે છે અને દામ્પત્યજીવનના પરિણામે તેને રૂપા નામની તેજસ્વી રાજકુમારી જન્મે છે. કુંવરી મોટી થતાં તેના વિદ્યાભ્યાસ માટે વિશ્વનાથ નામના એક વૃદ્ધ ગુરૂ રોજ રાજમહેલમાં આવે છે. કેટલીકવાર તેમની સાથે તેમનો પુત્ર સુંદર પણ આવે છે. વિદ્યાપ્રાપ્તિ પછી રાજકુમારી યુવાન થતાં રાજા ચિંતિત બનીને તેના લગ્ન અંગે વિચારે છે. પરન્તુ રાજકુમારી રૂપા તો ગુરૂપુત્ર સુંદરને મોહી પડી છે. તેણે પોતાની સખી દ્વારા સુંદરને સંદેશો મોકલીને તેને મળવા મધરાતે રાજમહેલની પાછળ બોલાવ્યો છે.
બીજી બાજુ રાજાએ એવો ઢંઢેરો પીટાવ્યો છે કે, જે કોઈ મધરાતે બહાર નીકળશે તો તેને મૃત્યુદંડ આપવામાં આવશે. આમ છતાંયે બ્રહ્મપુત્ર સુંદર રાજકુમારીને મળવા પોતાના મિત્ર ઘનશ્યામ સાથે નીકળે છે, અને નગરચર્યાએ નીકળેલા રાજાને હાથે પકડાઈ જાય છે. સુંદર પોતાના જવાની અનિવાર્યતા દર્શાવી તેના જામીનરૂપે મિત્ર ઘનશ્યામને મૂકી જાય છે. સુંદરને મળવા ઉત્સુક અને સુશોભિત રાજકુમારી સુંદરને ચિંતિત જોઈને તેની વ્યથાનું કારણ પૂછતા, સુંદર રાજા દ્વારા પકડાઈ જવાની આખી વાત રૂપાને જણાવી હવે અન્ય કોઈ રાજકુમાર સાથે પરણીને સુખી થવાની શુભેચ્છાઓ આપે છે. હવે સુંદરને મૃત્યુદંડ અપાશે એમ જાણી રાજકુમારી પણ તેની પાછળ દેહત્યાગ કરવાનું નિશ્ચિત કરે છે, પરન્તુ સુંદરની પાછળ-પાછળ તપાસમાં આવેલા રાજાને રૂપા અને સુંદર બંને તેજસ્વી, સૌંદર્યવાન, સંસ્કારી અને કુળવાન જણાતાં બંનેને તેમના પ્રેમની પરીક્ષા બાદ પરણાવવાનું નક્કી કરે છે.
બીજા દિવસે સુંદર દરબારમાં આવીને પોતાના મિત્ર ઘનશ્યામને છોડી પોતાને મૃત્યુદંડ આપવાની રાજાને વિનંતિ કરે છે. રાજા એની મિત્રતા અને સત્યનિષ્ઠાથી પ્રસન્ન થાય છે. હવે તે રાજા કુંવરી રૂપાને લગ્ન વિશે પૂછતાં, તે સુંદર પાછળ દેહત્યાગવાનું જણાવે છે, એટલે રાજા કુંવરીને તે સુંદરના ક્યા અદ્ભૂત ગુણોથી આકર્ષાઈ છે એમ પૂછતાં, રાજકુમારી એના શબ્દવેધ અને ગતિબોધની નિપુણતા વિશે જણાવે છે. અંતે, રાજા દ્વારા થયેલી પરીક્ષામાં સુંદર ઉત્તીર્ણ થતાં રાજા બંનેના ધામધૂમથી લગ્ન કરાવે છે.
કવિ માધવની આ રૂપસુંદર પ્રેમકથા માત્ર સામાન્ય પ્રેમકથા ન બનતાં કાવ્યત્વથી સભર બને છે. કવિએ રૂપા અને સુંદરની પ્રેમકથાને એના પ્રેમોધ્યથી લગ્ન સુધીની સારરૂપ કથા રચીને તેનું નિરર્થક લંબાણ તો ટાળ્યું જ છે, છતાંયે તેમના પ્રેમારંભથી સુખદ મેળાપ સુધીમાં છ જેટલી ઋતુઓનું સંસ્કૃત સાહિત્યની એક અદ્ભૂત કૃતિની જેમ એમાં વર્ણન કર્યું છે. જોકે, મૂળમાં બિલ્હણ અને શશીકલાની વાર્તાના આંશિક આધારે આ વાર્તા રચાઈ હોવા છતાં પોતાની મૌલિક કલાના-પ્રતિભાના બળે કવિ માધવે આ કાવ્યસર્જન કર્યું છે. રૂપા અને સુંદરના પાત્રોના અદ્ભૂત અને રસિક પાત્રાલેખનની સાથે સાથે કવિને જ્યાં પણ તક મળી છે ત્યાં તેની વર્ણનકલાને આબેહૂબ રીતે ખિલવી છે. બંને પાત્રોના સૌંદર્યનિરૂપણની સાથે રાણી શશીકલાના ગર્ભાધાન સમયના વર્ણનમાં પણ કવિની કાવ્ય પ્રતિભાના દર્શન થાય છે. તો ક્યાંક સુંદર વર્ણનશીલતાના અવકાશો હોવા છતાં પણ કવિ જાણે કે બિનજરૂરી લંબાણના ભયથી તેને ટાળે છે. જેમ કે, વાર્તામાં રૂપા અને સુંદરનો પરસ્પર પરિચય, પ્રેમોધ્ય અને ચક્ષુરાગની ઘટનાને કવિ ''કીધી વશ્ય જ વિશ્વનાથ, તનયે વિદ્યાર્ણવે સુંદરે'' - એમ જણાવીને આખી વાતને ટૂંકમાં સંકેલી લે છે તો શૃંગારની સાથે અહીં વિરહનું પણ આબેહૂબ નિરૂપણ થયું છે. વળી, વિવિધ વર્ણનોમાં પ્રયોજાયેલા રૂપક, ઉત્પ્રેક્ષા, અપહનુતિ, માલોપમા, વિરોધ અને ઉપમા જેવા અનેક અલંકારોના કુશળ પ્રયોગમાં કવિની અલંકાર સમૃદ્ધિ પણ દેખાય છે. ટૂંકમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક વિરલ અને અનન્ય પ્રેમકથા રૂપે રૂપસુંદર કથા એક અવિસ્મરણીય કૃતિ છે.