હે અગ્નિ, અમને સુપથે કલ્યાણ ભણી દોરી જા!
- સાધ્ય સારું હોય એટલે પત્યું, ત્યાં પહોંચવા માટેનો માર્ગ તો કોઈ પણ ચાલે, એવી એક માન્યતા જોવા મળે છે. ઋષિ કહે છે કે, સાધ્ય કલ્યાણ હોય, તો માર્ગ પણ સન્માર્ગ જોઈશે
ઈં દ્રિયસુખ એ મૃગજળ છે, કલ્યાણ નથી. ઈંદ્રિયસુખ ગમે તેટલું ભોગવે તોય માનવી અંદરથી તો ખાલી ને ખાલી રહી જાય છે. ઈંદ્રિયસુખ માટે ભેગી કરેલી બાહ્ય સમૃદ્ધિ આંતરિક સમૃદ્ધિની નિદર્શક હોય છે એવું નથી. વાત સાવ ઊલટી છે. જે અંદરથી ખાલી છે તે જ બહાર બધું પોતાને માટે ભેગું કર્યા કરે છે એવો ઋષિજીવનનો બોધ છે. આ મંત્રમાં ઁઝ્પ્ય' એટલે સમૃદ્ધિ ભણી, એવો અર્થ છે. આ સમૃદ્ધિ તે આંતરિક સમૃદ્ધિ છે ; અને તે જ કલ્યાણ છે. ત્યાં જવા 'સુપથ'નો આગ્રહ છે, સન્માર્ગની ઝંખના છે. રસ્તાઓ તો અનેક હોય, પણ સન્માર્ગ કયો તેની શી ખબર પડે ? કેટલીક વાર તો અરધે ગયા પછી પાછા વળવું પડે એવું ય બને. કેટલાક અધવચ્ચે જ થાકીને ભાંગી પડે. પાછા આવ્યા પછી નવેસરથી ડગલું માંડવાની કેટલાકને હિંમત જ ન રહે. ક્યો માર્ગ સન્માર્ગ છે અને કયો નથી, તે જાણવું સહેલું નથી. ગાઢ જંગલમાં અંધારી રાતે સાચો રસ્તો મેળવવાનું કામ કપરું જ હોય છે. એવા સંજોગોમાં યાત્રી શું કરે ? એ મશાલ ચેતાવીને એના અજવાળે અજવાળે આગળ ડગલાં ભરે. અગ્નિ એને ખરો માર્ગ બતાવે. અહીં અગ્નિને જ પ્રાર્થના કરવામાં આવી છે કે હે દેવ, તું અમને સન્માર્ગે લઈ જા. પણ અહીં અંદરનો માર્ગ લેવાનો હોવાથી અંદરના અગ્નિને, ચૈતન્ય-અગ્નિને પ્રાર્થના કરાઈ છે.
સાધ્ય સારું હોય એટલે પત્યું, ત્યાં પહોંચવા માટેનો માર્ગ તો કોઈ પણ ચાલે, એવી એક માન્યતા પ્રજાજીવનમાં જોવા મળે છે. ઉપનિષદના ઋષિ અહીં કહે છે કે, સાધ્ય કલ્યાણ હોય, તો માર્ગ પણ સન્માર્ગ જોઈશે; પશુ વગેરેની હિંસા કરીને કલ્યાણ કદી સિદ્ધ નહીં કરી શકાય. અભદ્ર માર્ગે આત્માનુસંધાન શક્ય જ નથી. મહાત્મા ગાંધીજીએ સાધનશુદ્ધિનો જે આગ્રહ રાખ્યો હતો તેનો મજબૂત પાયો આ મંત્રમાં જોઈ શકાશે. શું સંસારનો વ્યવહાર કે શું આંતરિક આત્મસાધના, માર્ગ તો સન્માર્ગ જ જોઈએ. સન્માર્ગે જવા માટે ગૌતમે આઠ ગુણો સૂચવ્યા છે : દયા, શાંતિ, અનસૂચા, શૌચ, અનાયાસ, માંગલ્ય, અકાર્પણ્ય અને અસ્પૃહા, કોઈ પણ પ્રાણીનું, પછી ભલે ને તે શત્રુ હોય, આપત્તિમાંથી રક્ષણ કરવું તે દયા. દુઃખમાં વિષાદ કે વ્યથાનો અનુભવ ન કરવો તે શાંતિ, કોઈનો દ્વેષ ન કરવો, દોષદેખા ન થવું અને અન્યના ગુણો જોવા તે અનસૂયા. શરીર અને અંતઃકરણ દોષોને શુદ્ધ કરતા રહેવું તે શૌચ. શરીરને અતિ કષ્ટ થાય અને મનને ઉદ્વેગ થાય એવું કર્મ ન કરવું તે અનાયાસ. અશુભનો ત્યાગ અને શુભનો સ્વીકાર તે માંગલ્ય પોતાની પાસે શુભ નિષ્ઠાથી મેળવેલું જે કંઈ અન્ન-ધન વગેરે હોય તે વિશાળ મન રાખીને જરૂરિયાતવાળાને આપવું તે અકાર્પણ્ય, અને જે કંઈ શુભ નિષ્ઠાથી મળ્યું હોય તેમાં સંતોષ રાખી પરમાત્માનું ચિંતન કરી અતૃષ્ણા કેળવવી તે અસ્પૃહા. જેણે આ આઠ ગુણોથી જીવન કેળવ્યું હોય તે આત્મજ્ઞાન માટે સન્માર્ગે જવા યોગ્ય છે એમ કહી શકાય. વ્યાવહારિક સન્માર્ગ જ આત્મજ્ઞાનના સન્માર્ગે અભિમુખ કરી શકે છે.
સન્માર્ગની વાત કરવી સહેલી છે, પણ એ માર્ગે ગતિ કરવી - આચરણ કરવું તે કઠિન છે. એ માર્ગ જવા માટે અંતરનું બળ જોઈએ અને એ બળ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે પરમાત્માની કૃપા હોય. પરમાત્માની કૃપા માટે પ્રાર્થના કરવી પડે, ભક્તિભાવથી કૃપા યાચવી પડે. અહીં અગ્નિ પરમાત્માનું, આતર ચૈતન્યનું પ્રતીક છે. જે સ્વર્લોકમાં 'સૂર્ય'રૂપે, અંતરિક્ષમાં વિદ્યુતરૂપે અને પૃથ્વી પર અગ્નિરૂપે છે તે આત્મ તત્ત્વના પ્રતીકરૂપ છે. તે નિત્ય શુદ્ધ છે; એટલું જ નહિ, અશુદ્ધને શુદ્ધ કરે છે. સુવર્ણ અગ્નિમાં તવાઈને જ શુદ્ધ બને છે. આત્મતત્ત્વના અગ્નિમાં, એતન્ય-અગ્નિમાં માનવીની દુર્વૃત્તિઓ બળીને ભસ્મ થઈ જાય તે જ તેની સાચી અગ્નિપરીક્ષા છે. અગ્નિ માત્ર પથપ્રદર્શક નથી, તે વસ્તુના વસ્તુપણાને એકમાત્ર સાચો જાણકાર છે. એટલે તો અગ્નિ પાસે પરીક્ષા કરાવવી પડે તે 'જાતવેદા' છે. એની પાસે કશું જ છૂપું રહી શકતું નથી. આ ઋષિપ્રાર્થનામાં અગ્નિને સુપથે દોરી જવાની વિનંતી તો છે જ, પણ સાથે સાથે પોતાની અંદર જે કંઈ બાળી નાખવા જેવું છે તે બાળીન, કાંચનને વિશુદ્ધ કરીને કલ્યાણની શાશ્વત સમૃદ્ધિ સુધી પહોંચાડવાની પણ પ્રાર્થના છે.
આ પ્રાર્થનામાં अस्मान्' શબ્દપ્રયોગ પણ ઘણો સૂચક છે. પ્રાર્થના એક ઋષિ કરે છે, પણ તે સર્વને માટેની, સર્વાત્મભાવથી થયેલી છે માનવીમાત્રની અંતરતમ ઝંખનાનો જાણે કે આ ઋષિવાણીમાં પ્રતિઘોષ છે. કલ્યાણ માટેની ઝંખના તો સૌને છે, કોઈને એની જાણ થાય છે, કોઈને નથી થતી. કોઈમાં એ ઝંખના પ્રબળપણે જાગ્રત હોય છે, કોઈમાં થોડીક જાગ્રત હોય છે અને કોઈમાં સાવ સુષુપ્ત. ઋષિ સૌનું કલ્યાણ ઈચ્છે છે. એમનો 'હું' આ કક્ષાએ આવતાંમાં તો ક્યારનોય વિચલિત થઈ ગયા છે. તે 'સર્વ'માં વિલીન થઈ ગયો છે. આત્માનું વિશ્વાત્મા સાતે અનુસંધાન થયું છે. એવી વ્યક્તિ માટે કલ્યાણસમૃદ્ધિ દૂર ન હોય.
સંસારસુખ પોતે દુઃખનું કારણ થઈ પડે, પણ કલ્યાણ કદી દુઃખનું કારણ ન થઈ શકે. કલ્યાણની ભૂમિકા સુખદુઃખ કરતાં ઊંચી છે. સુખદુઃખ મનમાં લાવીને જે સુખી કે દુઃખી થાય તે કલ્યાણને, ઊર્ધ્વને પામીી ન શકે. ઊર્ધ્વલોક, કલ્યાણલોક તે જ આનંદલોક. ત્યાં સુખદુઃખની છાયા પડી શકતી નથી. 'રાયે'માં 'રહ' કે 'રૈ' ધાતુમાં એક બીજો અર્થ છે તે આનંદલોકનું સૂચન કરે છે. જ્યાં નિરંતર અને નિરતિશય આનંદ હોય એવા લોકમાં હે અગ્નિદેવ, તું અમને દોરી જા ! કલ્યાણલોક, આનંદલોક, ઊર્ધ્વલોક છે અને અગ્નિની જ્યોત પણ હમેશાં ઊર્ધ્વગામિની જ હોય છે ને ? આપણે જ્યારે દીપ કે દીપમાળા પેટાવીએ છીએ ત્યારે આપણી એ ઊર્ધ્વલોક માટેની ઝંખનાને જ મૂર્તરૂપે જોઈને આનંદ પામીએ છીએ, ધન્ય થઈએ છીએ.
- અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ