ક્રાઈમવૉચ - જયદેવ પટેલ
'ગોડ મધર' અને 'માફીયા ક્વીન' બશીરને ખતરનાક ખેલ ખેલીને પોલીસને પડકાર ફેંક્યો
નવી દિલ્હીની અંધારી આલમનું એક પ્રકરણ
લાખ્ખો રૂપિયા વસૂલવા શ્રીમંત પરિવારોના નબીરાના અપહરણ, કોન્ટ્રાક્ટ કિલીંગની ગુનાખોરીથી ડંકો વગાડયો
૬૦ હજારની સોપારી લઈને એક યુવકની હત્યા કરી લાશ બાળી મૂકી
ભારતની રાજધાની નવી દિલ્હીમાં અનેકવિધ પ્રકારની ગુનાખોરીને અંજામ આપતી ગુનેગારોની અંધારી આલમમાં 'ગોડ મધર' કે પછી 'માફીયા ક્વીન' તરીકે કુખ્યાત બનેલી ખતરનાક મહિલાના કારનામાની કહાણી અત્રે પ્રસ્તુત કરી છે. લાખ્ખો રૂપિયાની ખંડણીની વસુલાત માટે 'કીડનેપીંગ' (અપહરણ), 'કોન્ટ્રાક્ટ કીલીંગ' (સોપારી લઈને હત્યા)નો ખૂની ખેલ ઉપરાંત દેશી-વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણનો કારોબાર ચલાવીને દિલ્હીના ગુનેગારોની આલમમાં ધાક જમાવનાર આ માફીયા ક્વીન બશીરનબીબી ઉર્ફે મમ્મીના નામથી કુખ્યાત બની છે. બશીરનબીબી તથા તેના પરિવારના વિરૂદ્ધમાં નોંધાયેલા ફોજદારી ધારા હેઠળના ગુનાનો આંકડો સદી પાર કરી ગયો છે.
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના બસાલી ગામમાં બશીરનનો જન્મ થયો હતો. રાજસ્થાનના ધોલપુર જિલ્લાના રાજપુર ખેરા તાલુકાના અંબેરપુર ગામના મલખાન સાથે બશીરના નિકાહ (લગ્ન) થયા હતા. સન ૧૯૭૩-૭૪ના વર્ષમાં બશીરને મલખાન સાથે નિકાહ પઢીને સસુરાલમાં પગ મૂક્યો હતો. સન ૧૯૮૦ના વર્ષના પ્રારંભમાં બશીરન તેના ખાવિંદની સાથે રાજધાની નવીદિલ્હીમાં રહેવા ચાલી આવી હતી. નવી દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાં નવજીવન કેમ્પ નામથી ઓળખાતી ઝોંપડપટ્ટીમાં બન્નેએ મુકામ કર્યો હતો.
મલખાન સાથેના લગ્ન જીવનમાં બશીરનબીબી આઠ દીકરાની માતા બની હતી. જેમાં (૧) વાકીલ, (૨) શકીલ, (૩) શમીમ ઉર્ફે ગુંગો, (૪) સલમાન, (૫) ફૈઝલ ખાલીદ, (૬) સન્ની અને (૭) રાહુલ ઉપરાંત સગીર દીકરાનો સમાવેશ થતો હતો. આઠ-આઠ દીકરાના જીવન નિર્વાહ માટે જંગ ખેલી રહેલી બશીરનને મહેનત-મજુરી કરવાથી કાંઈ જ મળી નહીં રહે તેની વરવી વાસ્તવિકતા સમજાઈ જતાં તેણે ગુનાખોરીની આલમના કુંડાળામાં પગ મૂક્યો હતો.
વયસ્ક બની ગયેલા તેના સાતેય દીકરા પણ તેમની માતાના કારોબારમાં જોડાઈ ગયા હતા. બશીરને દેશી તથા વિદેશી દારૂની હેરાફેરીના કામકાજથી તેની ગુનાખોરી શરૂ કરી હતી. આ પછી તો આસાનીથી ધનના ઢગલા ખડકાવા શરૂ થઈ ગયા ત્યારે બશીરને ક્યારેય પાછું જોયું ન હતું. આમ અંધારી આલમમાં ડંકો જમાવી રહેલ બશીરનબીબી તેની ગુનેગાર ગેંગની 'ગુડમધર' બની ગઈ હતી.
જુદા જુદા શહેરોમાંથી શ્રીમંત પરિવારોના પુત્રના અપહરણ કરીને લાખ્ખો રૂપિયાની ખંડણીની વસૂલાત કરવાના બશીરનની ગેંગે સંખ્યાબંધ ગુનાને અંજામ આપ્યો હતો. જેમાં ગુજરાતના મહાનગર અમદાવાદ ઉપરાંત અલ્હાબાદ, મેનપુરી, ફીરોઝાબાદ શહેરોનો સમાવેશ થતો હતો. આ તમામ ગુનાખોરીમાં બશીરનના ઘરના જ સભ્યોએ મુખ્ય ભાગીદાર તરીકેની ભૂમિકા ભજવી હતી. નવી દિલ્હી પોલીસ તંત્રે પણ આ પરિવારના સભ્યોને કુખ્યાત ગુનેગાર જાહેર કર્યા હતા.
મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ ક્રાઈમ (મકોકા) હેઠળ પણ બશીરન તથા તેના દીકરા શમીમ ગુંગા ઉપરાંત પરિવારના સભ્યો વિરુદ્ધ ગુના દાખલ થયા હતા. આ ઉપરાંત ગુનાખોરીને અંજામ આપીને અઢળક સંપત્તિ ભેગી કરવાના ગુનામાં પણ આ પરિવારના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી આવકવેરા વિભાગે દિલ્હી પોલીસની મદદથી શરૂ કરી હતી.
આમ બશીરનબીબી ઉર્ફે મમ્મીએ માફીયા ક્વીન બની ગયા પછી સરકારી સંપત્તિ હડપ કરવાનો નવતર બીઝનેશ શરૂ કર્યો હતો. નવી દિલ્હીના સંગમ વિહાર વિસ્તારના રહીશોને પાણી પૂરવઠો પૂરો પાડતા સરકારના બોર કૂવા ઉપર આ ગેંગે કબજો જમાવી દીધો હતો અને રહીશો પાસેથી પૈસા પડાવીને તેમને પાણી પૂરું પાડવાનો કારોબાર શરૂ કર્યો હતો. બશીરનબીબી તથા તેની ગેંગના સાગરીતો વિરુદ્ધ ૧૨૫ જેટલા ગંભીર પ્રકારના ગુના નોંધાયા હોવા છતાં આ માફીયા ક્વીન પોલીસ પકડથી દૂર..દૂર જ રહી હતી.
સન ૨૦૧૭ના સપ્ટેમ્બર મહિનામાં એક યુવકની ઘાતકી હત્યાની બનેલી ઘટનાએ દિલ્હીના પોલીસ તંત્રમાં હડકંપ મચાવી મૂક્યો હતો. સંગમ વિહાર નજીકના વેરાન વગડામાંથી એક યુવકની કરપીણ હત્યા કર્યા બાદ પૂરાવાનો નાશ કરવા સળગાવી દેવામાં આવેલી વિકૃત લાશ મળી આવી હતી.
આ યુવકની પોલીસે ઓળખ પ્રસ્થાપીત કરી હતી. હત્યા તથા પૂરાવાના નાશના આ ગુનામાં સંડાવાયેલા એક આરોપીને પોલીસે શકના આધારે ઝડપી લીધો હતો. ત્યારબાદ સખ્તાઈપૂર્વકની પોલીસ પૂછપરછમાં તેણે વટાણા વેરી નાંખ્યા હતા.
મીરાજ નામના આ યુવકનું કાસળ કાઢી નાંખવાની બાજી તેની ઓરમાન બહેન મુન્નીબેગમે બીછાવી હતી. આ બાજી ખેલવામાં મુન્નીબેગમ સાથે આકાશ, વિકાસ અને નિરજ એમ ત્રણ યુવકો જોડાઈ ગયા હતા. દિલ્હી પોલીસે આ ચારેયની ધરપકડ કરી ત્યારે સોપારી કીલીંગની વિગતો જાણવા મળી હતી. જો કે, બશીરનબીબી તથા તેનો પરિવાર રફુચક્કર થઈ ગયો હતો.
દરમ્યાન દિલ્હી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, બશીરનબીબી તથા તેના પરિવારના સભ્યોએ તેમની લખલૂંટ સંપત્તિ સરકાર હડપ કરી ના લે તો માટે ચર્ચા-વિચારણા કરવા ગુપ્ત સ્થળે બેઠક રાખી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુનાખોરીના ગોરખધંધાથી ભેગી કરેલી લાખ્ખો રૂપિયાની સંપત્તિ પૈકીની કેટલીક મિલકતો બશીરનબીબીના ગુનાઈત કારનામાના અનુસંધાનમાં જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલ મિલકતો છૂટી કરાવવા તથા આગોતરા જામીન મેળવવા માટે બશીરનબીબીએ અદાલતમાં કાર્યવાહી શરૂ કરી હતી. જોકે બશીરનબીબીના સંખ્યાબંધ ગુનાને નજર સમક્ષ રાખીને સાકેતની અદાલતે કોઈ જ દાદ આપી ન હતી.
દરમ્યાન સંગમ વિહાર પોલીસે બાતમીના આધારે ગોઠવેલ ટ્રેપ (છટકા)માં બશીરનબીબી ઝડપાઈ ગઈ હતી.
ત્યારબાદ સંગમ વિહાર પોલીસે બશીરનની સખ્તાઈપૂર્વક પૂછપરછ કરી ત્યારે તેણે મીરાઝ નામના યુવકની હત્યા કરવા માટે રૂા. ૬૦ હજારની સોપારી લીધી હોવાની કબૂલાત કરી હતી. મીરાઝની ઓરમાન બહેન મુન્નીબેગમ તથા તેના સાગરીતોએ આ રકમ બશીરનબીબીને હાથોહાથ આપી હતી.
મુન્નીબેગમ તથા તેના સાગરીતો મીરાજને મીઠી મીઠી વાતોમાં ભરમાવીને સંગમ વિહાર નજીકના વેરાન વગડામાં લઈ આવ્યા હતા. જ્યાં મીરાઝને બેલ્ટથી ગળાફાંસો આપીને મોતને હવાલે કરી દીધો હતો. ત્યારબાદ પૂરાવાનો નાશ કરવા લાશ ઉપર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દઈને ગુનેગારો ફરાર થઈ ગયા હતા. આખરે આ ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે તમામ આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.
દિલ્હી પોલીસે સન ૨૦૧૮ના ઓગસ્ટ મહિનામાં બશીરનબીબી તથા તેની ગેંગના સાગરીતોને એક કે બાદ એક કરીને જેલ હવાલે કર્યા છે. બશીરન તથા તેના પરિવારના સભ્યોના દેશના અન્ય રાજ્યોની અંધારી આલમ સાથે પણ મજબૂત સંપર્કો હોવાના અનુમાનના આધારે દિલ્હી પોલીસે આ દિશામાં કડીઓ એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.
રાજધાની નવી દિલ્હીની 'ગોડ મધર' તથા 'માફીયા ક્વીન' તરીકે કુખ્યાત બનેલી બશીરન તથા તેના પરિવારના સભ્યોને અન્ય રાજ્યોની ગુનેગાર ગેંગોએ છૂપાવા માટે આશરો આપ્યો હોવાની નક્કર વિગતો સંગમ વિહાર પોલીસને પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળી છે.
નવી દિલ્હીની અંધારી આલમની ગોડમધર તથા તેના સાગરીતોને હાલ તો જેલમાં કાચા કામના કેદીઓ તરીકે ધકેલી દેવામાં આવ્યા છે. આ કુખ્યાત ગેંગના વિરુદ્ધના સંખ્યાબંધ કેસોના આખરી ચૂકાદાની દિલ્હી પોલીસ રાહ જોઈ રહી છે.