ક્રાઈમવૉચ - જયદેવ પટેલ
ભોવાલ સન્યાસીની અસલીયતનો પર્દાફાશ કરવાનો કાનૂની જંગ
વિભાવતીને ઢાકાની કોર્ટ, કલકત્તા હાઈકોર્ટ અને છેલ્લે લંડનની પ્રીવીકાઉન્સિલ સુધીની લડતમાં ઘોર પરાજય મળ્યો
રાજવી પરિવારની એક માત્ર વિભાવતીદેવી સિવાયની તમામ સ્ત્રીઓએ સન્યાસીનો રાજકુમાર તરીકે રાજ્યાભિષેક કર્યો હતો
અખંડ ભારતના પૂર્વ બંગાલની 'ભોવાલ જાગીર'ના મહારાજા રાજેન્દ્ર નારાયણ રાયનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના ત્રણ પુત્રો કુછંદના રવાડે ચડી ગયા હતાં. જેમાં બીજા નંબરના પુત્ર રાજકુમાર રાજેન્દ્ર રાયનું સીફીલીસના અસાધ્ય રોગથી દાર્જીલીંગમાં મૃત્યુ નિપજ્યું હતું. શિકારના શોખીન રાજકુમારે ભોવાલના જંગલોમાં હિંસક વાઘનો શિકાર કર્યો હતો તે વખતની તસ્વીર.
'ભોવાલ સન્યાસી કેસ' ભાગ-૩
અખંડ ભારત ઉપર અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન આજથી એકસો વર્ષ પૂર્વે પૂર્વ બંગાલની ભોવાલ રીયાસતના ચકચારી 'ભોવાલ સન્યાસી' કેસની વિશેષ કથા પ્રસ્તુત કરતાં પહેલા અગાઉ શું બની ગયું હતું તેની સંક્ષિપ્ત વિગતો અત્રે ઉલ્લેખનીય છે.
ઢાકાના જિલ્લા કલેક્ટર જે.એચ. લીંડસેએ દાર્જીલીંગમાં રીયાસતના રાજકુમાર રમેન્દ્ર નારાયણરાયનું નિધન થવાને બારેક વર્ષો વીતી ગયા બાદ રાજકુમાર હજુ હયાત હોવાનો દાવો કરીને સન્યાસીના વેશમાં રાજ મહેલમાં અડ્ડો જમાવવાનો પ્રયાસ કરી રહેલા નકલી સન્યાસીને રાજવી પરિવારનો જ સભ્ય હોવાની માન્યતા (પ્રમાણપત્ર) આપવાનો ઈન્કાર કરી દઈને તેને જેલમાં પૂરી દેવાની ધમકી આપીને રવાના કરી દીધો હતો.
જિલ્લા કલેક્ટર તથા સન્યાસી સાથે શું વાતચીત થઈ તેની વિગતો જાણવા બહાર ઈન્તેજાર કરી રહેલા અંગત એવા ભાવિકો સમક્ષ સન્યાસીએ સાચી વાત છુપાવી હતી અને રાજવી પરિવારના સભ્ય તરીકે માન્યતા ટૂંક સમયમાં મળી જશે તેવી કલેક્ટરે ખાત્રી આપી છે તેમ જણાવ્યું હતું. આ વાત જાણ્યા પછી સન્યાસીના શ્રધ્ધાળુઓએ રાહતના શ્વાસ લીધા હતા.
ત્યારબાદ સહુ હરખની લાગણીના એહસાસ સાથે જયદેવપુરા ખાતેના 'ભોવાલ પેલેસ'માં પાછા ફર્યા હતા. જ્યાં પરિવારની વિધવા સભ્યો આતુરતાપૂર્વક કલેક્ટર કચેરીની માહિતી જાણવા રાહ જોઈ રહી હતી. તેમની સમક્ષ રાજકુમાર રમેન્દ્ર નારાયણરાય તરીકે માન્યતા મળી ગયાની વાત કરી હતી. આ પછીથી રાજમહેલમાં આનંદ-આનંદ છવાઈ ગયો હતો.
રાજકુમાર રમેન્દ્રના વૃદ્ધ દાદીમા સત્યભામાદેવી તેમની વિધવા માતા વિલાસમણીદેવી સહિત સહુ વિધવાઓ ચહેરા ઉપર ખુશીની લહેર પથરાઈ ગઈ હતી. જોકે રમેન્દ્ર રાયની પત્ની વિભાવતીદેવી આનંદના ઉત્સવમાં જોડાઈ ન હતી અને પોતાની જાતને રૂમમાં કેદ કરીને પ્રભુ કીર્તનમાં ખોવાઈ ગઈ હતી.
આ પછી સન્યાસીની લાંબી-લાંબી દાઢી તથા જટા કાપી નાંખવામાં આવી હતી. ભગવા વસ્ત્રો ફગાવી દઈને રાજકુમારના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. વિશાળ લલાટ ઉપર રાજતિલક કરવામાં આવ્યું હતું. આમ ભોવાલ પેલેસ જે વિધવા પેલેસ તરીકે ઓળખાતો હતો તેમાં સન્યાસીએ રાજકુમાર રમેન્દ્ર રાય તરીકે સ્થાન ગ્રહણ કરી લીધું હતું.
આ બધી ધાંધલ-ધમાલ વચ્ચે વિભાવતીદેવીએ આ સન્યાસીનો પોતાના પતિ તરીકે સ્વીકાર કરવાનો સાફસાફ ઈન્કાર કરી દીધો હતો. તેમજ આ બનાવટી બાવો ભોવાલ સ્ટેટની જમીનદારી હડપ કરવાની ચાલ રમી રહ્યો હોવાનું ખુલ્લેઆમ જાહેર કર્યું હતું.
જ્યારે બીજી બાજુ સન્યાસીએ એવી જાહેરાત કરી હતી કે તેની પત્ની વિભાવતી તથા તેનો એડવોકેટ સાળો સત્યેન્દ્ર બેનરજી અને પરિવારના તબીબ દાર્જીલીંગમાં હતા ત્યારે આ ત્રિપુટીએ ભોવાલ એસ્ટેટને પચાવી પાડવાનું કાવતરું ઘડયું હતું. એક સાંજના તેને ભોજનમાં ઝેર આપી દીધું હતું. ત્યારબાદ તેને મૃત જાહેર કર્યો હતો અને સ્મશાનમાં અગ્નિદાહ આપી દીધો હતો.
રાજકુમાર રમેન્દ્રનો સ્વાંગ રચીને ગજબ ખેલ ખેલી રહેલા સન્યાસીએ ઢાકાની કોર્ટમાં વિભાવતી વિરૂદ્ધ કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમ્યાન સામસામે આક્ષેપો - પ્રતિ આક્ષેપો થયા હતા. સન ૧૯૩૩ થી ૧૯૩૬ એમ ત્રણ વર્ષ સુધી આ કેસની કાર્યવાહી કોર્ટમાં ચાલી હતી.
રાજવી પરિવારની તમામ વિધવા ઉપરાંત ત્રણેય વિધવા બહેનોએ રાજકુમારના શરીર ઉપરના કાળા તલના ચિહનો ઉપરાંત અન્ય બીજી કેટલીક શારીરિક નિશાની સાબિતી રજુ કરીને આ સન્યાસી નહીં પરંતુ રમેન્દ્ર રાય હોવાની ભારપૂર્વક રજુઆત કરી હતી. ઢાકાની કોર્ટમાં ન્યાયાધીશે સન્યાસી જ રાજકુમાર રમેન્દ્ર રાય હોવાનો ચૂકાદો આપ્યો હતો.
આ ચૂકાદાને ગેરકાયદેસર અને રદબાતલ ઠરાવવા માટે વિભાવતીએ કલકતા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. કલકત્તા હાઈકોર્ટના ત્રણ ન્યાયમૂર્તિની બેન્ચ સમક્ષ ચકચાર મચાવી રહેલા કેસની સુનાવણી નીકળી હતી. ત્રણ ન્યાયમૂર્તિમાં (૧) સર લોજ, (૨) સર બિશ્વાસ અને (૩) સર કેસ્ટેલોનો સમાવેશ થતો હતો.
સન ૧૯૪૦માં હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે ચૂકાદો આપ્યો હતો. બે ન્યાયમુર્તિએ તેમના ચૂકાદામાં સન્યાસીને જ અસલી રાજકુમાર રમેન્દ્ર નારાયણ રાય જ હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે ત્રીજા ન્યાયમુર્તિએ વિરોધમાં ચૂકાદો આપ્યો હતો. આ સંજોગોમાં બે ન્યાયમુર્તિના બહુમતી ચૂકાદાનો સ્વીકાર કરીને માન્ય રાખવામાં આવ્યો હતો.
આમ છતાં વિભાવતીદેવીએ પરાજય સ્વીકાર્યો ન હતો. ગમે તે સંજોગોમાં આ નકલી સન્યાસીની અસલીયતનો ભાંડો ફોડી નાંખવા માટે આગળ લડત જારી રાખવાનું નક્કી કર્યું હતું.
આથી વિભાવતીએ લંડનની પ્રીવીકાઉન્સીલની ન્યાયીક સમિતિ સમક્ષ અપીલ કરી હતી. જેમાં ત્રણ સભ્યોમાં (૧) લોર્ડ થેન્કરટન, (૨) લોર્ડ એચ.ડબલ્યુ. પાર્ક અને (૩) ભારતીય સર ચેત્તુર માધવન નાયરનો સમાવેશ થતો હતો. આ પ્રકરણને પચ્ચીસ વર્ષો વીતી ગયા પછી સન ૧૯૪૬માં પ્રીવી કાઉન્સીલની ન્યાય સમિતિના ત્રણ ન્યાયમુર્તિઓની બેન્ચે વિભાવતીની અપીલ ફગાવી દીધી હતી અને સન્યાસીને જ અસલી રાજકુમાર રમેન્દ્ર રાય જાહેર કરતો ચૂકાદો આપ્યો હતો.
પ્રીવી કાઉન્સીલના ચૂકાદા પછી શું થયું? રાજકુમાર બની બેઠેલા નકલી સન્યાસીને રાજમહેલના સુખ-સાહ્યબી ભોગવવા મેદાન મળી ગયું હતું?
આ પ્રશ્નનો ઉત્તર ઈન્કારમાં આવ્યો. પ્રીવીકાઉન્સીલના ચુકાદાનો વિજય મળ્યા પછી સન્યાસીના સઘળા શમણાં કુદરત-નિયતિના અજબ-ગજબના ખેલમાં સળગીને ખાખ થઈ ગયા હતા. પ્રીવી કાઉન્સીલનો જે દિવસે ચૂકાદો જાહેર થયો ત્યારે તે દિવસની સમી સાંજના કાલી માતાના મંદિરમાં દર્શન કરવા ગયો હતો. મહાકાલી માતાજી સમક્ષ શિશ ઝુકાવીને સન્યાસીએ ગદ્ગદિત બનીને તેમની પરમ કૃપા પ્રત્યે હરખ વ્યક્ત કર્યો હતો.
કાલી માતાના દર્શન કરીને સન્યાસી પાછો ફરી રહ્યો હતો ત્યારે અચાનક હૃદયરોગનો હૂમલાનો ભોગ બન્યો હતો. બે દિવસ સુધી બેભાન રહ્યા પછી સન્યાસીનો જીવાત્મા પરલોક સિધાવી ગયો હતો. જ્યારે વિભાવતીદેવીએ આખરે સત્યનો વિજય થયો હોવાની લાગણી અનુભવી હતી. આ સાથે જ 'ભોવાલ સન્યાસી'ના નામથી જબરજસ્ત ચકચાર મચાવનાર આ રહસ્યમય પ્રકરણ ઉપર પણ પડદો પડી ગયો હતો.
બંગાલી સાહિત્ય સર્જક પાર્થો બેનરજીએ પણ 'નકલી રાજકુમાર' નામથી નવલકથા લખી હતી
બંગાલી ફિલ્મ જગતમાં પણ ચકચાર 'સન્યાસી રાજા' ફિલ્મનું નિર્માણ થયું હતું
'સન્યાસી-રાજા' નામથી બનેલી ફિલ્મે ટિકિટબારી ઉપર પૈસાનો વરસાદ વરસાવ્યો
'ક્યારેક સત્ય કલ્પના કરતાં પણ ભયાનક હોય છે... !' તે જગપ્રસિદ્ધ (દ્રુય ઈઝ સ્ટ્રેન્જર ધેન ફીકશન) કહેવાતનો 'ભોવાલ સન્યાસી' નામથી સનસનાટી મચાવનાર કેસમાં સંપૂર્ણ સાક્ષાત્કાર થયો હતો, પૂર્વ બંગાલની પ્રજામાં ત્યારે આ ચકચારી પ્રકરણે જાતજાતના અને તર્ક-વિતર્કના રહસ્યોના વમળો પેદા કર્યા હતા. બંગાલી ફિલ્મ જગતમાં પણ 'ભોવાલ સન્યાસી કેસ'થી ભારે ઉત્તેજના જાગી હતી.
બંગાલી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ અભિનેતા ઉત્તમકુમારે 'સન્યાસી-રાજા' નામથી બનેલી ફિલ્મમાં સન્યાસી તરીકેની મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી મહાનગર કલકત્તા ઉપરાંત પશ્ચિમ બંગાલના છબીઘરોની ટિકિટ બારીઓ ઉપર પૈસાનો વરસાદ વરસી ગયો હતો.
આ ઉપરાંત પશ્ચિમ બંગાલના પ્રસિદ્ધ સાહિત્ય સર્જક પાર્થો બેનરજીની 'નકલી રાજકુમાર' નામની નવલકથાએ પણ બંગાલી પ્રજામાં ઉત્સુકતા સાથે ઘેલું લગાડયું હતું. આ નવલકથાની ભેદભરમ ભરી વાતોથી વાચક વર્ગ પણ રહસ્યના આટાપાટામાં ખોવાઈ ગયો હતો.