પવિત્ર અને દિવ્ય વનસ્પતિ તુલસી .
- હિન્દુ સંસ્કૃતિનું પ્રતિક તુલસી છે. ધોળી તુલસીને 'રામતુલસી' અને કાળી તુલસીને 'શ્યામતુલસી' પણ કહે છે. તુલસી પવિત્ર પણ ગણાય છે. તેની પૂજા થાય છે.
ભા રતમાં કોઇ ઘર એવું નહિં હોય જે તુલસીને ન જાણતું હોય. આની કોઇ તુલના નથી એથી એને તુલસી કહે છે. દેવો ને દેવતાઓને પણ ચઢાવાય છે આથી તેને દેવદુન્દુભિ પણ કહે છે. અંગ્રેજીમાં Holy Basil કહે છે. એનો રસ આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી હોવાથી તેને સુરસા પણ કહે છે. આયુર્વેદનાં ગ્રંથો ભાવપ્રકાશ, સુશ્રુત તથા ચરકસંહિતામાં મળે છે. ઘરને આંગણે તેનો છોડ-ક્યારો રાખવાથી પવિત્રતા જળવાય છે. આથી આને પવિત્ર અને દિવ્ય ઔષધી પણ કહેવાય છે.
આનો છોડ ૧ થી ૩ ફુટ ઉચો થાય છે જે કુંડામાં રોપાય છે. એકથી ૨ ઇંચના પાંદડા થાય છે. બીજ ચપટા અને લાલાસ પડતા ભૂરા હોય છે. આની સફેદ અને કાળી બે જાતો હોય છે. હિન્દુ સંસ્કૃતિનું પ્રતિક તુલસી છે. ધોળી તુલસીને 'રામતુલસી' અને કાળી તુલસીને 'શ્યામતુલસી' પણ કહે છે. તુલસી પવિત્ર પણ ગણાય છે. તેની પૂજા થાય છે. ધાર્મિક કાર્યોમાં, પ્રસાદમાં, પૂજામાં, પંચામૃતમાં અને દાનમાં તેના પાનનો ઉપયોગ થાય છે.
આયુર્વેદમાં મહર્ષિઓએ ઘરે ઘરે તુલસી વાવીને તેનું મહત્વ દર્શાવ્યું છે. ગ્રીસમાં, ઓસ્ટ્રેલિયામાં પણ તુલસીને પવિત્ર અને દિવ્ય ઔષધિ તરીકે ઓળખાવે છે.
તુલસી સ્વાદમાં તીખી અને કડવી છે. ગરમ છે. કફ અને વાયુનો નાશ કરનારી છે. તેના બીજ ઠંડા હોય છે અને બળ આપનારા અને કામોત્તેજક છે. ઔષધતરીકે પત્ર-પુષ્પ-મૂળ લેવામાં આવે છે.
ઔષધીય ગુણો :- ભૂખ ન લાગવી, ઉબકા, વાયુનું શૂળ, કફનો વિકારો, હૃદય દૌબલ્ય, શ્વાસ-ઉધરસ, પડખાનો દુ:ખાવો, પથરી, ચામડીના રોગો, જીણોતાવ-કરમયા ...રોગો વગેરેમાં ખાસ ઉપયોગી છે.
તુલસીના છોડમાંથી એક વિશિષ્ટ પ્રકારનો વાયુ ઉત્પન્ન થઇ આજુબાજુની રોગકારક હવા ને ચોખી બનાવે છે. તુલસીમાં એક વિશિષ્ટ તૈલી પદાર્થ રહેલો છે જે રોગકારક હવાને ચોખ્ખી કરે છે. જે જીવજંતુઓથી રક્ષણ કરે છે. ખાસ કરીને મેલેરિયાને ઉત્પન્ન કરનાર મચ્છરોને ભગાડી મુકે છે. તેના છોડમાંથી નીકળતી એક પ્રકારની વિશિષ્ટ સુગંધ જ મચ્છરોને નાશ કરવાની શક્તિ ધરાવે છે.
આથી ઘરમાં હવા-વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રાખવા માટે તુલસીના છોડને કુંડામાં વાવીને રાખવામાં આવે છે.
તુલસીમાં એન્ટીફંગલ-એન્ટીબેક્ટેરીયલ એન્ટી વાયરલ-ગુણો પણ રહેલા છે. શ્વસન તંત્ર માટે તેના પત્રો શ્રેષ્ઠ છે. ડો. બીમલના મંતવ્ય પ્રમાણે તે બ્લડપ્રેસર તથા ડાયાબિટીઝ, પથરી તથા ડાયજેસ્ટીવ સિસ્ટમમાં પણ ખુબ ઉપયોગી છે. પ્રેગન્સી તથા ધાવણવાળી સ્ત્રીઓએ આનો ઉપયોગ કરવો ન જોઇએ. વાયરલ ફીવર, સામાન્ય તાવ, બેક્ટેરીયલ ફીવરમાં શ્યામ તુલસીનો ઉપયોગ કરાય.
પ્રયોગ :-
(૧) તુલસીના પાન મરી, સૂંઠ અને ફુદીનાના પાનનો રસ પીવાથી શરદી-સળેકમ ઉદરસ અને શ્વાસ જેવા રોગોમાં ફાયદો થાય છે.
(૨) તુલસીનાં પાનનાં રસમાં થોડી સૂંઠ મેળવીને નાના બાળકોને આપવાથી બાળકોની ચૂંક, કફ, શરદી, તાવ ન્યુમોનિયામાં ખુબ જ ફાયદો થાય છે.
(૩) તુલસીનાં પાનનો રસ રતોલા અને મરીનું ચૂર્ણ પા તોલા મેળવીને પીવાથી જૂનો મેલેરિયા મટે છે.
(૪) તુલસીના પાનનો રસ બે તોલા, ઘી પોણો તોલો અને મરી બે આની ભાર લઇને ભેગા કરી સવારે અને સાંજે ચાટવાથી જુનો તાવ અને જીણોતાવ મટે છે.
(૫) કાળી તુલસીનો રસ મધ સાથે લેવાથી કફની ઉદરસ મટે છે.
(૬) તુલસીનાં પાનના રસમાં એલચીનું ચૂર્ણ નાખીને લેવાથી વાયુ-પિત અને કફની ઉલટી મટે છે.
(૭) તુલસીનાં બીને રાત્રે પલાળી રાખી સવારે લેવાથી વીર્યસ્ત્રાવ-સ્વપ્નદોષ બંધ થાય છે.
(૮) તુલસીના મૂળનો ક્વાથ (ઉકાળો) કરીને પીવાથી કોઢ-દાદર અને ખરજવું દૂર થાય છે. તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ ભેગા કરી ઘસવાથી દાદરનો પણ નાશ થાય છે.
(૯) તુલસીનો ઉકાળો કરીને તેના કોગળા કરવાથી અથવા તેના પાન ચાવવાથી મોંમાંથી આવતી દુર્ગંધ ઓછી થઇ જાય છે.
(૧૦) તુલસીનાં માંજરનું આઠ રતીભર ચૂર્ણ અને આઠ રતી સંચળ મેળવીને લેવાથી પાચન ક્રિયા સુધરે છે. ગેસ, અપચો-કબજીયાતમાં ફાયદો થાય છે.
તુલસી અસંખ્ય ગુણોથી ભરપુર એક દિવ્ય-પવિત્ર અને સર્વોપયોગી ઔષધી કહેવાય છે કે
'જે ઘેર તુલસીને ગાય,
તે ઘર રોગ કદી ના જાય
નોંધ :- ગરમ પ્રકૃતિવાળા, પિત્તવધી ગયેલા રોગીઓએ ગર્ભિણી સ્ત્રીઓએ, બળતરા વાળા દરદીઓએ નસકોરી ફુટતી હોય તેવા દરદીઓએ, સંડાશમાં લોહી પડતું હોય તેવા દરદીઓ તુલસીનો ઉપયોગ વૈદ્યકિય સલાહ લઇને કરવો જોઇએ.
વૈજ્ઞાનિક મત પ્રમાણે પણ તુલસી ઉત્તમ જંતુદ્રા છે.
- ઉમાકાંત જોશી