Get The App

કુચિપુડી બેલેની કોરિયોગ્રાફર - ડા.ગદ્દામ પદ્મજા રેડ્ડી .

Updated: Nov 21st, 2022


Google NewsGoogle News
કુચિપુડી બેલેની કોરિયોગ્રાફર - ડા.ગદ્દામ પદ્મજા રેડ્ડી                  . 1 - image


- અંતર - રક્ષા શુક્લ

કેટલી ખખડી ગઈ છે ભારથી,

છત ઊભી છે ભીંતના આધારથી!

વેદનાને જો વલૂરી સાંજના,

રાત આખી તરફડી ચિત્કારથી !

સાવ હળવું લાગવા માંડયું છે દુ:ખ,

કાખમાં તેડી લીધું છે જ્યારથી.

જાતમાંથી જાતને બાતલ કરો,

'ઓમ'ને ભેદાય ના એંકારથી.

આમ કુંઠાઈને 'રાજુલ' શું વળે?

ઘાટ ચડવા દે નવા વિસ્તારથી !

                - રાજુલ ભાનુશાલી

એકવાર બર્કશાના રાજકુમારના દરબારમાં એક નૃત્યાંગના તેના સંગીતકારો સાથે આવી. અને તેણીને દરબારમાં દાખલ કરવામાં આવી, અને તેણીએ રાજકુમાર સમક્ષ મેન્ડોલીન, વાંસળી અને તંતુવાદ્યના સંગીત પર નૃત્ય કર્યું. તેણે જ્વાળાનૃત્ય, તારાનૃત્ય, તલવારો અને ભાલાઓનું  નૃત્ય, અવકાશ અને પવનમાં લહેરાતા ફૂલોનું નૃત્ય કર્યું. પછી તે રાજકુમારના સિંહાસન સમક્ષ ઊભી રહી, ઝૂકીને નમન કર્યું. રાજકુમારે તેને નજીક આવવા કહ્યું. પછી બોલ્યો, 'હે સુંદરી, લાવણ્ય અને ઉલ્લાસની પુત્રી, આપની કલા ક્યાંથી આવે છે ? અને કેવી રીતે આપ તમારા સમગ્રને લય અને કવિતામાં નિયંત્રિત કરો છો ?' નૃત્યાંગનાએ ફરી ઝૂકીને નમન કરતા જવાબ આપ્યો, 'હે પરાક્રમી અને કૃપાળુ મહારાજ, હું તમારા પ્રશ્નોના જવાબ જાણતી નથી. હું ફક્ત એટલું જ જાણું છું કે ફિલસૂફનો આત્મા તેના મસ્તકમાં રહે છે, કવિનો આત્મા તેના હૃદયમાં કે ગાયકનો આત્મા તેના ગળામાં રહે છે પરંતુ નૃત્યાંગનાનો આત્મા તેના આખા શરીરમાં વ્યાપ્ત હોય છે.'

નર્તકીના મુખે બોલાયેલા આ અદભુત શબ્દો મૂળે તો મહાન ફિલસૂફ ખલિલ જીબ્રાનના છે જે કલા સાથેના કલાકારના તાદાત્મ્યને મૂલવી જાણે છે. મહાન ફિલસૂફ અને કવિ ખલીલ જિબ્રાનનું પુસ્તક The Wanderer’ આવા અદભુત દ્રષ્ટાંતોનો ખજાનો છે જે અનેક રીતે કવિના સંદેશાઓનું સ્ફટિકીકરણ છે. જેમાં માણસને સાંત્વના અને પ્રેરણા આપવાની દુર્લભ શક્તિ છે. અહીં નૃત્યકલાની અનોખી ઊંચાઈની વાત છે. કેરળના મલ્લપુરમ જિલ્લાની બે મુસ્લિમ કન્યાઓએ ભરતનાટયમ જ નહીં પરંતુ કૂચિપુડી અને મોહિનીઅટ્ટમની જેવા અન્ય શાીય નૃત્યોની તાલીમ પણ લીધેલી છે. તેમના માટે આ સહેલું નહોતું, કેમ કે રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજમાં આ પ્રકારના 'હિન્દુ નૃત્યપ્રકારો'શીખવા સામે સખત નારાજગી વ્યક્ત થઈ હતી. આમ છતાં માતા અમીના અને પિતા વીપી અલવિકુટ્ટીએ દીકરીઓ રૂબિયા અને મન્સિયાને નૃત્યની તાલીમ આપવાનું ચાલુ રાખ્યું. થોડો સમય પહેલા જ કેરળના એક મંદિરના વાષક મહોત્સવમાં મન્સિયા નૃત્ય કરવાની મનાઈ કરી દેવાઈ. સમારોહના આયોજકોએ પહેલા તો તેમની અરજી સ્વીકારી લીધી હતી, પરંતુ સ્થળ પર જ્યારે મન્સિયા પહોંચ્યાં ત્યારે મંદિરના સંચાલકોએ મનાઈ કરી દીધી. મંદિરના સંચાલકોનું કહેવું છે કે તેમણે મંદિરની પરંપરાને જાળવવા માટે આ નિર્ણય કર્યો હતો. કેરળમાં મંદિરોમાં અને યુવા મહોત્સવોમાં નૃત્યના કાર્યક્રમો ચાલતા રહેતા હોય છે. અગાઉ આવી જ રીતે 'તેઓ મુસ્લિમ બહેનો છે' તે વાત સામે મંદિર સમિતિના એક સભ્યે થોડો વાંધોે લીધો હતો તેવું તેને યાદ આવે છે. પણ મન્સિયા કહે છે, 'અમારું નૃત્ય જોયા પછી તેઓ ખૂબ ભાવવિભોર થઈ ગયા હતા અને અમને ભેટી પડયા હતા.' બંને બહેનોએ મલ્લપુરમના લગભગ દરેક મંદિરમાં જઈને નૃત્યના કાર્યક્રમમાં ભાગ લીધેલો છે. તેમને દરેક જગ્યાએ બહુ પ્રેમથી આવકાર મળતો રહ્યો છે. 

દક્ષિણ ભારતમાં શાીય સંગીત અને નૃત્યોનું ઘણું મહત્વ છે. કુચિપુડી નૃત્યનું નામ આંધ્રપ્રદેશના કુચિપુડી ગામ પરથી પડયું છે જ્યાં વસતા બ્રાહ્મણો દ્વારા આ નૃત્યકલા વિકાસ પામી. આમાં ઘણું કરીને નર્તક ભગવાનમાં વિલિન થઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. અર્થાત આત્માનું પરમાત્મા સાથે મિલન. શ્રીમતી. ગદ્દામ પદ્મજા રેડ્ડીને તત્કાલીન ભારત સરકાર દ્વારા ૨૦૨૨ના ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ કુચિપુડી નૃત્યકલાના ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટ સેવા અને યોગદાન બદલ દેશના ચોથા નંબરના સૌથી ઉચ્ચ નાગરિક સન્માન 'પદ્મશ્રી' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રીમતી. ગદ્દમ પદ્મજા રેડ્ડી, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કુચિપુડી નૃત્યાંગના છે. તે પ્રખ્યાત કુચિપુડીના પ્રતિપાદક પદ્મ ભૂષણ પુરસ્કૃત ડા. વેમ્પતિ ચિન્ના સત્યમ અને પદ્મશ્રી પુરસ્કૃત ડા. શોભા નાયડુના વડપણ અને સંરક્ષણ હેઠળ કુચિપુડી પ્રત્યેના તેમના ઝુનૂનને વેગ મળ્યો.

૧૯૬૭માં જન્મેલા ડા. રેડ્ડી એક પ્રતિબદ્ધ કલાકાર, આદર્શ ગુરુ અને ઉત્તમ કોરિયોગ્રાફર છે. હૈદરાબાદના આ ફિફ્ટી પ્લસ  કુચિપુડી ડાન્સર છેલ્લા ૪૦ વર્ષથી પરફોર્મ કરી રહ્યા છે. તેના પિતા જીવરેડ્ડી ડાક્ટર છે અને માતા સ્વરાજ્યલક્ષ્મી ગૃહિણી છે. ડા. પદ્મજા કુચિપુડી જેવા મહાન ભારતીય શાીય નૃત્યસ્વરૂપને પ્રોત્સાહન આપવા અને જીવંત રાખવા માટેની લોકોમાં જાગૃતિ લાવવા અવિરતપણે કામ કરે છે. તેમની ૫ દાયકાથી વધુની સમયની અદભૂત કારકિર્દીમાં તેમણે વિશ્વના ૧૦૦ જેટલા દેશોમાં ૩૦૦૦ થી વધુ કાર્યક્રમોમાં નૃત્યપ્રસ્તુતિ કરી છે. વિવેચકો અને સમર્થ ગુણીજનો દ્વારા ડા.પદ્મજા રેડ્ડીને એક સૌથી પ્રતિભાશાળી કુચિપુડી નૃત્યાંગના તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સત્યભામા અને રાણી રૂધ્રમા દેવીના ચિત્રણ માટે સૌથી વધુુ પ્રખ્યાત છે. કુચિપુડી પ્રત્યેનો ઊંડો પ્રેમ અને શાીય નૃત્યના આ સ્વરૂપને જાળવવાના અને પ્રોત્સાહિત કરવા માટેના તેમના જ્વલંત ઉત્સાહના કારણે ડા.રેડ્ડીએ 'પ્રણવ ઇન્સ્ટીટયુટ ઓફ કુચિપુડી ડાન્સ' નામની સંસ્થા શરૂ કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ આ સંસ્થામાં ૧૫૦૦ થી વધુુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. ડો. રેડ્ડી ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન (ICCR)  દિલ્હીના જનરલ એસેમ્બલીના સભ્ય છે. તેમણે રાષ્ટ્રીય પ્રવાસન સલાહકાર પરિષદ (NTAC) સભ્ય, પ્રવાસન વિભાગ, ભારત સરકારના સલાહકાર તરીકે સેવા આપી છે.

સમાજમાં પ્રસરેલી ઘણી બુરાઈઓથી લોકોને મુક્ત કરવાની પ્રબળ ઇચ્છાથી ડા. રેડ્ડીએ સામાજિક સંદેશ આપતી ઘણી કુચીપુડી બેલે નૃત્યનાટિકાઓની રચના કરી જે સમાજોપયોગી સંદેશાઓ આપે છે. ી ભૂષ્ણહત્યાની નિંદા કરતી નૃત્યનાટિકા 'બુ્રના હથ્યાલુ', એઇડ્સ સંબંધિત વિવિધ મુદ્દાઓને સંબોધિત કરતી નૃત્યનાટિકા'જાગૃતિ', લોકોમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત કરવાના પ્રયાસ તરીકે રચાયેલ નૃત્યનાટિકા 'વજ્ર ભારતી' વગેરે પદ્મજા રેડ્ડીની ખૂબ શક્તિશાળી અને અદભુત નૃત્યનાટિકાઓ છે. તેમના બેલે સમકાલીન સામાજિક મુદ્દાઓથી લઈને પૌરાણિક કથાઓ, દેવી-દેવતાઓ સુધીના વિવિધ વિષયો લઈને આવે છે. તેમના કેટલાક પ્રખ્યાત પૌરાણિક બેલેમાં મહિષાશૂર મધની, નવદુર્ગાલુ, કાકતીયમ - ભાગ ૧ અને ભાગ ૨ નો સમાવેશ થાય છે. ડા. પદ્મજા ગારુ(તેલુગુ ભાષાનો માનવાચક શબ્દ) મંચ પર કાકતીય વંશના સમૃદ્ધ વારસા અને ગૌરવને જીવંત કરવા માટે જાણીતા છે. 'કાકતીયમ' એ તેમની પ્રશંસનીય પહેલ છે અને તેના જીવનની એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે. તેલંગાણાના લોકો માટે તેણે કલાનું આ એક નવું સ્વરૂપ 'કાકતીયમ' રજૂ કર્યું. જો ડા. રેડ્ડીએ કાકતીયમ માટે નિાપૂર્વક પ્રયાસ ન કર્યોે હોત તો એ પુસ્તકોમાં જ રહી જાત. કાકતીય વંશના સમૃદ્ધ વારસા અને ગૌરવને ડો. પદ્મજા રેડ્ડી અને જૂથ દ્વારા કુચીપુડી પ્રદર્શનના રૂપમાં અનેક વાર, અનેક રીતે સ્ટેજ પર જીવંત કરવામાં આવ્યા છે. નૃત્યાંગના ડા. પદ્મજાએ તેની સુંદર અને સૂક્ષ્મ રજૂઆતથી ઈતિહાસ રચ્યો છે. તેમણે અતિ પ્રાચીન કાકતીય વંશ વિશે શોધ અને અધ્યયન કર્યું અને લેખક જયના ??ચાર્યુલુના પુસ્તક ''નૃત્ત રત્નાવલી'માં વર્ણન કરાયેલ સૈદ્ધાંતિક નૃત્ય  વિભાવનાઓને એક દ્રશ્ય કલા સ્વરૂપે રૂપાંતરિત કર્યું જેથી પ્રેક્ષકો ઈ. ૧૨૫૩માં જે નૃત્ય સ્વરૂપો અસ્તિત્વમાં હતા એને સમજે અને કલ્પી શકે. તેમણે ઇતિહાસના કેટલાક રસપ્રદ પ્રસંગો નૃત્યમાં ગૂંથીને તેનું પુનનર્માણ કર્યું છે અને કાકતીયનો પ્રસાર અને પ્રચાર કર્યોે. રામાપ્પા મંદિરની અદ્ભુત શિલ્પ કલાને પ્રદશત કરવા માટે પોતાની નૃત્ય નાટિકામાં એક રચનાત્મક અને અભિનવ કોરિયોગ્રાફી સાથે ડા. પદ્મજા થોડી આધુનિક અવધારણાઓને લાવ્યા છે જે કાકતીય યુગના નૃત્ય સ્વરૂપોને દર્શાવે છે. કાકતીય નૃત્ય શૈલીના વિકાસ સંદર્ભે અનેક મુશ્કેલીઓ અને સવાલોનો સામનો કર્યા પછી પણ ડા. પદ્મજા આ નવતર નૃત્યરૂપને તેલંગાણાના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા બાબતે મક્કમ હતા. તેમણે 'નૃત રત્નાવલી' પુસ્તકમાંથી પણ પ્રેરણા લીધી જે શાીય અને લોકનૃત્યના રૂપોને સુપેરે વ્યાખ્યાયિત કરે છે. ડા. પદ્મજાએ ૨૦૧૭માં કાકતિયમનો ભાગ ૧ દિગ્દર્શન અને પ્રદર્શન કર્યું અને ૨૦૨૧માં તેનો ભાગ ૨ ભજવવામાં આવ્યો હતો.

લગભગ ૧૦૦ અન્ય નૃત્યાંગનાઓ સાથે કરેલા આ સુંદર કુચિપુડી પ્રદર્શન માટે તેમને ઘણી પ્રશંસા અને તાળીઓ મળી. આલ્બર્ટ આઇન્સ્ટાઇન નર્તકોનો મહિમા કરતા સરસ કહે છે કે '‘Dancers are the athletes of God.’  અમદાવાદના જાણીતા કૂચિપૂડી નૃત્યગુરુ સ્મિતા શાી કહે છે કે 'કૂચિપૂડી' એકમ નૃત્યો ભાગવત મેલા નાટકમ નૃત્ય-નાટય શૈલીમાંથી વિકસ્યા હોવાથી તેમાં નાટય તત્વનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. જેમાં વાચિક અભિનયનો પણ સમાવેશ થાય છે. જે તેને અન્ય નૃત્ય શૈલીઓથી વિશિષ્ટ, વૈવિધ્યસભર અને બનાવે છે. આ શૈલી લાલિત્યસભર છે અને અભિનય માટે અવકાશ હોય છે.

ડા. રેડ્ડીએ કુચિપુડીના પ્રસાર માટે એક અનોખી શરૂઆત કરી છે. તેઓ ટેકનોસેવી પણ છે અને online કુચિપુડી શીખવે છે. ઈન્ટરનેટ દ્વારા આ ડાન્સ ફોર્મ શીખવનાર ડા. રેડ્ડી ભારતના પ્રથમ કુચિપુડી નૃત્યાંગના છે. તેમણે 'કુચિપુડી સંપ્રદાય' નામનું એક પુસ્તક પણ લખ્યું છે જે એક સૈદ્ધાંતિક આંતરદૃષ્ટિ આપતું, સર્ટીફીકેટ કોર્સ માટેના અભ્યાસક્રમનું પુસ્તક છે. આ પુસ્તક કુચિપુડી નૃત્ય શીખતા વિદ્યાર્થીઓને ઊંડી આંતરદૃષ્ટિ અને સમજ આપે છે. તેમાં સટફિકેટ કોર્સની પરીક્ષાઓ આપવા માગતા યુવા નર્તકો માટે સૈદ્ધાંતિક અને વ્યાવહારિક વિગતોનું વિગતવાર વર્ણન છે. ઉંમરના આ પડાવે પણ તે દરરોજ ૮ કલાક પ્રેક્ટિસ કરે છે. તેઓ ખરેખર એવા ઘણા લોકો માટે પ્રેરણા છે જેઓ કલાને પ્રેમ કરે છે અને તેમાં કારકિર્દી બનાવવા માંગે છે. એક ઈન્ટરવ્યુમાં ડા.પદ્મજાએ જણાવ્યું કે તેના માટે પૈસા સર્વસ્વ નથી. નૃત્ય પ્રત્યેના તેના જુસ્સાએ અને પ્રેમે જ તેને જીવનના આ તબક્કે પહોંચાડયા હતા. 

કુચિપુડી શાીય નૃત્યની ડો. રેડ્ડીની વિવિધ પ્રસ્તુતિઓને અને બહોળા યોગદાનને વિવિધ સંસ્થાઓ દ્વારા માન્યતા આપવામાં આવી છે. ડા. પદ્મજાને ૪૦ વર્ષની નૃત્ય યાત્રામાં ઘણા બધા પુરસ્કારો અને પુરસ્કારો મળ્યા છે. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા તેમને ''સંગીત નાટક અકાદમી પુરસ્કાર - ૨૦૧૫''થી સન્માનિત કરાયા છે. તેઓ આ સન્માન મેળવનાર તેલંગાણાના પ્રથમ વ્યક્તિ હતા. આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર તરફથી 'કલરત્ન (હમસા) ૨૦૦૬ત''નાટય વિશારદ ૧૯૯૪'', 'કલક્કી કલ ૧૯૯૦'' 'અભિનય સત્યભામા અને સંસ્કૃતિ રત્ન' તથા બીજા અનેક સન્માનો અને પુરસ્કારો તેમને પ્રાપ્ત થયા છે. ૨૦૦૫માં શ્રી કૃષ્ણ દેવર્ય યુનિવસટી દ્વારા તેમને ડી.લિટ. ની ડિગ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

ડા. પદ્મજા રેડ્ડી રાજ્યની ગ્રીન ઈન્ડિયા ચેલેન્જમાં પણ જોડાયા હતા અને બેગમપેટ ખાતેના તેમના નિવાસસ્થાને વૃક્ષારોપણ કર્યું હતું. વૃક્ષારોપણને એક દિવ્ય ઘટના સમાન ગણાવતા ડો.પદ્મજાએ કહ્યું હતું કે 'દરેક વ્યક્તિએ શક્ય તેટલા વધુ વૃક્ષો વાવવા જોઈએ. સરકારે એવો નિયમ લાવવો જોઈએ કે ઘર બનાવતા પહેલા દરેક વ્યક્તિએ એ જગ્યા પર પહેલા વૃક્ષો વાવવા જોઈએ,' નૃત્યને અત્યંત પ્રેમ કરનારી નાનકડી બાળકીથી માંડીને પદ્મશ્રી વિજેતા બનવા સુધીની ડા. પદ્મજાની કુચિપુડી સફરમાં તેણે કરેલા પરિશ્રમની વાત જાણીએ કે તેમની નિષ્ઠા અને નૃત્ય દ્વારા થતી અવિરત સમાજસેવાની વાત જાણીએ ત્યારે આપણને સમજાય છે કે જ્યારે આપણે આપણા હૃદયને અનુસરીને અદમ્ય જુસ્સાથી કંઈક કરીએ છીએ ત્યારે તેનું પરિણામ પણ અકલ્પ્ય રીતે મહાન આવે છે. 

ઇતિ

ભારતીય તત્ત્વદર્શનથી આપણું વૈચારિક સ્તર વિશાળ થવાની સાથે જીવનનું નૈતિક ધોેરણ પણ ઊંચું આવે છે. હિંદુ ધર્મશાો સ્વયં શિસ્તની સાથે સ્વમાનપૂર્વક જીવતા શીખવે છે.  -બરાક ઓબામા


Google NewsGoogle News