Get The App

બોલીવુડ Vs સાઉથ : હિન્દી મીડિયમના નામે મોરચો

Updated: May 4th, 2022


Google NewsGoogle News
બોલીવુડ Vs સાઉથ : હિન્દી મીડિયમના નામે મોરચો 1 - image

- અજય દેવગને હિન્દી ભાષાને રાષ્ટ્ર ભાષા ગણાવી વિવાદ સર્જ્યો : બોલીવુડ અસલામતી અને ભયની લાગણી અનુભવે છે?

- સાઉથના નેતાઓ પણ કૂદી પડયા : હિન્દી ભાષા માટે ફરજ પાડતા પહેલા ભૂતકાળના હિંસક આંદોલનો યાદ કરજો

વડાપ્રધાન મોદીએ દેશના રાજ્યોની હાઇકોર્ટના ચીફ જસ્ટિસને સંબોધતા મહત્વનું સૂચન કર્યું કે  કોર્ટની પ્રક્રિયા, કામગીરી અને ચુકાદાની નકલ અંગ્રેજીમાં અને તે પણ જટિલ ભાષામાં રજૂ થતી હોય છે. એક સામાન્ય નાગરિક તેને સમજી નથી શકતો અને કોર્ટની ન્યાય પદ્ધતિમાં તેની રજૂઆત સચોટ રીતે રજૂ નથી કરી શકતો. આ માટે દેશની કોર્ટમાં જે તે રાજ્યની ભાષાનો કેસ ફાઇલ કરવાથી માંડી વકીલોની દલીલ અને ચુકાદાની નકલ આપવામાં ઉપયોગ થાય તે અત્યંત આવશ્યક છે. નાગરિક તેના રાજ્યની ભાષામાં જ સહજ પ્રત્યાયન કરી શકતો હોય છે.

આ સંવાદમાં હાજર રહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમણે તે પછી તેમના વક્તવ્યમાં જણાવ્યું કે 'જે તે રાજ્યની ભાષામાં કોર્ટની કાર્યવાહી થાય તેવું એકદમ ઝડપથી અમલમાં લાવી શકાય તેવું  તો શક્ય નથી. પણ તે દિશામાં આગળ જરૂર વધીશું.'

અત્યારે હાઈકોર્ટથી નીચા લેવલની કોર્ટમાં જે તે રાજ્યની ભાષામાં હજુ પણ કાર્યવાહી થાય છે.જો કે ચુકાદાની ભાષા કાયદાકીય અને જટિલ હોઈ વકીલ જ અસીલને સમજાવી શકે છે.

વડાપ્રધાને ભારતની વિવિધતામાં એકતા અને તેના કરતા પણ વિશેષ નાગરિકોને ન્યાયિક પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શક સંતોષ થાય તેવા માનવીય અભિગમ પર ભાર મૂક્યો હતો.

વડાપ્રધાન મોદીએ આ સંબોધનમાં  તેમની આવી લાગણી વ્યક્ત કરીને વ્યૂહાત્મક રીતે થોડા અઠવાડિયાઓ અગાઉ હિન્દી ભાષાનો જ મહત્તમ ઉપયોગ દેશમાં,વહીવટી સંસ્થાઓ અને કાર્યાલયોમાં કરવો જોઈએ તેવા કેન્દ્રના ગૃહ પ્રધાનના નિવેદનથી શરૂ થયેલ વિરોધ વંટોળને પણ ઘણા ખરા અંશે વિરોધાભાષી નિવેદન સાથે શાંત પાડવામાં સફળતા મેળવી છે.

હિન્દીને રાષ્ટ્ર ભાષા તરીકે અમલમાં મુકાશે તેવા ભયને પામી જઈ દક્ષિણના રાજ્યોએ તેની વિરુદ્ધમાં આંદોલનની બાંયો પણ ચઢાવી દીધી હતી. તેના ભાગરૂપે જ કન્નડ ફિલ્મના અભિનેતા કિકચા સુદીપ અને હિન્દી ફિલ્મના અભિનેતા અજય દેવગન વચ્ચે ચકમક ઝરી ગઈ.

એક ઇન્ટરવ્યૂમાં સુદીપે કહ્યું કે 'દક્ષિણ ભારતની ફિલ્મોએ જે રીતે હિન્દી ફિલ્મો જોનારા દર્શકોમાં રેકોર્ડ બ્રેક કમાણી સાથે  જુવાળની હદે ચાહના ઉભી કરી છે તેના પરથી એમ કહી શકાય કે હિન્દી દેશની રાષ્ટ્ર ભાષા નથી. બોલીવુડ નહીં, દક્ષિણની ફિલ્મો ભારતીય ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર સ્થાન છે.'

સુદીપે એમ પણ ઉમેર્યું કે 'હિન્દીમાં બનેલી ફિલ્મો દક્ષિણના રાજ્યોમાં તમિલ, તેલુગુ કે કન્નડમાં ડબ થઈને રિલીઝ થાય છે તો પણ ચાલતી નથી જ્યારે અમારી ફિલ્મો હિન્દી બેલ્ટમાં સુપર ડુપર હિટ જાય છે. તે જ બતાવે છે કે અમારા સ્ટાર્સ અને નિર્માણ બોલીવુડના દર્શકોમાં પણ સ્વીકાર્ય છે.'

અજય દેવગન સિવાય કોઈ સ્ટાર હિન્દી ભાષાના સમર્થનમાં આગળ ન આવ્યું.

અજય દેવગન ટ્વીટ કરીને સુદીપ જ નહીં કેફમાં રાચતા દક્ષિણ ભારતના ફિલ્મ ઉદ્યોગ અને નેતાઓને વિવાદમાં ઢસડી નાંખતો  જવાબ આપ્યો કે 'જો હિન્દી રાષ્ટ્ર ભાષા ન જ હોય તો તમે તમારી દક્ષિણ ભારતની ભાષાની  ફિલ્મોને હિન્દી ભાષામાં ડબ કરીને રિલીઝ કરવાની ફરજ કેમ પડે છે. હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા બંને છે. જન ગણ મન.'

જો કે સુદીપે સૌજન્ય વ્યક્ત કરતા વળતી ટ્વીટ કરી કે 'ભાઈ, મારો આશય કોઈને ઉતારી પાડવાનો નહતો.  મેં જો કન્નડમાં કોઈ કામેન્ટ કરી હોત તો મને તું કોઈ જવાબ પણ આપી શક્યો હોત ખરો? આપણે વિવિધ ભાષા બોલતા હોવા છતાં આખરે તો ભારતીય જ છીએ તે મહત્વનું છે.'

અજય દેવગને તે પછી વધુ એક  ટ્વીટમાં સુદીપને મિત્ર તરીકે સંબોધી લખ્યું કે 'આપણે ભાષાથી પર એક જ વિશાળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હિસ્સા તરીકે આપણી ઓળખ રાખવી જોઈએ. અન્ય ભાષાનો આદર કરતા શીખવું જોઈએ.(તુલના કરીને નહીં)

તે પછી તો દક્ષિણ ભારતના રાજ્યોના નેતાઓએ કેન્દ્ર સરકારને ચીમકી આપતા નિવેદન કર્યા કે હિન્દી ભાષાને  રાષ્ટ્ર ભાષા તરીકે  સ્થાપિત કરવાનો અટકચાળો આઝાદી પહેલાં અને પછી પણ થયો હતો અને દક્ષિણ ભારતમાં કેવા હિંસક તોફાનો,આંદોલનો થયા હતા તે યાદ કરજો. ફરી આ વિવાદને ન ઉખેળતા.

અખંડ ભારતના સ્વપ્ન જોતાં પહેલા તો ભારતને જ અખંડ રાખવાનો પડકાર સોશિયલ મીડિયાના યુગમાં સર્જાયો છે. નાગરિકોમાં ભાષા,ધર્મ જાતિ અને પ્રાંતવાદનું જે ઝેર ફેલાઈ રહ્યું છે તે ભારતના નક્શામાં ટૂકડા થઈ શકે તેવો ભય જન્માવે છે.

અજય દેવગને હિન્દીને રાષ્ટ્રભાષા ગણાવી તેનો સૌથી પ્રથમ વિરોધ પંજાબમાંથી જ થયો. લુધિયાણા સ્થિત  ૭૨ વર્ષીય એમ એસ. શેખોન પંજાબની અસ્મિતા માટે વર્ષોથી એક સંસ્થા ચલાવે છે તેમણે આરોપ મૂક્યો કે અજય દેવગણ પોતે પંજાબના અમૃતસરનો છે આમ છતાં પંજાબીની જગ્યાએ હિન્દીને પ્રમોટ કરીને તેને રાષ્ટ્ર ભાષા તરીકે ગણાવે છે. તેના સ્વ.પિતા વીરુ દેવગન મુંબઈની ફિલ્મ નગરીમાં પણ ગૌરવ સાથે પંજાબી ભાષામાં બોલતા હતા.હવે પુત્ર અજય દેવગને પંજાબ સાથે જાણે નાતો તોડી દીધો છે. અજય દેવગન અભિનીત ફિલ્મ 'સન ઓફ સરદાર'માં પણ તેણે કેટલાક સંવાદો અને દ્રશ્યોેને લીધે તેને પંજાબી સંસ્કૃતિ અને ભાષા માટે આદર નથી તેવો અકાલ તખ્તનો રોષ વહોરી લીધો હતો અને વાંધાજનક દ્રશ્યો નિર્માતાને કાપી નાંખવા પડયા હતા.ખેડૂતોના આંદોલનને પણ અજય દેવગણે ટેકો નહતો આપ્યો જેના લીધે પંજાબના ખેડૂતો અને નેતાઓ તેનાથી ભારે નારાજ છે.

ખેડૂતોના આંદોલનની તરફેણમાં ગ્રેટા થનબર્ગ અને પોપ ગાયિકા રિહાના જેવી વૈશ્વિક એકટીવિસ્ટ આગળ આવી ત્યારે અજય દેવગણે ટ્વીટ કર્યું હતું કે 'દેશની સંવાદિતા તોડી પાડનારા આવા તત્વોના ભ્રામક પ્રચારમાં  ફસાઈ ન જતા.આપણે દેશવાસીઓએ એકજૂટ થઈને આ સમયે રહેવાનું છે.'

હવે ફિલ્મ કલાકારો પણ ભારત અને દેશ માટેની વિચારધારા અને સ્થિતિના સમર્થન કે વિરોધમાં તેમના મંતવ્ય આપતા બહાર આવી રહ્યા છે. આથી જ  કેટલાકે તો એવી ટ્વીટ પણ કરી કે અજય દેવગન  આર.એસ.એસ.ની વિચારધારાને આગળ કરે છે.

હિન્દી ફિલ્મ ઉદ્યોગ જ નહીં અન્ય રાજ્યોની ભાષાની ફિલ્મો અને તેના સંગીત પર પણ દક્ષિણ ભારતની ડબ થયેલી ફિલ્મોને કારણે ફટકો પહોંચ્યો છે.

ભાષાવાદ કે પ્રાંતવાદ એવું વરવું સ્વરૂપ પણ આગળ જતાં  લઈ શકે કે 'અમે અમારા રાજ્યમાં  હિન્દીનો વિરોધ કરનારા કોઈ રાજ્યની ભાષામાં બનેલી ફિલ્મો રિલીઝ નહીં થવા દઈએ.'

દક્ષિણ ભારતના રાજ્યોમાં તો વિધાનસભા કે લોકસભાની ચુંટણી પ્રચારમાં હિન્દી ભાષાના વિરોધની ખાતરી મત માટે નિર્ણાયક ભૂમિકા ભજવતો હોય છે.

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદદારમૈયાએ અજય દેવગનની કામેન્ટનો તરત જ જવાબ આપ્યો હતો કે 'હિન્દી ક્યારેય રાષ્ટ્ર ભાષા હતી નહીં અને બનશે પણ નહીં.ભારતના ભાષા વૈવિધ્યતાની લાક્ષણિકતાને  માનભેર સ્વીકારવી જ રહી..મને કન્નડ હોવાનું ગૌરવ છે.'

કર્ણાટકના અન્ય એક ભૂતપૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ અજય દેવગનને તુમાખીભર્યો અને બેહુદુ વર્તન કરતા વ્યકિત તરીકે  ગણાવ્યો હતો અને તે પછી ઉધડો લેતા હોય ટીમ ઉમેર્યું હતું કે 'ભારતના મહત્વના નવ રાજ્યો અને કાશ્મીર, કન્યાકુમારીમાં હિન્દી બીજા કે ત્રીજા ક્રમની પણ ભાષા નથી. દેશની સૌથી વધુ ટકાવારી ધરાવતી ભાષા હિન્દી છે એટલે તેને રાષ્ટ્ર ભાષા થોડી બનાવી દેવાય. ફિલ્મોનું ડબિંગ હિન્દીમાં થાય એટલે હિન્દી રાષ્ટ્ર ભાષા?'

ફિલ્મ નિર્માતા નિર્દેશક રામ ગોપાલ વર્માએ તો એટલે સુધી સુદીપને ટેગ કરીને ટ્વીટ કર્યું કે 'કન્નડ ફિલ્મ કેજીએફનો પહેલા દિવસે જ રૂ.૫૦ કરોડનો ધંધો થઈ જતાં હવે બોલીવુડ ભારે અસલામતી અને ઈર્ષ્યા અનુભવી રહ્યું છે. હવે આપણે જોઈએ આગામી સમયગાળામાં રજુ થતી બોલીવુડની ફિલ્મો કેવું કલેક્શન મેળવે છે.'

સોનું સુદે પણ હિન્દી ભાષાને રાષ્ટ્રીય તરીકે સ્વીકારવાનો ઇનકાર કરતાં કહ્યું કે ફિલ્મની કોઈ ભાષા નથી સિવાય મનોરંજન. આ વિવાદમાં હવે ચિરંજીવીએ પણ ઝંપલાવ્યું છે. આજકાલ તે તેની ફિલ્મ 'આચાર્ય'નું પ્રમોશન કરી રહ્યો છે તે દરમ્યાન તેણે કહ્યું કે '૧૯૮૯માં તે દિલ્હીમાં યોજાયેલ ફિલ્મ મહોત્સવમાં આવ્યો હતો ત્યારે જે પણ પોસ્ટર કે દસ્તાવેજી માહિતીનું પ્રદર્શન રજૂ કરાયેલ તેમાં ભારતનો ફિલ્મ ઉદ્યોગ  જાણે બોલીવુડ જ હોય તેમ તમામ તસવીરો અને રેકોર્ડ હિન્દી કલાકારો,નિર્માતા,નિર્દેશકો અને ગાયક ગાયિકા, સંગીતકારોના જ હતા. એક માત્ર ફોટો એમ.જી.રામચંદ્રન અને જયલલિતા અને પ્રેમ નઝીરનો હતો.દક્ષિણ ભારતના રાજ  કુમાર,વિષ્ણુવર્ધન,એન.ટી. રામારાવ,નાગેશ્વર રાવ અને શિવાજી ગણેશન જેવા કેટલાયે લેજેંડસ્ ને સ્થાન જ નહોતું અપાયું. તે વખતે હું ખૂબ નિરાશા સાથે નારાજ થયો હતો.'

નાગાર્જુન કહે છે કે 'હું મુંબઈ કે દિલ્હી જઉં ત્યારે એરપોર્ટ પરથી જ મને બધા સાઉથ કા એક્ટર તરીકે ઓળખાવે ત્યારે ખૂબ રંજ થતો કે હિન્દી ફિલ્મમાં કામ કર્યા પછી પણ મારી ગણના મુખ્ય પ્રવાહના હિન્દી ફિલ્મ જગતના હીરો તરીકે ન જ થઈ. આ એક પ્રકારનો હિન ભેદભાવ કહી શકાય.' 

હિન્દી ફિલ્મના કલાકારોની સ્થિતિ એવી કફોડી છે કે તેઓને પણ સાઉથની ફિલ્મોમાં રોલ કરવાની ફરજ પડી છે. સાઉથની રિમેક વગર પણ છૂટકો નથી. હિન્દી ફિલ્મના નિર્માતા કે નિર્દેશક એવી આત્મશ્રદ્ધા કેળવી શકે તેમ નથી કે સાઉથના કદ અને સ્કેલની મેગા ફિલ્મ બનાવે.આવી હિન્દી ફિલ્મો  દક્ષિણ ભારતીય ભાષામાં ફિલ્મ ડબ થઈ ત્યાં રજૂ થાય તો પણ ત્યાંના દર્શકો તે સ્વીકારે તેમ નથી. જ્યારે દક્ષિણની ફિલ્મો હિન્દી બેલ્ટને આકર્ષે છે. હવે તો હિન્દી ફિલ્મના દર્શકોને દક્ષિણના સ્ટાર્સ વધુ પસંદ હોય તેવી સ્થિતિ પણ નિર્માણ પામી છે.

સાઉથની ફિલ્મોથી ચકાચૌંધ થઈ ગયેલા દર્શકોએ છેલ્લા મહિનાઓમાં રજુ થયેલી  અક્ષય કુમારની 'બચ્ચન પાંડે',જોહન અબ્રાહમની 'એટેક',અમિતાભની ' ઝુંડ', શાહિદ કપૂરની 'જર્સી' અને ટાઈગર શ્રોફની 'હીરોપંતી'ને ઠંડો પ્રતિસાદ આપ્યો છે. જો કે સાઉથની પણ રજનીકાંત વિજય,મહેશ બાબુ કે વિજય, અજિત જેવા અભિનેતાઓની ઘણી  ફિલ્મો હિન્દી ડબ થઈ છતાં ફ્લોપ નીવડી છે એટલે એવું પણ ન મનાય કે સાઉથ હવે પગદંડો જમાવી ચૂક્યું છે.વખત જતાં તેઓ પણ ફોર્મ્યુલા ફિલ્મ તરીકે જાકારો પામી જ શકે.

     ભલે ભાષાવાદના વિવાદમાં હાલ હિન્દી અને સાઉથ ફિલ્મ ઉદ્યોગ સામસામે આવી ગયા છે.સાઉથના આજકાલના કલાકાર અને કસબીઓ ભૂલી ગયા છે કે સાઉથની નિર્માણ કંપનીઓ, નિર્દેશકો જીતેન્દ્ર,રાજેશ ખન્ના, રિશી કપૂરથી માંડી અમિતાભ જેવા અભિનેતાઓને લઈને ભૂતકાળમાં ટંકશાળ પાડી ચૂક્યા છે. તે વખતે દસમાંથી સાત ફિલ્મોના નિર્માતા - નિર્દેશકો સાઉથના રહેતા. બોલીવુડની ટોચની હિરોઈનો તરીકે સાઉથની હિરોઇનો જ રહી ચૂકી છે ને.

  ભારતનો ફિલ્મ ઉદ્યોગ મુંબઈથી સાઉથમાં શિફ્ટ થઈ જશે?  એટલું ખરું કે બોલીવુડની મોટાભાગની ફિલ્મો સિન ટુ સિન દક્ષિણની ફિલ્મની રીમેક જ રહી છે. શું હિન્દી ફિલ્મ તો શું હવે અન્ય પ્રાદેશિક ફિલ્મો પણ સાઉથની રીમેકમાંથી બનતી થઈ છે. સાઉથ સિવાય દેશના અન્ય ભાગમાં સારી સ્ક્રિપ્ટ કે લેખકોનો આ હદે દુકાળ કેમ? ફિલ્મ મેકિંગના તમામ સ્તરે આત્મ મંથન તો કરવું જ પડશે.

....અને છેલ્લે.. હિન્દી ભારતની  રાષ્ટ્ર ભાષા નથી.કોઈ પણ ભાષાને  આ દરજ્જો નથી અપાયો.બંધારણના આઠમા શેડયુલ અંતર્ગત ૨૨ ભાષાઓને ઓફિસિયલ ભાષા તરીકે જાહેર કરાઈ છે જેમાં આસામી બેંગાલી બોડો, ડોગરી,ગુજરાતી હિન્દી કન્નડ,કાશ્મીરી, કોંકણી, મલયાલમ મણિપુરી, મરાઠી મૈથિલી નેપાળી, ઓરિયા,પંજાબી સંસ્કૃત, સાંથાલી, સિંધી તમિલ તેલુગુ અને ઉર્દુનો સમાવેશ થાય છે.

૧૯૬૩ના ધ આફિસિયલ લેન્ગવેજ એક્ટ પ્રમાણે ઇંગ્લિશ અને હિન્દી ભાષા કેન્દ્ર સરકાર અને તેની કચેરી,સંસદની કાર્યવાહીના રેકોર્ડ અને ભાષાંતરમાં તેમજ દેશની હાઇકોર્ટમાં કેટલાક હેતુ માટે અને સ્ટેટ એક્ટ હેતુ ઉપયોગમાં લેવાની રહેશે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે જે પણ લેખિત સંદેશાવ્યવહાર થાય તે માટે ઇંગ્લિશમાં થાય તેવું પણ ઠરાવાયું છે.

હા, હિન્દી સૌથી વધુ બોલાતી અને સમજાતી ભાષા છે.સ્વાભાવિક તેનો વ્યાપ વધુ હોઇ ..બહુમતીના જોરે હિન્દી ફિલ્મ ઉદ્યોગ ભારતીય સિનેમાનો મુખ્ય પ્રવાહ ગણાતો હોઈય શકે.


Google NewsGoogle News