સ્વાતંત્ર્યના સૂર્યોદય પૂર્વે .

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
સ્વાતંત્ર્યના સૂર્યોદય પૂર્વે                              . 1 - image


- 1997માં દેશ આઝાદીની સુવર્ણજયંતી ઉજવી રહ્યો હતો. તે વર્ષે 15 ઑગસ્ટના રોજ પ્રકાશિત થયેલ આ લેખમાં આઝાદી પૂર્વે થોડા મહિનાઓ અગાઉ દેશમાં બ્રિટિશ સરકાર દ્વારા શી હિલચાલ થઈ, ભારતની આઝાદી માટે શા માટે 15 ઑગસ્ટનો દિવસ પસંદ કરાયો આવી કેટલીક ઐતિહાસિક બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે  

૧૯ ૪૭ની પંદરમી ઑગસ્ટ પૂર્વેના સમયગાળામાં દેશ અને દુનિયામાં ઘણું પરિવર્તન થયું. બીજા વિશ્વયુદ્ધના કારણે આ પરિવર્તનની પ્રક્રિયાનો આરંભ થયો. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનનો વિજય તો થયો, પણ યુદ્ધના ખર્ચે એને માથે દેવાંનો ડુંગર ખડકી દીધો. જીવનજરૂરી ચીજોની કારમી તંગી અને વધતી જતી બેકારીથી ગ્રસ્ત બ્રિટનનાં વડાપ્રધાન ક્લીમન્ટ એટલી અને તેમના મજૂરપક્ષે બ્રિટિશ સામ્રાજ્યના સંસ્થાનોને છોડી દેવાનો એમને સ્વતંત્રતા આપવાનો એજન્ડા ઝડપથી અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો. એનો પ્રારંભ હિંદથી થયો. હિંદના નેતાઓ સાથે મંત્રણા કરવા માઉન્ટ બેટનને દિલ્હી મોકલવામાં આવ્યા. એમના પુરોગામી વાઇસરૉય વેવેલ આ કામગીરી સફળતાથી પાર પાડી શકે તેમ ન હતા. બ્રિટનના નાણાંમંત્રી સર સ્ટેફર્ડ ક્રીપ્સ અને વી.કે. કૃષ્ણમેનન વચ્ચે સારો સંબંધ હોવાથી મેનને સ૨ ક્રીપ્સને સૂચવેલું કે લૂઈ માઉન્ટબેટનને નવા વાઇસરૉય તરીકે મોકલાય તો જ સત્તાનું હસ્તાંતરણ ઝડપી બને, કા૨ણ કે નહેરુને માઉન્ટબેટન માટે માન છે. નહેરુ - માઉન્ટબેટન વચ્ચેના સંબંધની જાણ હિંદના મુસ્લિમ નેતાઓને ન થાય તેની તકેદારી રખાઈ હતી. મહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગ, ધર્મના આધારે હિંદુસ્તાનના ભાગલાની માંગણી ખૂબ મક્કમતાથી કરતા હતા. ગાંધીજી અને કૉંગ્રેસના નેતાઓ એનો વિરોધ કરતા હતા. આ સંજોગોમાં હિંદને કોના હાથમાં સોંપીને છોડી જવું એ પ્રશ્ન બ્રિટનને મૂંઝવતો હતો. વડાપ્રધાન એટલીએ બ્રિટનની સ્વાતંત્ર્યના સૂર્યોદય પૂર્વે 

આમસભામાં એક નીતિવિષયક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ૧૯૪૮ના જૂન સુધીમાં જવાબદાર હિંદીઓના હાથમાં સત્તાનું હસ્તાંતરણ કરવાનો સરકારે પાકો ઇરાદો કર્યો છે. મહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનની માંગણી પડતી મૂકવા સમજાવવા માઉન્ટબેટને કરેલા પ્રયાસો નિષ્ફળ નીવડયા પરંતુ આમાં વિધિની એક વક્રતાએ પણ ભાગ ભજવ્યો. વાત એવી છે કે જનાબ ઝીણા સાથે જ્યારે વાટાઘાટો ચાલતી હતી ત્યારે એમની તબિયત નાજુક હતી એ તો સુવિદિત હતું, પણ એમનાં ફેફસાં ક્ષયરોગથી ખવાતાં જાય છે અને તેઓ થોડાંક વરસો જ જીવી શકે તેમ છે એ હકીકત ન તો બ્રિટિશ સી.આઈ.ડી.ની જાણમાં હતી, ન તો માઉન્ટબેટનની જાણમાં આવી. લારી કોલિન્સ અને ડોમિનિક લેપિયરે ટાઈમ એશિયા'ના તાજેતરના વિશેષાંકમાં એવી માહિતી આપી છે કે આ માહિતી માઉન્ટબેટનને ન હતી, પણ અમે અમારું પુસ્તક ફ્રીડમ એટ મિડનાઈટ' લખવા સંશોધન કરતા હતા ત્યારે અમે એ શોધી કાઢી હતી. ડૉ. જાલ આર. પટેલ નામના એક તબીબે મહમ્મદ અલી ઝીણાનાં ફેફસાંના એક્સ-રેના આધારે એમને એમ કહ્યું હતું કે તમે થોડાક જ મહિનાના મહેમાન છો. આ એક્સ-રે ડૉ. જાલ પટેલે ખૂબ ગુપ્ત રાખ્યો હતો. જનાબ ઝીણાએ જોકે, એ પછી પૂરતી તબીબી સારસંભાળ હેઠળ પોતાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. પરિણામે એ તાત્કાલિક મૃત્યુ પામ્યા નહીં. એમનું મૃત્યુ ૧૯૪૮ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે થયું. અર્થાત હિંદના ભાગલાના તેર મહિના પછી થયું. માઉન્ટબેટને લારી કોલિન્સ અને ડોમિનિક લેપિયરને પાછળથી એમ જણાવેલું કે જનાબ ઝીણાના ક્ષયરોગની અને ટૂંકા આયુષ્યની જાણ મને જો ૧૯૪૭ના એપ્રિલમાં જ થઈ હોત તો મેં હિંદને સ્વતંત્રતા આપવાનું જનાબ ઝીણાના મૃત્યુ સુધી નિવાર્યું હોત. હું દેશના ભાગલા થાય એમ ઇચ્છતો ન હતો. માઉન્ટબેટનના આ કથનને કેટલાક સાચું માનતા નથી. અંગ્રેજોએ ધર્મ અને જાતિના આધારે ભાગલા પાડવાની કુટિલ રાજનીતિ ઘણાં વરસો પહેલાં જ અપનાવી હતી. બ્રિટિશ વડાપ્રધાન કલીમન્ટ એટલી, માઉન્ટબેટન તથા હિંદના નેતાઓ દેશને શક્ય એટલી વહેલી તકે સ્વતંત્રતા મળે તેમ ઇચ્છતા હતા. દરેકને પોતપોતાનાં અલગ કારણો હતાં. 

15મી ઑગસ્ટ કેમ? 

દેશને સ્વતંત્રતા આપવા માટે ૧૫મી ઑગસ્ટનો દિવસ પણ માઉન્ટબેટને એકલાએ નક્કી કર્યો હતો. હિંદના કોઈ નેતા સાથે તેમણે પૂર્વ મસલત કરીને આ દિવસ પસંદ કર્યો નહોતો. જૂનના પ્રથમ સપ્તાહમાં તેમણે હિંદના નેતાઓ સાથે વાતચીત કરી હતી. ગાંધીજી સાથે પણ તેમને એક દિવસ વાતચીત થઈ પણ તે અધૂરી રહી હતી, કારણ કે ગાંધીજીને સાયં પ્રાર્થનાનો સમય થઈ જતાં ત્યાં જવું પડેલું. માઉન્ટબેટનને એ દિવસે બોલાવેલી પત્રકાર પરિષદમાં એવો પ્રશ્ન પુછાયો કે સત્તાના હસ્તાંતરણ (ટ્રાન્સફર ઑફ પાવર) માટે કોઈ ચોક્કસ તારીખ તમારા મનમાં છે ખરી? માઉન્ટબેટને જવાબ હકારમાં આપ્યો. જોકે, આ પ્રશ્ન પુછાયો ત્યાં સુધી એમના મનમાં કોઈ ચોક્કસ તારીખ ન હતી, પણ એ પ્રશ્ન પુછાતાં એમના મનમાં એ અંગે વિચારપ્રક્રિયા શરૂ થઈ. તેમણે મનોમન પ્રશ્ન કર્યો કે સપ્ટેમ્બરનો પૂર્વાર્ધ કે મધ્ય સપ્ટેમ્બર કે મધ્ય ઑગસ્ટમાંથી કયો સમય નક્કી કરવો ? એકાએક એમના મનમાં ઝબકારો થયો કે ૧૫મી ઑગસ્ટે કેમ સત્તાનું હસ્તાંતરણ ન કરવું? ૧૯૪૫ના ઑગસ્ટની ૧૫મીએ જાપાનના સમ્રાટે શરણાગતિ સ્વીકારી હતી. બ્રિટનના લશ્કરી વિજયમાં માઉન્ટબેટનનું પણ મહત્ત્વનું પ્રદાન હતું. એ અગ્નિ એશિયામાં સુપ્રીમ એલાઈડ કમાન્ડર હતા. પંદરમી ઑગસ્ટનું એ ઐતિહાસિક મહત્ત્વ સત્તાના હસ્તાંતરણ માટે સુયોગ્ય ગણાય એમ માની એમણે પત્રકાર પરિષદમાં ૧૫મી ઑગસ્ટે સ્વતંત્રતા આપવાની જાહેરાત કરી. થોડાક કલાકોમાં આ વાત બધે પ્રસરી ગઈ. કોઈને એવી કલ્પના પણ ન હતી કે માઉન્ટબેટન આટલી ઉતાવળે સત્તાના હસ્તાંતરણ માટેની તારીખ નક્કી ક૨શે. પંદ૨મી ઑગસ્ટે શુક્રવાર હતો અને ગ્રહયોગો અશુભ હતા એવું જ્યારે જ્યોતિષીઓએ જણાવ્યું ત્યારે સ્વતંત્રતા માટે એ દિવસ નક્કી કરવાનો ચોતરફથી વિરોધ પણ થયો હતો. એક જ્યોતિષીએ તો માઉન્ટબેટનને પત્ર લખી જણાવ્યું હતું કે આ અશુભ દિવસે હિંદને સ્વતંત્રતા અપાશે તો મોટી કુદરતી આપત્તિઓ ઉપરાંત કત્લેઆમ થશે. જોકે, આ તારીખમાં કોઈ ફેરફાર કરાયો નહીં. નિયતિએ હિંદના ભાગલા અને સ્વતંત્રતા માટે ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મી તારીખ નક્કી કરી હશે ? માઉન્ટબેટનની જાહેરાત પછી હિંદ અને પાકિસ્તાન વચ્ચે અસ્ક્યામતો અને જવાબદારીની વહેંચણીનું કામ ઝડપથી હાથ ધરાયું. હિંદ વતી એચ. એમ. પટેલ અને પાકિસ્તાન વતી મહમ્મદ અલી ઝીણાએ આમાં મોટો ભાગ ભજવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાને બંનેએ એક બંધ કમરામાં બેસી આખરી સમજૂતી કરી. હિંદ અને પાકિસ્તાનની ભૌગોલિક સીમાઓનું રેખાંકન ઇન્ડિયા હાઉસના પરમેનન્ટ  અંડ૨ સેક્રેટરી સ૨ સિરીલ રેડક્લીફે કર્યું. દેશી ૨જવાડાંઓનું જોડાણ કરવાનું ઘણું કપરું કામ લોહપુરુષ સ૨દા૨ વલ્લભભાઈ પટેલે ખૂબ જ મક્કમતા અને કુનેહથી માઉન્ટબેટનના ઈશારે પા૨ પાડયું. સરદારે આ માટે કળનો અને જરૂ૨ પડી ત્યારે બળનો પણ પ્રયોગ કર્યો. સ્વાતંત્ર્યસંગ્રામ કોંગ્રેસના તિરંગા ધ્વજ હેઠળ ખેલાયો હતો. આ ઘ્વજની વચ્ચે રેંટિયાનું પ્રતીક હતું. દેશ સ્વતંત્ર થતાં રાષ્ટ્રઘ્વજમાં રેંટિયાનું ચિહ્ન ચાલુ રાખવું કે કોઈ ફેરફાર કરવો તેનો વિવાદ ચાલેલો. છેવટે અશોકચક્રનું ચિહ્ન નક્કી થયું. ગાંધીજી એથી નાખુશ થયા હતા એમ કોલિન્સ અને ડોમિનિકે નોંઘ્યું છે.

ઐતિહાસિક પળ

સત્તાના હસ્તાંતરણ માટેની પૂર્વ તૈયારીઓ સમાપ્ત થતાં ૧૪મી ઑગસ્ટની મધરાતે કોન્સ્ટીટયુઅન્ટ એસેમ્બલીમાં જવાહરલાલ નહેરૂએ નિયતિને કૉલ' તરીકે જાણીતું ઐતિહાસિક પ્રવચન કર્યું. ખૂબ જ ભાવુકતાભર્યા અને કાવ્યાત્મક શબ્દોમાં તેમણે કહ્યું, ઘણા લાંબા સમય પહેલાં આપણે નિયતિ સાથે કૉલ કર્યો હતો. દેશને સ્વતંત્ર કરાવવાનો) એ કૉલ પૂરો ક૨વાનો સમય હવે આવ્યો છે. આજે મધરાતે બારના ટકોરે વિશ્વ જ્યારે નિદ્રામાં પોઢયું હશે ત્યારે ભારત (નવ)જીવન અને સ્વાતંત્ર્ય સાથે જાગશે...' બરાબર બારના ટકોરે યુનિયન જેક ઉતારી રાષ્ટ્રઘ્વજ લહેરાવાયો અને સ્વતંત્ર ભારતના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગાજી ઉઠયું.

સમર્થ રાજકીય નેતૃત્વના અભાવે આઝાદીની અર્ધશતાબ્દીએ દેશ અનિશ્ચિતતા અને અવ્યવસ્થામાં અટવાઈ ગયો છે. રાજકીય અને વહીવટી ભ્રષ્ટાચાર અને સંસદીય સંસ્થાઓના અવમૂલ્યનથી સર્જાયેલી નિરાશાની કાલિમામાં આશાનું કિરણ ન્યાયતંત્રની જાગરૂકતા અને પ્રજાની કોઠાસૂઝ પૂરું પાડે છે. 

- મહેશ ઠાકર


Google NewsGoogle News