બ્લેક મેઇલિંગના ચક્કરમાં જયપુરમાં સર્જાઈ ગઈ એક કરુણાંતિકા
- ક્રાઈમવૉચ : મહેશ યાજ્ઞિક
- પૂનમના પ્રેમમાં પડવાની મૂર્ખામી બદલ આશિષ હવે પૂરેપૂરો અકળાયો હતો. સહનશીલતાની સીમા આવી ગઈ એટલે ડિસેમ્બરની ચોથી તારીખે ફાઈટ ટુ ફિનિશના નિર્ધાર સાથે એણે પૂનમને ખખડાવી નાખી
રા જસ્થાનના જયપુર શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તારીખ બાવીસમી ડિસેમ્બર, ૨૦૧૬ની સાંજે સાડા સાત વાગ્યે કડકડતી ઠંડી વચ્ચે પોલીસ કન્ટ્રોલ રૂમનો ફોન રણક્યો. 'નમસ્કાર. આપની શું સેવા કરી શકું?' ફરજ પરના હેડ કોન્સ્ટેબલે વિવેકથી પૂછયું. (રૂબરૂમાં પોલીસની ભાષા અલગ હોઈ શકે, પરંતુ ટેલિફોન પર અત્યંત વિનયથી જવાબ મળે છે.)
'એટીએસનો એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ આશિષ પ્રભાકર બોલું. એડ્રેસ સમજી લો. શિવદાસપુરામાં વિધાણી ચાર રસ્તા પાસે એક સ્કોર્પિયો કારમાં બે લાશ પડી છે. પીસીઆર વાનને ત્યાં મોકલો.' હેડ કોન્સ્ટેબલ આગળ કંઈ પૂછે એ અગાઉ ફોન કટ થઈ ગયો. એ.એસ.પી. ના નામે કોઈ ટિખળીએ મજાક તો નથી કરીને? હેડ કોન્સ્ટેબલે પોલીસ અધિકારીઓના ફોન નંબરના લિસ્ટમાં આ નંબર ચેક કર્યો તો એ આશિષ પ્રભાકરનો જ હતો. ખાતરી થયા પછી તરત જ એણે પીસીઆર વાન માટે આ સંદેશ વહેતો મૂક્યો.
શિવદાસપુરા એટલે જયપુરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર આવેલું ગામ. ત્યાં વિધાણી ચાર રસ્તા પાસે પીસીઆર વાન તો પહોંચી પણ ત્યાં કોઈ સ્કોર્પિયો કાર દેખાઈ નહીં. એ લોકો પાછા જતા હતા એ વખતે એક કોન્સ્ટેબલનું ધ્યાન ગયું કે થોડે દૂર એક નવી બંધાતી હોસ્પિટલની પાસે અંધારામાં એક કાર ઊભી છે. નજીક જઈને જોયું તો લાલ લાઈટવાળી સરકારી કાર જ હતી. વાન ત્યાં પહોંચી. નીચે ઊતરીને બધા કાર પાસે ગયા. અંધારું હતું એટલે ટોર્ચનો પ્રકાશ ફેંકીને અંદર નજર કરી તો સ્ટિયરિંગ પર માથું ઢાળેલી એક પુરુષની લાશ લોહીથી લથબથ હતી. એ પુરુષના ખોળામાં ઢળી પડેલી યુવતીની લાશ પણ લોહીથી લથબથ હતી. બે લાશ જોઈને તરત જ ફોન જોડાયો. લાલ લાઈટવાળી સરકારી કારમાં બે લાશનો મામલો હતો એટલે પંદર મિનિટમાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ત્યાં આવી પહોંચ્યો.
'ઓહ માય ગૉડ! આ તો આશિષ પ્રભાકર છે!' લાશને જોઈને એક અધિકારીનો અવાજ આશ્ચર્ય અને પીડાથી તરડાઈ ગયો. 'એણે આ શું કર્યું?'
ચાલીસ વર્ષનો આશિષ પ્રભાકર રાજસ્થાન એન્ટી ટેરર સ્ક્વૉડનો જાંબાઝ એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ હતો. સ્ટિયરિંગ ઉપર એનું માથું ઢળેલું હતું. જમણા હાથમાં એની સર્વિસ રિવોલ્વર હતી. એ જ રિવોલ્વરથી એણે પોતાના જમણા કાન પાસે ગોળી મારી હતી. એના ખોળામાં ઢળી પડેલી રૂપાળી યુવતીના પણ જમણા કાન પાસે જ બુલેટ ધરબી દેવામાં આવેલી હતી! બંને લાશનું પ્રાથમિક નિરીક્ષણ કર્યા પછી ત્યાં ઊભેલા પોલીસ અધિકારીઓએ તારણ કાઢયું કે એ યુવતીની હત્યા કર્યા પછી આશિષ પ્રભાકરે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હશે અને એ પછી તરત જ પોતાના માથામાં ગોળી ધરબી દીધી હશે!
આ યુવતી કોણ હશે? જે અધિકારીઓને આશિષ પ્રભાકરના પરિવારનો પરિચય હતો એમણે તરત જ કહ્યું કે આ આશિષની પત્ની નથી!
ફોરેન્સિકની ટીમ પણ આવી ચૂકી હતી. એના નિષ્ણાતોએ પણ બંને લાશની દશા જોઈને પોલીસ અધિકારીઓની પ્રારંભિક ધારણા-હત્યા અને પછી આત્મહત્યાની ધારણાને સમર્થન આપ્યું. કારની તપાસમાં અંદરથી આશિષની બ્રીફકેસ ઉપરાંત બિયરના ત્રણ ખાલી ટિન મળ્યા. આશિષની બ્રીફકેસમાં ઑફિસના પેપર્સ ઉપરાંત બે સ્યુસાઈડ નોટ પણ મળી. પહેલી તેર લીટીની નોટ પોલીસ માટે હતી અને બીજી પાંચ લીટીની નોટ એણે પરિવાર માટે લખી હતી.
પોલીસને સંબોધીને એણે લખ્યું હતું કે આ સ્ત્રી- પૂનમ શર્માએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. પોતાના રૂપાળા શરીરનો ઉપયોગ કરીને એણે અનેક અધિકારીઓને પોતાની જાળમાં ફસાવ્યા છે. બ્લેક મેઈલિંગ કરીને એણે જે આર્થિક અને માનસિક ત્રાસ આપ્યો છે એ વેંઢારવાની મારી તાકાત નથી. એક પોલીસ અધિકારી તરીકે મારી ફરજ સમજીને મેં એને ખતમ કરી નાખી છે! આટલું લખીને એણે પાંચ નામ અને સાત ફોન નંબર લખીને ઉમેરેલું કે આ બધાની કોલ ડિટેઈલ્સ કઢાવશો તો સાચી હકીકત જાણવા મળશે.
પત્ની અનીતાને ઉદ્દેશીને એણે માફી માગીને લખ્યું હતું કે મેં ખોટો રસ્તો પસંદ કરેલો એ બદલ માફ કરજે. આ સ્ત્રીએ મને જે પીડા આપી છે એ સહન કરવાની મારી શક્તિ નથી એટલે એને ખતમ કરીને હું પણ વિદાય લઉં છું.
પોલીસે અનીતાને જાણ કરી દીધી હતી. એ જયપુરમાં પોતાના પિયરમાં હતી. પોતાના પિયરના સગાઓને લઈને એ ત્યાં આવી ગઈ.
જેની હત્યા કરવામાં આવી છે એ યુવતીનું નામ પૂનમ શર્મા છે એ જાણકારી મળ્યા પછી પોલીસે એની કુંડળી મેળવીને એના પરિવારને પણ જાણ કરી.
સત્યાવીસ વર્ષની પૂનમ એટલે અલ્વર જિલ્લાના રામપુરા ગામની. સમાચાર મળ્યા એટલે એ લોકો પણ જયપુર આવી પહોંચ્યા. ઘટના સ્થળે બધી વિધિ પતાવીને બંને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી. પોસ્ટમોર્ટમ પછી પૂનમની લાશને એના પરિવારજનો રામપુરા લઈ ગયા. આશિષ પ્રભાકરની અંતિમ વિધિ જયપુરમાં કરવામાં આવી ત્યારે સ્મશાનમાં ઉપસ્થિત ડઝનબંધ પોલીસોની આંખમાં પીડા હતી. પૂનમ શર્માની હત્યા કર્યા પછી પોતે આત્મહત્યા કરવાની પહેલા કન્ટ્રોલ રૂમમાં કાર અંગે જાણ કરેલી એ મુદ્દાની પણ ચર્ચા થતી હતી.
આ ઘટનાના મૂળ સુધી જઈએ. જયપુરમાં અલ્વર ગેટ પાસે રહેતા પ્રતિષ્ઠિત સાહિત્યકાર પ્રફૂલ્લ પ્રભાકરને સંતાનમાં એક પુત્ર અને બે દીકરીઓ. બંને પરણેલી. ઘરમાં સાહિત્યનું જ વાતાવરણ એટલે પુત્ર આશિષ પણ સાહિત્યના રંગે રંગાયેલો. સેન્ટ એન્સલમ સ્કૂલ પછી ડી.એ.વી. કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થયા પછી એણે પત્રકારત્વનો કોર્સ કર્યો અને જયપુરના એક દૈનિકમાં ટ્રેઈની પત્રકાર તરીકે નોકરી શરૂ કરી. એક વર્ષ પત્રકારત્વ કર્યા પછી રાજસ્થાન પોલીસ સર્વિસમાં નિમણૂંક મળી એટલે કલમ મૂકીને હાથમાં રિવોલ્વર પકડી! પરિવારે પસંદ કરેલી અનીતા સાથે સુખી લગ્નજીવનનો આરંભ કર્યો.
ઈ.સ.૨૦૧૨માં આશિષ જયપુરના માણેકચોક પોલીસસ્ટેશનમાં આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ તરીકે ફરજ બજાવતા હતા. એ વખતે ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પીડનની ફરિયાદ લઈને પૂનમ ત્યાં આવેલી. અલ્વરના રામપુરા ગામના લક્ષ્મણપ્રસાદ શર્માની આ દીકરીના લગ્ન આઠેક મહિના અગાઉ થયા હતા પણ પતિ સાથે એને બનતું નહોતું. પોલીસ સ્ટેશનમાં આશિષ અને પૂનમની પહેલી મુલાકાત થયેલી.
આપણા ગુજરાતમાં જીપીએસસી છે, એ રીતે રાજસ્થાનમાં સરકારી નોકરી માટે રાજસ્થાન એડમિનિસ્ટ્રેશન સર્વિસ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લે છે. જયપુરમાં ઉમેદવારોને સહાયરૂપ થવા માટે આશિષ એના એક મિત્ર સાથે કોચિંગ સેન્ટર પણ ચલાવતો હતો. પૂનમ પરીક્ષાની તૈયારી કરી રહી હતી અને એ કોચિંગ ક્લાસમાં જોડાઈ એ પછી બંને વચ્ચે પરિચય વધ્યો, મિત્રતા થઈ અને એ પ્રેમમાં પલટાઈ ગઈ. એ દરમ્યાન પૂનમના છૂટાછેડા પણ થઈ ચૂક્યા હતા.
આશિષની નોકરી જવાબદાર પોલીસ અધિકારી તરીકેની એટલે એને ઘેર આવવા-જવાનો સમય નિશ્ચિત ના હોય. એને લીધે બિચારી અનીતા અંધારામાં રહી અને આશિષ-પૂનમનો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો.
રાજસ્થાન એ.ટી.એસ.માં એડિશનલ એસ.પી. તરીકે આવ્યા પછી આશિષે જાંબાઝ અધિકારી તરીકે સિક્કો જમાવી દીધો હતો. જયપુરમાં તો વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. એમાં આતંકવાદી પ્રવૃત્તિને ઊગતી જ ડામવી પડે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સાથે મળીને રાજસ્થાનમાંથી ઈન્ડિયન મુઝાહિદ્દિન (IM) અને ઈસ્લામિક સ્ટેટ (ISIS)નું નેટવર્ક પકડીને એને તોડી પાડવામાં પણ આશિષનો સિંહફાળો હતો. એ ઓપરેશનમાં આઈ.એમ.ના લીડર તહસિન અખ્તર અને બોમ્બ બનાવનાર વકાસ ઉપરાંત જયપુર અને સિકર ઉપરાંત ગુલબર્ગામાંથી પણ સંખ્યાબંધ એક્ટિવિસ્ટોની ધરપકડ થયેલી. ઈન્ડિયન ઑઈલ કેસમાં સિરાજુદ્દિનની તપાસ પણ આશિષ જ સંભાળી રહ્યો હતો. પોલીસોની હત્યા કરીને ભાગેલા ખૂંખાર ગેંગસ્ટર આનંદપાલના અનેક સાથીઓને આશિષે જેલમાં ધકેલ્યા હતા.
૨૦૧૬ના ફેબ્રુઆરી મહિનામાં રાજસ્થાન પોલીસ એકેડેમીમાં આશિષને દસ મહિનાની વિશિષ્ટ તાલીમ માટે જવાનું હતું. પૂનમ લગ્ન કરવા માટે જીદ કરતી હતી. જૂન મહિનાથી પૂનમ વધુ આક્રમક બનીને આશિષને માનસિક ત્રાસ આપી રહી હતી. અનીતાને છૂટાછેડા આપીને તું મારી સાથે લગ્ન કર.. એવી માગણી સાથે પૂનમનું ટોર્ચરિંગ દિવસે દિવસે વધી રહ્યું હતુંત પરંતુ એ વખતે આશિષને અણસાર આવી ચૂક્યો હતો કે પૂનમને માત્ર મારી સાથે જ સંબંધ નથી, અન્ય પાંચ-છ અધિકારીઓને પણ એણે લપેટમાં લીધા છે અને દરેકની સાથે એનું ઈલુ-ઈલુ પૂરબહારમાં ચાલુ છે! આવી સ્ત્રી માટે થઈને અનીતાને છૂટાછેડા આપવા એ તૈયાર નહોતો. આ બલા જોડે પ્રેમનું લફરું કરવાની પોતે ભૂલ કરી છે એવું એને ખુદને લાગતું હતું, પરંતુ સંબંધો એ કક્ષા સુધી વધી ચૂક્યા હતા કે ધડ દઈને પીછેહઠ કરવાનું કામ આસાન નહોતું.
આશિષ લગ્ન કરવા તૈયાર નહોતો એટલે ધૂંધવાયેલી પૂનમે બ્લેકમેઈલિંગનો આશરો લીધો. એણે ફોલ્ડરિયાઓને ભાડે રાખ્યા. આશિષની તાલીમ ચાલુ હતી એ દરમ્યાન રોશન, દીપક, ઉમેશ, મહેશ, નરસીરામ અને મુકેશ મીણા નામના આ યુવાનો વારંવાર ફોન કરીને આશિષને બ્લેકમેઈલ કરતા હતા. પૂનમના પ્રેમમાં પડવાની મૂર્ખામી બદલ આશિષ હવે પૂરેપૂરો અકળાયો હતો. સહનશીલતાની સીમા આવી ગઈ એટલે ડિસેમ્બરની ચોથી તારીખે ફાઈટ ટુ ફિનિશના નિર્ધાર સાથે એણે પૂનમને ખખડાવી નાખી અને આ ધંધા બંધ કરવા ધમકી આપી.
પૂનમ પણ છેલ્લા પાટલે બેઠી હતી. સાતમી ડિસેમ્બરે જયપુરના બજાજનગર પોલીસસ્ટેશનમાં જઈને પૂનમે ફરિયાદ નોંધાવી કે તમારા એક અધિકારી આશિષ પ્રભાકરે મને ટોર્ચરિંગ કરીને ધમકી આપી છે!
આશિષને આ વાતની ખબર પડી એટલે ભયાનક માનસિક ત્રાસથી એ ભાંગી પડયો. પારાવાર પસ્તાવાથી એ વલોવાઈ રહ્યો હતો. માનસિક શાંતિ મેળવવા માટે તાલીમ પડતી મૂકીને એ અચાનક ક્યાંક ગૂમ થઈ ગયો! એની પત્ની અનીતાએ પણ કન્ટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી કે મારા પતિ ગૂમ થઈ ગયા છે!
જયપુરના જલમહેલની પાસે ગુમસૂમ બેઠેલા આશિષ પર એક અધિકારી મિત્રની નજર પડી અને એ સમજાવીને આશિષને એટીએસ ઑફિસે લઈ આવ્યા. વીસ અને એકવીસ ડિસેમ્બરે અધિકારીઓ માટે ગ્લોક-એસ.એલ.આર.રિવોલ્વરના શૂટિંગની તાલીમ હતી. એ બંને દિવસ આશિષે તાલીમ લીધી. બાવીસ ડિસેમ્બર, ૨૦૧૬ના દિવસે સવારે સાડા દસ વાગ્યે એ ઑફિસમાં આવીને કામમાં વ્યસ્ત રહ્યા પછી બપોરે સાડા ત્રણ વાગ્યે સ્ટોરના રજિસ્ટરમાં નોંધ કરાવીને એણે ફૂલ્લી લોડેડ ગ્લોક રિવોલ્વર લીધી. પાંચ વાગ્યે ઑફિસમાંથી વિદાય લીધી અને લાલ લાઈટવાળી સરકારી સ્કોર્પિયો કાર સ્ટાર્ટ કરી. એ સમયે ઑફિસના મિત્રોને કલ્પના નહોતી કે આ અંતિમ વિદાય છે!
એ પછી શું બન્યું હશે એ અંગે પોલીસની ધારણા એવી છે કે આશિષે ફોન કરીને પૂનમને ક્યાંક બોલાવી હશે. પૂનમ આવીને કારમાં બેઠી એ પછી બે કલાક સુધી બિયર પીને આમતેમ ચક્કર મારીને આશિષે કારને શિવદાસપુરા તરફ લીધી. ચાર રસ્તાથી થોડે દૂર નવી બંધાતી હોસ્પિટલ પાસેની સૂમસામ જગ્યા પર એણે કાર રોકી. એ વિસ્તાર સાવ નિર્જન અને અંધારિયો હતો. તારાથી કંટાળીને હું આત્મહત્યા કરવાનો છું એમ કહીને આશિષે રિવોલ્વર બહાર કાઢી. એને અટકાવવા માટે પૂનમે પ્રયત્ન કર્યો હશે અને એમાં થોડી ઝપાઝપી પણ થયેલી. (એક બુલેટ કારની છતમાં ઘૂસેલી હતી અને એક બુલેટ કારના મિરરમાં વાગેલી હતી એના ઉપરથી પોલીસ આ તારણ પર આવી છે.) પ્રેમમાં ફસાવીને પછી માનસિક ત્રાસ અને બ્લેકમેઈલિંગથી ગળે આવી ચૂકેલા આશિષે પોઈન્ટબ્લેન્ક રેન્જથી પૂનમના જમણા કાન પાસે બુલેટ ધરબી દીધી! કારમાં બંને જોડાજોડ જ બેઠા હતા. લોહીના ફૂવારા સાથે પૂનમ આશિષના ખોળામાં ઢળી પડી. પૂનમની લાશ પર નજર ફેરવીને આશિષે સંતોષનો શ્વાસ લીધો. એનો આત્મહત્યાનો ઈરાદો મક્કમ હતો. એ છતાં, આ અવાવરૂ જગ્યાએ લાશ પડી રહે અને સડી જાય એ એને મંજૂર નહોતું. એણે કન્ટ્રોલરૂમમાં ફોન કરીને લોકેશન સમજાવીને કહ્યું કે ત્યાં કારમાં બે લાશ પડી છે! ફોન બાજુ પર મૂકીને એણે પોતાની ભૂલ બદલ અનીતા અને બાળકોની મનોમન માફી માગીને રિવોલ્વર હાથમાં લીધી. બીજી જ સેકન્ડે શ્વાસ અટકી જવાના છે એ ખબર હોવાથી હાથ લગીર કંપ્યો પણ હશે. મન મક્કમ કરીને જમણા કાન પાસે ગ્લોક રિવોલ્વરનું નાળચું અડાડીને એણે ટ્રિગર પર આંગળી દબાવી દીધી! એક જવાંમર્દ પોલીસ અધિકારીના આયખાનો અંત આવી ગયો!
પોલીસ કમિશનર સંજય અગ્રવાલે હત્યા અને આત્મહત્યાની આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તત્કાલિન ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ પોતાની પીડા વ્યક્ત કરીને કહ્યું કે આટલો સમર્થ માણસ પણ પોતાની એક ભૂલથી પારિવારિક પ્રશ્નોમાં ગૂંચવાઈને હતાશામાં ડૂબી ગયો હશે! રાજસ્થાનના એક આઈ.પી.એસ. અધિકારી દીપક ચૌધરીએ અફસોસની સાથે કહ્યું કે એક પોલીસ અધિકારી આવા પ્રશ્નોમાં પોલીસની મદદ લેવાને બદલે ટેન્શનમાં આવીને આવું અંતિમ પગલું ભરે ત્યારે સવાલ થાય છે કે આવું કેમ? આશિષે અન્ય અધિકારીઓની મદદ કેમ ના લીધી? પોલીસ ખાતાને એક સારા અધિકારીની ખોટ પડી.
પૂનમ શર્માના પરિવારે મીડિયાને એવું કહ્યું કે અમારી દીકરીને પૈસાની કોઈ ભૂખ નહોતી. આશિષે એને મારી નાખી, એ પોતે મરી તો ગયો પણ અમારી દીકરીને બદનામ કરતો ગયો!
ગુલાબી શહેર જયપુરમાં પ્રેમનું લફરું, દગાબાજી અને બ્લેકમેઈલિંગના આટાપાટામાં અટવાઈને એક કરૂણાંતિકા સર્જાઈ ગઈ!