'એ મિથિકલ ફીગર' : આ કલ્પના આવી ક્યાંથી ?
- સાન્તા-ક્લોઝ
- 'સાન્તા-ક્લોઝ' મૂળ તો સાઇબિરિયામાં દક્ષિણે યાકુત્સ નદીના તટે વસતા એક્સિમોના દેવ હતા
- પ્રભુ ઇસુ ખ્રિસ્તના જન્મ સમયે આકાશમાં, દેખાયેલા ક્રોસની ખગોળીય ઘટના કઇ રીતે બની ?
- દિનેશ દેસાઈ
તા. ૨૫મી ડીસેમ્બરે નાતાલ આવે છે તે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હોવાનું કહેવાય છે. તે દિવસે આકાશમાં 'ક્રોસ' દેખાયો હોવાનું કહેવાય છે તેમ ટેસ્ટામેન્ટમાં પણ જણાવવામાં આવ્યું છે. આ ખગોળીય ઘટના કંઈ રીતે બની તે વિષે જરા જોઈએ.
આપણે જાણીએ છીએ કે શનિનાં વલયો તેના વિષુવવૃત્તને સમાંતર ફરે છે. શનિની આગળ ગુરૂ આવે છે. ગુરૂના ઘણા ઉપગ્રહો વિષુવવૃત્તને સમાંતર નહીં પરંતુ, ધુ્રવથી ધુ્રવ તે રીતે ફરે છે. તેથી પ્રકાશપુંજ સીધી લીટીમાં દેખાય છે. આ બંને ગ્રહો કોઈ કોઈ વાર માત્ર જવલ્લે જ સીધી લીટીમાં આવી જાય છે. તેથી શનિનાં આડાં વલયો અને ગુરૂના ઊભા વલયો મળી આકાશમાં ક્રોસ રચે છે. આવી ઘટના પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે બની હશે.
ઈ.સ. પૂર્વે ૬૦૦માં પણ આવી ઘટના બની હોવા સંભવ છે. તે સમયે વિશ્વમાં મહાન તત્વજ્ઞાો જન્મ્યા. જાપાનમાં તાઓ, ચીનમાં લાઓત્સે અને કોન્ફુશિયસ ભારતમાં ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ અને ઈરાનમાં અશો જરથુ્રસ્ટ જન્મ્યા. શનિ-ગુરૂની યુતિ જેનાં જીવનમાં હોય તે ભાગ્યશાળી બને છે. તેમ પણ કહેવાય છે.
આપણે સાન્તાક્લોઝ વિષે જોઈએ. પુરાણ કથા પ્રમાણે તેઓ રેન્ડીયર્સ જોડેલી સ્લેજ ગાડી પર સરકતા આવે છે. તેઓએ લાલ કપડાં પહેર્યાં છે. માથે ટોપી પણ લાલ છે. દરેક નાતાલે તેઓ આવે છે, અને બાળકોને મીઠાઈઓ વહેંચે છે. તેવી ખ્રિસ્તી ધર્મમાં લોકકથા છે.
ખ્રિસ્તી ધર્મ તો ઈઝરાયલના માઉન્ટ કાર્મેલ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તીએ આપેલા પ્રવચનો સાથે ઉદ્ભવ્યો. માઉન્ટ કાર્મેલ તો ઈઝરાયલમાં છે. તે અર્ધરણ પ્રદેશ છે. ઈઝરાયલ પણ અર્ધ-રણ છે. તેની આસપાસ તો બધે રણ પ્રદેશ છે. દક્ષિણે અરબસ્તાનનું રણ છે. ઉત્તરે સીરીયા, પૂર્વે જોર્ડન અને ઈરાક તો પશ્ચિમે, ઈજીપ્તનો રણ પ્રદેશ છે તેમાં બરફથી સરકતી સ્લેજગાડી કે ધુ્રવ વિસ્તારમાં જ થતાં રેન્ડીયર્સ અને જાડા લાલ ડગલાનો વિચાર જ ક્યાંથી આવે ? રેન્ડીયર્સ યહુદીઓએ ત્યારે જોયા પણ ન હોય.
તો તેનો ઉત્તર તે છે કે આ 'સાન્તા-ક્લોઝ' મૂળ તો સાઇબિરિયામાં દક્ષિણે યાકુત્સ નદીના તટે વસતા એક્સિમોના દેવ હતા. તેઓની લોકકથાઓમાં તેઓ લાલ-ડગલો, લાલ પેન્ટ અને લાલ ટોપી પહેરે છે અને રેન્ડીયર્સથી ખેંચાતી સ્લેજ ગાડીમાં બેસી વિચરે છે. માર્ગમાં બાળકોને મીઠાઈઓ વહેંચતા જાય છે. આ માન્યતા પશ્ચિમ સાઇબેરીયામાં પ્રસરી ત્યાંથી વર્તમાન યુક્રેન વિસ્તારમાં પહોંચી અને ત્યાંથી કાળા સમુદ્રના માર્ગે તે ૩જી સદીમાં રોમન સામ્રાજયમાં પહોંચી.
તે સમયે 'ગ્રીક ક્રિશ્ચિયન' બિશપ સંત નિકોલસ, મીરા (જે હવે ડેમરે કહેવાય છે) ત્યાં (તુર્કીમાં) વસતા હતા. તેઓ ચર્ચને મળતી બધી રકમ ગરીબોને વહેંચી દેતા હતા. ગરીબી કન્યાઓને 'દહેજ' માટે પણ સહાય કરતા. તેઓ યુવાન વયથી જ સંસાર છોડી 'પ્રભુ' ભક્તિમાં લીન થયા હતા. તેઓએ સાઈબીરિયાના એસ્કિમોના દેવની વાત ખ્રિસ્તિ ધર્મ સાથે વણી લીધી. આ રીતે ૨૫મી ડીસેમ્બરે સ્લેજ પર વિચરતા સાન્તાકોઝની લોકકથા ખ્રિસ્તિ ધર્મ સાથે જોડાઈ ગઈ.
પહેલાં તો તેઓ 'ફાધર-ક્રિસમસ' તરીકે ઓળખાતા હતા. તે માટે સંત નિકોલસનું જ સ્વરૂપ કલ્પવામાં આવ્યું પછી તેઓને દાઢીવાળા અને મોટા પેટવાળા દર્શાવવામાં આવ્યાં, તેમ હેન્રી-લિવિંસ્ટન (જુ.)એ તેમના પુસ્તકમાં દર્શાવ્યા તે પછી ૧૮૨૩ની ૨૩મી ડીસેમ્બરે કલેમેન્ટ મૂરના પ્રસિદ્ધ થયેલાં પુસ્તક 'એ નાઇટ બીફોર ક્રિસમસ'માં સાન્તા ક્લોઝને લાલ ડગલો અને લાલ પેન્ટ સાથે માથે લાલ ટોપી પહેરેલા દર્શાવવામાં આવ્યા છે. લાલ ટોપી ઉપર સફેદ છોગું છે. ડગલાના 'કફ' સફેદ દેખાય છે. ગોળ-મટોળ છે. મોટી ફાંદવાળા છે, મોટી દાઢી રાખે છે.આમ સાન્તાક્લોઝની લોકકથા પૂર્વ સાઇબિરીયામાં પ્રગટી, રોમન સામ્રાજય દ્વારા ગોલ (ફ્રાંસ) પહોંચી, ફ્રાંસમાંથી ઈંગ્લેન્ડ, જર્મની અને સમગ્ર યુરોપ તથા ખ્રિસ્તી ધર્મ જ્યાં જ્યાં પ્રસર્યો ત્યાં ત્યાં આ લોકકથા સાથે સાન્તાક્લોઝ પણ પહોંચી ગયા છે.