ઝૂમનું નવું AI વર્ક પ્લેટફોર્મ

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
ઝૂમનું નવું AI વર્ક પ્લેટફોર્મ 1 - image


કોરોના સમયે આપણે સૌએ વર્ક-ફ્રોમ-હોમ શરૂ કર્યું એ સાથે વીડિયો કોન્ફરન્સિંગ એપ્સનો જુવાળ શરૂ થયો. વીડિયો કોન્ફરન્સિંગ એ પહેલાં પણ થતું હતું પરંતુ તેની ખરી ઉપયોગિતા આપણને કોરોના સમયે સમજાઈ. વીડિયો કોન્ફરન્સિંગનો સૌથો મોટો ફાયદો એ છે કે એક મીટિંગમાં સામેલ થનારા સૌ લોકો એક જગ્યાએ ભેગા થાય ત્યાં સુધી રાહ જોવી પડતી નથી. આવી મીટિંગમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી સામેલ થઈ શકે છે (લોકો કારમાં કે બાઇક પર પાછળ બેઠા હોય ત્યારે પણ ખોળામાં લેપટોપ રાખી વીડિયો મીટિંગમાં સામેલ થતા હોય છે!). વીડિયો મીટિંગમાં સમય અને સંસાધનની ખાસ્સી બચત થાય છે. આ જ કારણે કોરોના યુગ પૂરો થઈ ગયા પછી પણ આપણે વીડિયો મીટિંગ પૂરેપૂરી અપનાવી લીધી છે.

કોરોના સમયથી ઝૂમ વીડિયો મીટિંગ એપ સૌથી વધુ પોપ્યુલર બની. ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એપલ જેવી કંપનીનાં વીડિયો મીટિંગ ટૂલ્સ સામે ઝીંક ઝીલવા માટે ઝૂમમાં સતત નવાં નવાં ફીચર્સ ઉમેરાતાં રહ્યાં છે. નવા સમય મુજબ કંપનીએ વીડિયો મીટિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત ઘણાં ટૂલ્સ પણ ઉમેર્યાં છે. કંપનીનો પ્રયાસ એવો છે કે ઝૂમ એપ પર આપણે વીડિયો મીટિંગ ઉપરાંત બીજું ઘણું બધું કરી શકીએ. કંપની પોતાની એપને ડિજિટલ, ઓનલાઇન વર્કસ્પેસ બનાવવાની મથામણમાં છે.

તમે ઓફિસ ઉપયોગ માટે ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરતા હો તો જાણતા હશો કે તેમાં ઇમેઇલ, કેલેન્ડર, ડ્રાઇવ, નોટ્સ, ચેટિંગ, વીડિયો મીટિંગ વગેરે માટે વિવિધ સર્વિસ હોવા છતાં અને કંપની આ બધાને એકમેક સાથે ઇન્ટિગ્રેટ કરવા માટે સતત પ્રયાસ કરતી હોવા છતાં આપણું બધું કામ એક સાથે, એક જગ્યાએથી સહેલાઈથી થઈ શકતું નથી.

ઝૂમ કંપની આ ખામી પૂરી કરવા માગે છે. માર્ચ ૨૦૨૪ના અંતમાં કંપનીએ તેની એપને અલ્ટીમેટ પ્રોડક્ટિવિટી સુપર એપમાં ફેરવી નાખવા માટે ‘ઝૂમ વર્કપ્લેસ’ પ્લેટફોર્મની જાહેરાત કરી છે. કંપનીના કહેવા મુજબ આ એક કોલાબરેટિવ પ્લેટફોર્મ રહેશે અને તેમાં એઆઇનો મોટા પાયે ઉપયોગ થશે. આ કારણે વિવિધ ટીમ્સ તેમનું સંબંધિત બધુ કામકાજ એક જ એપમાં, એક જ પ્લેટફોર્મ પર કરી શકશે અને તેમને એઆઇ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની પણ મદદ મળશે. અલબત્ત હાલમાં આ પ્લેટફોર્મ ફક્ત ઝૂમના પેઇડ સબસ્ક્રાઇબર્સના ઉપલબ્ધ થશે. 


Google NewsGoogle News