એડ બ્લોકિંગ સર્વિસિસ સામે યુટ્યૂબનો જંગ
અત્યારે આપણે યુટ્યૂબના ફ્રી વર્ઝન પર કોઈ વીડિયો જોતા હોઇએ ત્યારે તેમાં
શરૂઆતમાં, વચ્ચે વચ્ચે કે અંતે જાહેરાતો
આવે છે. અમુક જાહેરાતોને આપણે અમુક
નિશ્ચિત સેકન્ડ પછી સ્કિપ કરી શકીએ છીએ. પરંતુ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે
ઇન્ટરનેટ પર લગભગ બધી જ સર્વિસની કમાણી જાહેરખબરો આધારિત છે!
યુટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર પણ વીડિયો ક્રિએટર્સ પોતાના વીડિયોમાં જાહેરાતો
દર્શાવવાનું સેટિંગ કરે છે, એ કારણે આપણે તેના પર ફ્રી
વીડિયો જોઇ શકીએ છીએ. આવી જાહેરાતોમાંથી વીડિયો ક્રિએટર અને યુટ્યૂબ બંને જંગી
કમાણી કરી શકે છે.
પરંતુ યુટ્યૂબ પર લાંબા સમયથી જાહેરાતોથી છૂટકારો મેળવવાના પણ પ્રયાસો થતા રહે
છે. આ માટે લોકો વિવિધ પ્રકારની એડ બ્લોકર સર્વિસનો ઉપયોગ કરે છે.
યુટ્યૂબ પર વીડિયોમાં જાહેરાત જોવા મળે ત્યારે વાસ્તવમાં મૂળ વીડિયો અને
જાહેરાતનો વીડિયો એ બંને અલગ અલગ વીડિયો હોય છે. આ વ્યવસ્થાનો લાભ લઇને કેટલીક
સર્વિસ મૂળ વીડિયોની અંદર સ્પોન્સરશીપના વીડિયો ઉમેરાય એ સાથે તે ઓટોમેટિકલી સ્કિપ
થાય તેવું પ્રોગ્રામિગ કરી,, તેને બ્રાઉઝરમાં એક્સટેન્શન
તરીકે ઓફર કરી હોય છે.
યુટ્યૂબ પર લોકો વીડિયોમાં જાહેરાતો ન જુએ તો યુટ્યૂબની કમાણી પર અસર થાય. આથી
કંપની પણ એડ બ્લોકર્સને જ બ્લોક કરવાની મથામણમાં રહે છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં
યુટ્યૂબે એડ બ્લોકર્સનો સામનો કરવા માટે થર્ડ પાર્ટી એડ બ્લોકિંગ એપ્સ મારફત
યુટ્યૂબના વીડિયો જોવામાં આવે ત્યારે તેમાં સતત બફરિંગ થાય કે વીડિયો જોઈ જ ન શકાય
તેવી ગોઠવણ કરી હતી.
હવે કંપની આ લડાઇ એક નવા લેવલે લઈ જવા માગે છે. એ મુજબ યુટ્યૂબ પર કોઈ વીડિયો
પ્લે થશે ત્યારે તેમાં વચ્ચે વચ્ચે ઉમેરાતી જાહેરખબરો અલગ વીડિયો તરીકે નહીં પરંતુ
મૂળ વીડિયોની એક જ સ્ટ્રીમમાં છેક સર્વરથી ઉમેરવામાં આવશે. આમ જાહેરાતના વીડિયો
અલગ પાર્ટ ન રહેવાને કારણે એડ બ્લોકિંગ સર્વિસ તેને અલગ તારવીને સ્કિપ કે બંધ કરી
શકશે નહીં. એડ બ્લોકિંગ સર્વિસ આનો કોઈ તોડ શોધી કાઢે નહીં ત્યાં સુધી યુટ્યૂબનો
હાથ ઉપર રહે તેવી શક્યતા છે.