વીડિયો જોતા સૂવાની ટેવથી ઉંઘ બગડે છે?, તો યૂટ્યુબના નવા સ્લીપ ટાઇમરનો ઉપયોગ કરો
Youtube Sleep Feature: યુ-ટ્યુબ હાલમાં એક નવું ફીચર લઈને આવ્યું છે. આ ફીચર છે સ્લીપ ટાઇમર. વીડિયો જોતા જોતા ઊંઘી જનાર વ્યક્તિ માટે આ ફીચર બનાવવામાં આવ્યું છે. યુઝરના નક્કી કરેલાં સમય પર વીડિયો બંધ થઈ જશે. જોકે આ ફીચર દરેક વ્યક્તિ માટે નથી. તેમજ એનો ઉપયોગ ચોક્કસ સમય પૂરતો થઈ શકશે.
શા માટે આ ફીચર બનાવવામાં આવ્યું?
ઘણાં લોકોને સૂતા પહેલાં વીડિયો જોવાની આદાત હોય છે. આ વીડિયોની લંબાઈ કોઈ પણ હોઈ શકે છે. યુ-ટ્યુબ પર આખેઆખી ફિલ્મો પણ જોઈ શકાય છે. હવે, જે વ્યક્તિ ફિલ્મ જોતો હોય અને સુઈ ગયો તો વીડિયો ચાલું જ રહે છે અને ડેટા અને બેટરી બન્નેનો બગાડ થાય છે. આથી યુ-ટ્યુબે સ્લીપ ટાઇમર ફીચર લોન્ચ કર્યું છે જેની મદદથી યુઝર વીડિયો જોતા જોતા સુઈ જાય તો પણ નક્કી કરેલા સમયે વીડિયો ઓટોમેટિક બંધ થઈ જશે.
કોણ ઉપયોગ કરી શકશે આ ફીચરનો?
આ ફીચરનો ઉપયોગ ફક્ત યુ-ટ્યુબ પ્રીમિયમ યુઝર્સ જ ઉપયોગ કરી શકશે. ગૂગલ હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે અને એથી એ ફીચર બે સપ્ટેમ્બર સુધી જ ઉપલબ્ધ છે. યુઝર્સના રિવ્યુ બાદ અને કેટલા લોકો આ ફીચરનો ઉપયોગ કરે છે એ જોયા બાદ એને દુનિયાભરના યુઝર્સ માટે લોન્ચ કરવું કે નહીં એ નક્કી કરવામાં આવશે. જોકે આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર દ્વારા પહેલાં યુ-ટ્યુબના સેટિંગ્સમાં જઈને ‘ટ્રાય એક્સપેરિમેન્ટલ ન્યૂ ફીચર‘ પર ક્લિક કરવાનું રહેશે ત્યાર બાદ જ આ ફીચર ઉપલબ્ધ રહેશે.
ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો?
આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે સૌથી પહેલાં વીડિયો શરૂ કરવાનો રહેશે. વીડિયોની સ્ક્રીન પર ગિયરનું સિમ્બોલ હશે જે સેટિંગ્સ માટેનું છે. એના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ સ્લીપ ટાઇમર ઓપ્શન પર ક્લિક કરવું. એમાં 10, 15, 20, 30, 45 અને 60 મિનિટની ચોઈઝ આપવામાં આવી છે. એમાંથી જે પણ પસંદ કરવામાં આવશે એટલી મિનિટ પછી આ વીડિયો બંધ થઈ જશે. જોકે આ માટે યુઝરે તેના ગૂગલ એકાઉન્ટમાં લોગ ઈન કરેલું હોવું જરૂરી છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ પણ આવી રહ્યું છે
યુ-ટ્યુબ દ્વારા નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. આ ટૂલ ગૂગલ જેમિનીની મદદથી કામ કરશે. આ ફીચર ખાસ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે મદદરૂપ છે. વીડિયોની આઉટલાઇન લખવા માટે તેમ જ વીડિયોનું ટાઇટલ શું હોઈ શકે અને વીડિયોની થમ્બનેલ માટે પણ સજેશન આપશે.વીડિયો આઉટલાઇન એટલે કે વીડિયોમાં શું – શું ડેટા છે એનું ડિસ્ક્રીપ્શન. ઉદાહરણ તરીકે કોઈ વાનગીનો વીડિયો હોય તો નીચે લખવામાં આવ્યું હશે કે કઇ સામગ્રી અને કેટલા ગ્રામ વગરે વગેરે. આ ડેટાને વીડિયો આઉટલાઇન કહેવાય છે.