ગૂગલે યુટ્યૂબ પરથી કાઢ્યા 90 લાખ વીડિયો, આ લિસ્ટમાં સૌથી વધુ વીડિયો ડિલીટ થયા ભારતના
Youtube Delete Videos: ગૂગલના યુટ્યૂબ દ્વારા હાલમાં એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. એમાં તેમણે ગયા વર્ષમાં ઓક્ટોબરથી નવેમ્બર સુધી જે વીડિયો કાઢ્યા છે એ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે ત્રણ મહિનામાં 90 લાખથી વધુ વીડિયો ડિલીટ કર્યા છે.
સૌથી વધુ વીડિયો ડિલીટ થયા ભારતના
યુટ્યૂબ દ્વારા 90 લાખ વીડિયો ડિલીટ કરવામાં આવ્યા છે અને એમાંથી 30 લાખ ફક્ત ભારતના છે. બીજા ક્રમે દસ લાખ વીડિયો સાથે બ્રાઝીલ અને 9 લાખ વીડિયો સાથે અમેરિકા ત્રીજા ક્રમે છે. આ સિવાય પણ ઘણાં દેશના વીડિયો કાઢવામાં આવ્યાં છે, પરંતુ આ ત્રણ દેશ ખૂબ જ મોખરે છે.
ચાઇલ્ડ સેફ્ટીને લઈને સૌથી વધુ વીડિયો ડિલીટ
યુટ્યૂબ દ્વારા જે વીડિયો કાઢવામાં આવ્યાં છે એ તમામમાં 54 ટકા વીડિયો ચાઇલ્ડ સેફ્ટીને લઈને છે. બાળકોની સેફ્ટીને લઈને જે પણ વીડિયો તેમના શંકાસ્પદ લાગ્યા એ તમામ કાઢી નાખવામાં આવ્યાં હતાં. આ સાથે જ કેટલાક ખતરનાક કન્ટેન્ટ પણ હતા જે કોઈના પણ માટે જોખમી સાબીત થઈ શકે છે. આ પ્રકારના 16 ટકા કન્ટેન્ટને કાઢવામાં આવ્યાં છે. મારપીટ, નગ્નતા, હેરેસમેન્ટ અને સાઇબરબુલિંગના પણ તમામ વીડિયોને કાઢવામાં આવ્યાં છે. હેટસ્પીચ અને ખોટી માહિતી વાળા વીડિયો પણ એમાંથી બાકાત નથી. યુટ્યૂબ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તેમના 96.5 ટકા વીડિયો તેમની સિસ્ટમ દ્વારા ઓટોમેટિક કાઢી નાખવામાં આવ્યાં હતાં. એમાં કોઈ વ્યક્તિની જરૂર નહોતી પડી. એમાંના 55 ટકા વીડિયોને કોઈ પણ વ્યુઝ મળે એ પહેલાં જ કાઢી નાખવામાં આવ્યા હતા.
ચેનલને કાઢવાની સંખ્યામાં થયો ઘટાડો
યુટ્યૂબ દ્વારા વીડિયોની સાથે ચેનલને પણ કાઢી નાખવામાં આવે છે. જે ચેનલ સતત આ પ્રકારના જ વીડિયો અપલોડ કરતી હોય અને તેમને સતત વોર્નિગ આપવા છતાં પણ એને નજર અંદાજ કરી ગાઇડલાઇન બહારના વીડિયો શેર કરતી હોય તેમની ચેનલને પણ કાઢી નાખવામાં આવે છે. ગયા વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં યુટ્યૂબ દ્વારા 48 લાખ ચેનલને ડિલીટ કરવામાં આવી છે. 2023માં આ મહિના દરમ્યાન બે કરોડ ચેનલને કાઢવામાં આવી હતી. એની સરખામણીએ ગયા વર્ષે ખૂબ જ ઓછી ચેનલને કાઢવામાં આવી છે. 2024માં સૌથી વધુ ચેનલ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં કાઢવામાં આવી હતી. આ આંકડો 1.58 કરોડ ચેનલનો છે.
આ પણ વાંચો: AIની મદદથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે અમેરિકા, જાણો કેમ…
કમેન્ટને કરવામાં આવી રહી છે મોડરેટ
યુટ્યૂબ દ્વારા હવે તમામ વીડિયો પરની કન્ટેન્ટને પણ ડિલીટ કરવામાં આવી રહી છે. આ મોડરેશન દરમ્યાન યુટ્યૂબ દ્વારા અંદાજે 1.25 અબજ કમેન્ટ ડિલીટ કરવામાં આવી છે. એમાંથી 81.7 ટકા કમેન્ટ સ્પેમ હતી. યુટ્યૂબે આપેલી માહિતી મુજબ 99.7 ટકા કમેન્ટ તેમની સિસ્ટમ દ્વારા ઓટોમેટિક કાઢી નાખવામાં આવી હતી. યુટ્યૂબ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એને કારણે ગાઇડલાઇનનો ભંગ કરનાર કમેન્ટ કે કન્ટેન્ટને ડિલીટ કરવા માટે મનુષ્યની ઓછી જરૂર પડે છે.