ક્રિએટર્સને વધુ આકર્ષવાની કોશિશ: ટિક-ટોક જેવા ફીચર્સ લોન્ચ કરી રહ્યું છે યુટ્યુબ શોર્ટ્સ
YouTube New Editing Tool: યુટ્યુબ શોર્ટ્સ હાલમાં એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે અને તેના દ્વારા ઘણા યુઝર્સને આકર્ષવાની કોશિશ કરી રહી છે. આ માટે શોર્ટ્સમાં ઘણાં સુધારા પણ કરાયા છે. ટિક-ટોકને અમેરિકામાં બેન કરવામાં આવ્યું છે. એ બેન થયા બાદથી આજ સુધી, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવી કંપનીઓ ટિક-ટોકના યુઝર્સને આકર્ષવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.
કન્ટેન્ટ બનાવવા માટે વીડિયો એડિટર ટૂલમાં સુધારા
નવા એડિટર ટૂલમાં ક્રિએટર્સને વીડિયો એડિટ કરવામાં સરળતા રહે તે માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આ ટૂલ દ્વારા યુઝર્સ ક્લિપના ટાઈમિંગ કરી શકશે, તેમજ એને રિઅરેન્જ અને ડિલિટ પણ કરી શકશે. આ ક્લિપમાં મ્યુઝિક અથવા ટેક્સ્ટનો સમાવેશ પણ કરી શકાય છે. એડિટિંગ બાદ તેને શેર કર્યા પહેલાં તેનો પ્રિવ્યુ જોવો પણ શક્ય છે. યુટ્યુબ શોર્ટ્સના ક્રિએટર્સ દ્વારા આ ટૂલની ડિમાન્ડ હતી અને તે મુજબ તેને રજૂ કરવામાં આવ્યું છે. સાથે, ભવિષ્યમાં વધુ નવા ફીચર્સ પણ રજૂ થશે.
AI સ્ટિકર્સ અને મ્યુઝિકનો સમાવેશ
યુટ્યુબ શોર્ટ્સમાં ખૂબ જલદી યુઝર્સ શબ્દોના કમાન્ડ વડે પોતાની ઇચ્છા મુજબના સ્ટિકર્સ બનાવી શકશે. આ માટે યુઝર્સની ક્રિએટિવિટી મહત્વની રહેશે. ક્રિએટર્સ હવે તેમના વીડિયોમાં ઇમેજ સ્ટિકર્સ પણ ઉમેરી શકશે. કેમેરા રોલમાંથી ફોટો અપલોડ કરીને સ્ટિકર્સનો સમાવેશ કરવામાં આવશે. યુટ્યુબ દ્વારા ઓટોમેટિક સોન્ગ સિંક્રનાઈઝેશન માટેનું ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. યુઝર્સે તેમના વીડિયો અને સોન્ગ પસંદ કરવા જોઈએ, પછી તે ઓટોમેટિક સિંક્રનાઈઝ થાય છે. આ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરાયો છે.
આ પણ વાંચો: ઇનસ્ટન્ટ લોન આપતી ખોટી એપ્લિકેશનને કેવી રીતે ઓળખશો?: એનાથી બચવા માટે આટલું કરો...
ટેમ્પલેટમાં પણ કરવામાં આવ્યા સુધારા
યુટ્યુબ દ્વારા હવે શોર્ટ્સ માટેની ટેમ્પલેટ્સમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. ટેમ્પલેટ્સની મદદથી યુઝર્સ તેમના ફોટા અથવા તો વીડિયોને સીધા મૂકી શકે છે અને તેમનો વીડિયો ઓટોમેટિક બની જાય છે. હવે ટેમ્પલેટ્સમાં ઇફેક્ટ્સનો પણ સમાવેશ થાય છે, જે ટિક-ટોકમાં જોવા મળે છે. યુઝર્સ હવે શોર્ટ્સમાં તે જ પ્રકારે ઇફેક્ટ્સનો ઉપયોગ કરી શકે છે. આ ફીચર્સ આગામી થોડા અઠવાડિયામાં લોન્ચ થશે.