ટિકટોકને ટક્કર આપવા માટે યૂટ્યુબનો નવો દાવ : શોર્ટ્સ વીડિયોની લંબાઈ વધારવાની સાથે ઉમેર્યુ ટેમ્પલેટ ફીચર
YouTUbe Shorts Time-Limit Increased: યૂટ્યુબ દ્વારા તેના શોર્ટ્સ વીડિયોની લંબાઈ હવે વધારી દેવામાં આવી છે. યુઝર્સ ખાસ કરીને ક્રિએટર્સે યૂટ્યુબ પાસેથી લાંબા વીડિયોની માંગણી કરી હતી, અને હવે તેમની ઇચ્છાને માન આપીને યૂટ્યુબે તેના શોર્ટ્સ વીડિયોની લંબાઈ વધારી છે. યૂટ્યુબનો આ નિર્ણય ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ રિલ્સને ટક્કર આપવા માટેનું કારણ પણ કહેવામાં આવી રહ્યું છે. ટિકટોક પર હાલમાં દસ મિનિટ સુધીનો વીડિયો શેર કરી શકાય છે, જેની લિમિટ છેલ્લા થોડા વર્ષોથી સતત વધારવામાં આવી છે.
યૂટ્યુબ શોર્ટ્સ
યૂટ્યુબ પર બે પ્રકારના વીડિયો છે: એક લાંબા વીડિયો અને એક શોર્ટ્સ. અત્યાર સુધી એક મિનિટના વીડિયોને શોર્ટ્સમાં ગણવામાં આવતાં હતાં અને એક મિનિટથી વધુના વીડિયોને લાંબા વીડિયોમાં ગણવામાં આવતા હતાં. હવે પંદરમી ઑક્ટોબરથી જે પણ વીડિયો ત્રણ મિનિટ સુધીનો હશે, એને શોર્ટ્સ ગણવામાં આવશે. ત્રણ મિનિટથી વધુના વીડિયોને લાંબા વીડિયોમાં ગણવામાં આવશે.
ઇન્કમમાં પણ બદલાવ
યૂટ્યુબ પર ક્રિએટર્સને જે રીતે પૈસા આપવામાં આવતાં હતાં, એમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. પંદરમી ઑક્ટોબર બાદ જે પણ વીડિયો ત્રણ મિનિટના હશે, એના પૈસા શોર્ટ્સના નિયમો મુજબ ગણવામાં આવશે. જોકે તે પહેલાંના વીડિયોનું મૂલ્યાંકન લાંબા ફોર્મેટ મુજબ જ કરવામાં આવશે.
ટેમ્પ્લેટનો ઉપયોગ
ઇન્સ્ટાગ્રામ પર ટેમ્પ્લેટ ફીચરનો ઉપયોગ કરીને જેમ રીલ્સ બનાવવામાં આવે છે, તે જ રીતે હવે યૂટ્યુબમાં પણ ટેમ્પ્લેટ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટેમ્પ્લેટમાં ક્રિએટર્સ જેવી હૂબહુ રિલ્સ બનાવી શકાય છે.
યૂટ્યુબની સ્ટ્રેટેજી
યૂટ્યુબના ડેટા અનુસાર, મોટાભાગના યુઝર્સ ત્રણ મિનિટ સુધીના વીડિયો જોવાનું પસંદ કરે છે. તેથી, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોકને ટક્કર આપવા માટે યૂટ્યુબે સ્ટ્રેટેજી બનાવી છે કે હવે શોર્ટ્સમાં પણ ત્રણ મિનિટ સુધીના વીડિયો બનાવી શકાશે.