તમારો ફોન તમારી બધી વાત સાંભળે છે, જુઓ હવે તો પુરાવો પણ મળી ગયો
Marketing Company Stole Voice Data: છેલ્લાં ઘણાં સમયથી લોકો એ નોટિસ કરી રહ્યા છે કે, તેમણે જે વસ્તુ સર્ચ ન કરી હોય એમ છતાં તેમને જે જોઈએ એ વસ્તુની જ તેમને એડ્સ આવતી હોય છે. પહેલાં એવું હતું કે આપણે જે વસ્તુ સર્ચ કરીએ એના આધારે આપણને એડ્સ જોવા મળતી હતી. જો કે હવે એવી વાત ચાલી રહી છે કે આપણે આપણા ફોનની નજીક જે વાતો કરીએ છીએ એ પણ હવે કંપનીઓ સાંભળી રહી છે. 404 મીડિયાના એક રિપોર્ટ મુજબ માર્કેટિંગ કંપનીએ એ વાતને સ્વીકારી છે કે તેઓ યુઝર્સની એક્ટિવિટીની સાથે તેમની વાતો પણ સાંભળે છે. એક માર્કેટિંગ ફર્મ જેના ક્લાઇન્ટ ગૂગલ અને ફેસબુક છે તેણે એ વાતને સ્વીકારી છે કે કંપનીઓ એક્ટિવ લિસ્ટનિંગ ટૅક્નોલૉજી દ્વારા દરેક વાત સાંભળે છે. જો કે એને કારણે યુઝરની પ્રાઇવસી અને સેફ્ટીને લઈને ઘણાં સવાલો ઊભા થઈ રહ્યા છે.
ફોન કેવી રીતે યુઝરની વાત સાંભળે છે?
કોક્સ મીડિયા ગ્રુપે એક ટૅક્નોલૉજી બનાવી છે જેની મદદથી મોબાઇલ ફોન, સ્માર્ટ ટીવી અને અન્ય ડિવાઇઝના માઇક્રોફોન દ્વારા વાતો સાંભળવામાં આવે છે અને એને એનલાઇઝ કરવામાં આવે છે. આ ટૅક્નોલૉજીને ‘એક્ટિવ લિસ્ટનિંગ’ કહેવામાં આવે છે. એમાં આર્ટિફિશિયલ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવે છે જે રિયલ-ટાઇમ ડેટા આપે છે જેમાં યુઝર શું ખરીદવા માગે છે એ વિશેની માહિતી કલેક્ટ કરવામાં આવે છે. આ સોફ્ટવેર એ વ્યક્તિને તે જે ખરીદવાની ઇચ્છા રાખતો હોય એ જ વસ્તુની એડ્સ સજેસ્ટ કરે છે.
એક્ટિવ લિસ્ટનિંગ ટૅક્નોલૉજી કેવી રીતે કામ કરે છે?
એક્ટિવ લિસ્ટનિંગ ટૅક્નોલૉજી વોઇસ ડેટા અને યુઝરની ઓનલાઇન એક્ટિવિટી બન્નેને ધ્યાનમાં રાખીને કામ કરે છે. 404 મીડિયાના રિપોર્ટ અનુસાર કોક્સ મીડિયા ગ્રુપે એ દાવો કર્યો છે કે આ બે વસ્તુને કારણે ઍડ્વર્ટાઇઝમેન્ટ કંપની ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ કરી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ મોબાઇલ ખરીદવાની વાત કરી હોય તો યુઝરને સતત એની જ એડ્સ આવશે. આ કંપનીએ જ્યારે તેના ઇનવેસ્ટર્સને ટૅક્નોલૉજી દેખાડી ત્યારે એ વાત બહાર આવી કે વોઇઝ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. તેમણે 470 સોર્સમાંથી આ વોઇઝ ડેટાને કલેક્ટ કર્યા હતા.
યુઝરની પ્રાઇવસી પર સવાલ
કોક્સ મીડિયા ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની નવી ઍપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે અથવા તો ઍપ્લિકેશન અપડેટ કરતી વખતે યુઝરે તેમને ડેટા મોનિટર કરવાની પરવાનગી આપી હતી. તેમણે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું જેને હવે ડીલીટ કરી દેવામાં આવ્યું છે. એ અનુસાર તેણે દરેક યુઝરને એ વિશે માહિતી આપી હતી, પરંતુ રજિસ્ટ્રેશન કરતી વખતે અથવા તો ઍપ્લિકેશન અપડેટ કરતી વખતે યુઝર એ માહિતી નથી વાંચતો અને ટર્મ એન્ડ કન્ડિશન પર ક્લિક કરી દે છે. જો કે કોઈ આ શરતો વાંચતું ન હોવાથી કંપનીઓ તેમની ઇચ્છા મુજબનું કામ કરી રહી છે જે યોગ્ય નથી.
આ પણ વાંચો: સેમસંગે લોન્ચ કર્યું ફોરકાસ્ટજીપીટી : સેલ્સ અને ફાયનાન્સની આગાહી કરશે
કયા દેશમાં શું નિયમ છે?
યુરોપિયન યુનિયન્સ જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનમાં હંમેશાં યુઝરના ડેટાને કેવી રીતે પ્રોટેક્ટ કરવો એની જ વાત કરવામાં આવે છે. એમાં સીધું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ રીતે યુઝરના ડેટાનો ઉપયોગ કરતાં પહેલાં તેમની પાસેથી પરવાનગી લેવી જરૂરી છે. એમાં કૂકીઝ અને ટ્રેકિંગ ટૅક્નોલૉજીનો પણ ઉપયોગ થાય છે. અમેરિકાના કેલિફોર્નિયા કન્ઝ્યુમર પ્રાઇવસી ઍક્ટમાં યુઝરને સ્વતંત્રતા આપવામાં આવી છે કે તેઓ થર્ડ પાર્ટીને ડેટા વેચવામાં આવે ત્યારે એ ન ઇચ્છતા હોય તો એમાંથી બહાર નીકળી શકે છે. ઇન્ડિયાના ડેટા પ્રોટેક્શન નિયમ મુજબ યુઝરના ડેટા લેવા માટે તેમની પાસે પરવાનગી લેવી જરૂરી છે. તેમ જ યુઝર ઇચ્છે ત્યારે પોતાના ડેટા શેર ન કરવા માટે એમાંથી બહાર નીકળી શકે છે.
ગૂગલ, મેટા અને એમેઝોને શું કહ્યું?
- કોક્સ મીડિયા ગ્રુપનો રિપોર્ટ બહાર આવ્યા બાદ એની ખૂબ જ ટીકા કરવામાં આવી છે. આ ટીકા બાદ ગૂગલે તેના ‘પાર્ટનર્સ પ્રોગ્રામ’માંથી એ કંપનીને બહાર કાઢી નાખી છે. ગૂગલનું કહેવું છે કે કાયદા અને રેગ્યુલેશનને ફોલો કરવું ખૂબ જ જરૂરી છે.
- ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટાએ પણ કોક્સ મીડિયા ગ્રુપને રીવ્યુ કરવાનું નક્કી કર્યું છે. જો યુઝર્સના માઇક્રોફોનનો ઉપયોગ કરવામાં ન આવ્યો હશે તો તેઓ તેમની સાથે કામ કરશે અને જો તેમણે નિયમનો ભંગ કર્યો હશે તો એક્શન લેવામાં આવશે.
- એમેઝોન દ્વારા હાલમાં કહેવામાં આવ્યું છે કે તેમણે કોક્સ મીડિયા ગ્રુપના આ પ્રોગ્રામ સાથે કોઈ લેવા દેવા નથી. તેમજ તેમણે એ પણ કહ્યું છે કે તેમનો કોઈ પણ પાર્ટનર કોઈ પણ રીતે નિયમનો ભંગ કરશે તો તેમના પર લીગલ એક્શન લેવામાં આવશે.