યાહૂએ સાયબર સિક્યોરિટી ટીમમાંથી 25 ટકા કર્મચારીઓને છૂટા કર્યા, હવે કરશે આઉટસોર્સ
Yahoo Layoffs: યાહૂ દ્વારા તેની સાયબર સિક્યોરિટી ટીમમાંથી 25 ટકા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. આ વર્ષની શરુઆતમાં યાહૂની સાયબર સિક્યોરિટી ડિપાર્ટમેન્ટમાં 200ની આસપાસ કર્મચારી હતા. જો કે આ વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે એમાંથી અત્યાર સુધીમાં 40થી 50 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. યાહૂમાંથી છૂટા થયેલા એક કર્મચારીએ નામ જાહેર કર્યા વગર આ વાતની પુષ્ટિ કરી હતી.
ટૅક્નોલૉજી યુનિટમાં બદલાવ
યાહૂના ચીફ ટૅક્નોલૉજી ઑફિસર વલેરી બિબોર્સ્કીએ કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાથી યાહૂની ટૅક્નોલૉજી યુનિટમાં બદલાવ થઈ રહ્યા છે. કંપનીના સ્ટાફને ઈમેઇલ દ્વારા આ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે ઈમેઇલમાં કહ્યું હતું કે આ નિર્ણયો સહેલા નહોતા અને એને હળવાશથી પણ લેવામાં નથી આવ્યા. યાહૂની સાયબર સિક્યોરિટી ટીમ, જેને ‘રેડ ટીમ’ કહેવામાં આવે છે, તેમાં ત્રણ રાઉન્ડમાં લોકોને છૂટા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વોટ્સએપ ગ્રૂપ કોલમાં જોરદાર સુધારા: જાણો નવા ફીચર્સ
આઉટસોર્સ કરવાની સ્ટ્રેટેજી
યાહૂએ એ વાતની પુષ્ટિ કરી છે કે તેણે કર્મચારીઓને છૂટા કર્યા છે. આ વિશે વાત કરતાં યાહૂના પ્રવક્તા બ્રેન્ડન લીએ કહ્યું હતું કે, ‘યાહૂમાં છેલ્લા સાત વર્ષથી ઘણાં બદલાવ થઈ રહ્યા છે. યાહૂ હવે તેના સિક્યોરિટી ઑપરેશનને આઉટસોર્સ મોડલમાં રૂપાંતર કરી રહ્યું છે. આ એક સ્ટ્રેટેજિક એડજસ્ટમેન્ટ છે. યાહૂએ ગયા વર્ષે તેના ટોટલ કર્મચારીઓમાંથી લગભગ 1600 કર્મચારીઓને છૂટા કર્યા હતા, જે કંપનીના 20 ટકા હતા. કંપની વધુ પ્રોફિટ કરી શકે અને અલગ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.’