ક્રાંતિકારી વિચાર: 3D પ્રિન્ટરમાંથી બિલ્ડરે બનાવી આખી સોસાયટી, મકાનો વેચાવા પણ લાગ્યા
3D પ્રિન્ટરથી બનાવવામાં આવેલી સોસાયટી |
World Largest Society: દુનિયાની સૌથી મોટી 3D પ્રિન્ટરથી બનાવવામાં આવી રહેલી સોસાયટીનું કામ હવે પૂરું થવા આવી રહ્યું છે. અમેરિકાના ટેક્સાસમાં આવેલા જ્યોર્જટાઉનમાં આ સોસાયટી બની રહી છે. કોમ્પ્યુટરનું પ્રિન્ટર જે રીતે કામ કરે છે એ જ રીતે આ 3D પ્રિન્ટર પણ કામ કરે છે. ફરક એટલો છે કે આ કન્સ્ટ્રક્શન માટેનું કામ કરે છે. આ 3D પ્રિન્ટર 45 ફૂટ લાંબું અને 4.75 ટન વજન ધરાવતું છે.
ઓસ્ટિનથી 30 મિનિટના અંતરે આવેલી વુલ્ફ રેન્ચમાં કમ્યુનિટી હાઉસિંગ બનાવવામાં આવી રહ્યાં છે. 2022ના નવેમ્બરથી એની શરૂઆત થઈ હતી અને સો ઘર થોડા દિવસોમાં જ પૂરા કરવામાં આવશે. સપ્ટેમ્બર સુધીમાં તમામ ઘર બનીને તૈયાર થઈ જશે.
કેમ 3D પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો?
3D પ્રિન્ટર ટેક્નોલોજીથી ખૂબ જ ઝડપથી કામ થાય છે. તેમ જ એ પ્રમાણમાં સસ્તી અને એ માટે ઓછા કામદારોની પણ જરૂર પડે છે. ઘર બનાવવાના મટિરિયલમાં પણ એના કારણે ખૂબ જ બચાવ થાય છે અને પરિણામે એમાં પણ કોસ્ટ બચાવી શકાય છે. દિવાલ બનાવવા માટે પાંચ વ્યક્તિની જરૂર પડતી હોય તો અહીં ફક્ત એક રોબોટ અને એક વ્યક્તિની જરૂર પડે છે. 3D પ્રિન્ટરમાં એ વ્યક્તિ સીમેન્ટ, પાણી અને જરૂરી સામગ્રી નાખે છે અને રોબોટ એ બનાવી દે છે.
કનસ્ટ્રક્શનના કામમાં આવતું 3D પ્રિન્ટર |
પ્રી-લોડેડ પ્રોગ્રામ
આ 3D પ્રિન્ટરમાં પહેલેથી પ્રોગ્રામ ફિક્સ કરેલા હોય છે. વોટર રેસિસટન્ટ દીવાલ, એક્સ્ટ્રીમ વેધર સહન કરનારી દિવાલ તેમ જ કેટલી જાડાઈ અને પહોળાઈ દરેક વસ્તુ ફિક્સ હોય છે એથી એ સિલેક્ટ કરતાં જ દિવાલ બનવાની શરૂ થઈ જાય છે. અમેરિકામાં ચક્રવાત વધુ આવે છે અને એથી ત્યાં એ મુજબની દિવાલ બનાવવામાં આવે છે.
શું આવી શકે છે તકલીફ?
3D પ્રિન્ટરની દીવાલો નોર્મલ દીવાલ કરતાં થોડી જાડી હોય છે. આથી સૌથી મહત્ત્વની વાત એ કે ઇન્ટરનેટ માટે તકલીફ પડી શકે છે. વાઇ-ફાઇના સિગ્નલ એક રૂમમાંથી બીજા રૂમમાં પકડાય એ માટે વાઇ-ફાઇ રેન્જ એક્સટેન્ડરનો ઉપયોગ કરવું પડી શકે છે.
આ સો ઘરમાંથી 25 ઘર તો વેચાઈ પણ ગયા છે અને બાકીના કામકાજ પૂરું થતાં વેચવા મૂકવામાં આવશે. 3D પ્રિન્ટર દ્વારા નાસા હવે ચંદ્ર પર અવકાશયાન માટે લેન્ડિંગ પેડ્સ, ઘર અને અન્ય કન્સ્ટ્રક્શન બનાવવાનું પણ વિચારી રહી છે.