અંતરિક્ષમાં 7-10 જાન્યુ.એ અદભુત પ્રયોગ થશે : 20 કિ.મી.દૂર બે ઉપગ્રહો જોડાઇ જશે
- સ્પેડેક્સ મિશન ઇસરોની અત્યાધુનિક ટેકનોલોજીની સુવર્ણ સિદ્ધિ બનશે
- સ્પેડેક્સ મિશનની ટેકનોલોજીનો ઉપયોગ ભાવિ ચંદ્રયાન-4 દ્વારા ચંદ્ર પરથી માટી,ખડકો લાવવાના પ્રોજેક્ટમાં થશે
મુંબઇ : ૨૦૨૪ની ૩૦, ડિસેમ્બરે, રાતના ૧૦:૦૦ વાગે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ--સી ૬૦(પીએસએલવી-સી૬૦) દ્વારા સ્પેસ ડોકિંંગ એક્સપરિમેન્ટ(સ્પેડેક્સ) મિશનને સંપૂર્ણ સલામતી અને સફળતા સાથે તરતું મૂકવામાં આવ્યું છે. સ્પેસડેક્સ મિશન અમારા શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટર પરનું ૯૯ મું સફળ મિશન છે. સ્પેડેક્સ મિશનમાં એસડીએક્સ૦૧--ચેઝર- અને એસડીએક્સ૦૨- ટાર્ગેટ--એમ બે સેટેલાઇટ્સ છે. બંને સેટલાઇટ્સનું વજન ૨૨૦-૨૨૦ કિલો છે.
૨૦૨૪નું વર્ષ વિદાય લઇ રહ્યું છે ત્યારે સ્પેડેક્સ મિશન અમારા માટે બહુ જ મહત્વનું બની રહેશ. ખાસ કરીને ૨૦૨૫ના નવા વર્ષના પહેલા જ સપ્તાહમાં જ ૭થી ૧૦, જાન્યુઆરી દરમિયાન અફાટ અંતરિક્ષમાં ૪૭૫ કિલોમીટરના અંતરે સ્પેડેક્સ મિશનના બંને સેટેલાઇટ્સનું ડોકિંગ(બંને સેટેલાઇટ્સ એકબીજા સાથે જોડાઇ જશે) થશે જે આપણા ભારત દેશ માટે અને ઇસરો માટે સોનેરી સફળતા બની રહેશે.
આ મિશન ભારતનાં ભાવિ ચંદ્રયાન-૪, ગગનયાન, ભારતીય અંતરિક્ષ સ્ટેશન, સમાનવ ચંદ્રયાન વગેરે મિશન્સ માટે બહુ ઉપયોગી અને માર્ગદર્શકરૂપ બની રહેશે.
ગઇકાલે ૩૦, ડિસેમ્બરે સ્પેડેક્સ સફળ રીતે લોન્ચ થયું ત્યારબાદ ઇસરોના મુખ્ય મથકમાં સાથી વિજ્ઞાાનીઓ સાથે વાતચીત કરતાં ઇસરોના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે ખુશી વ્યક્ત કરતાં આવી માહિતી આપી હતી.
* એસડીએક્સ૦૧--ચેઝર-અને એસડીએક્સ૦૨-ટાર્ગેટ-એમ બે સેટેલાઇટ્સ ૪૭૫ કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાઇ ગયા : બંને વચ્ચેનું અંતર તબક્કાવાર વધીને ૨૦ કિ.મી. થશે :
એસ.સોમનાથે એવી માહિતી પણ આપી હતી કે રોકેટ બંને સેટેલાઇટ્સને લઇને ઉડયું તેની બરાબર ૧૫ મિનિટ બાદ બંને સેટેલાઇટ્સ પૃથ્વીની નીચેની ૪૭૫ કિલોમીટરની સર્ક્યુલર ઓર્બિટ(ગોળાકાર ભ્રમણકક્ષા)માં સલામતી સાથે પહોંચી ગયા છે.
સ્પેડેક્સ મિશનના ડાયરેક્ટર એમ.જયકુમારે મહત્વની માહિતી આપતાં કહ્યું હતું કે બંને સેટેલાઇટ્સની સોલાર પેનલ્સ સફળતાપૂર્વક ખુલી ગઇ છે. એસડીએક્સ૦૧-ચેઝર- અને એસડીએક્સ૦૨ - ટાર્ગેટ-એમ બંને સેટેલાઇટ્સ એકબીજાંની આગળ પાછળ પ્રવાસ કરી રહ્યા છે. બંને સેટેલાઇટ્સ વચ્ચેનું અંતર તબક્કાવાર વધીને ૨૦ કિલોમીટરનું થઇ જશે. ત્યારબાદ બંને સેટેલાઇટ્સ એકબીજાની નજીક આવવાની પડકારરૂપ પ્રક્રિયા શરૂ થશે.
* બંને સેટેલાઇટ્સ એકબીજા સાથે કઇ રીતે જોડાશે અને કઇ રીતે છૂટા પડશે ?
એમ.જયકુમારે બહુ મહત્વની ટેકનિકલ પ્રક્રિયા સમજાવતાં કહ્યું હતું કે ૨૦૨૫ના નવા વર્ષની ૭ , જાન્યુઆરીએ બંને સેટેલાઇટ્સની ડોકિંગ(એકબીજા સાથે જોડાવું)ની પ્રક્રિયા શરૂ થશે. શરૂઆતના તબક્કે બંને સેટેલાઇટ્સ વચ્ચેનું ૨૦ કિ.મી.નું અંતર ઘટીને પાંચ(૫) કિ.મી. થશે. બીજા તબક્કે અંતર ઓછું થઇને ૧.૫ કિ.મી., ત્રીજા તબક્કે અંતર વધુ ઘટીને ૫૦૦ મીટર,ચોથા તબક્કે અંતર વધુ ઓછું થઇને ૨૨૫ મીટર, પાંચમા તબક્કે ફક્ત ૧૫ મીટર અને છઠ્ઠા છેલ્લા તબક્કે આ અંતર ફક્ત ત્રણ(૩) મીટર થઇ જશે. બસ, ત્યારબાદ બંને સેટેલાઇટ્સ એકબીજા સાથે જોડાઇ જશે.
ડોકિંગની પ્રક્રિયા સફળ થયા બાદબંને સેટેલાઇટ્સમાં ઇલેક્ટ્રીક પાવર અને સંદેશા વ્યવહારની ટેકનોલોજી પહોંચશે.ત્યારબાદ બંને સેટેલાઇટ્સ એકબીજાથી છૂટા પડવાની પ્રક્રિયા શરૂ થશે.આ પ્રક્રિયા દરમિયાન બંને સેટેલાઇટ્સ સાથે તેમનાં વૈજ્ઞાાનિક ઉપકરણો પણ સામેલ થશે. છેવટે બંને સેટેલાઇટ્સ બે વર્ષ સુધી પોતાના વૈજ્ઞાાનિક ઉપકરણો સાથે સ્વતંત્ર રીતે સંશોધન કામગીરી શરૂ કરશે.
* પીઓઇએમ --૨૪ નો વિશિષ્ટ પ્રયોગ પણ થશે :
ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે સ્પેડેક્સ મિશન સાથે પીઓઇએમ-૨૪(પીએસએલવી ઓર્બિટલ એક્સપરિમેન્ટ મોડયુલ) નો પ્રયોગ પણ થશે. સરળ રીતે સમજીએ તો પીએસએલવી-સી ૬૦ બંને સેટેલાઇટ્સ લઇને આકાશમાં ઉડશે ત્યારે રોકેટનો ચોથો હિસ્સો થોડા સમય માટે પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં તરતો રહેશે.
આવી ટેકનોલોજી વ્યવસ્થાથી અંતરિક્ષ સંશોધન માટેની ખાનગી સ્ટાર્ટ -અપ્સ સહિત અન્ય સંસ્થાઓને અંતરિક્ષમાં પ્રયોગો કરવાની તક મળશે.
આકાશમાં કુલ ૨૪ પ્રયોગો થશે. આ ૨૪માંથી ૧૪ પ્રયોગો ઇસરો લેબોરેટરી દ્વારા ,જ્યારે ૧૦ પ્રયોગો બિન સરકારી સંસ્થાઓ દ્વારા થશે. આ પ્રયોગોમાં અંતરિક્ષમાં બીજ રોપવાની પ્રક્રિયાથી છોડ ઉગાડવો, રોબોટિક આર્મ(રોબોનો હાથ) દ્વારા આકાશમાં તરતો કચરો(સ્પેસ ડેબ્રીઝ) સાફ કરવો, ગ્રીન પ્રપલ્ઝન સિસ્ટમનું પરીક્ષણ કરવું વગેરે છે.
આ સમગ્ર પ્રોજેક્ટમાં અમુક વૈજ્ઞાાનિક ઉપકરણો સ્ટાર્ટ -અપ્સનાં અને અમુક ઉપકરણો ખાનગી યુનિવર્સિટીનાં હશે. જોકે આ વ્યવસ્થા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રોમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (અમદાવાદ)દ્વારા થશે.
* સ્પેડેક્સ મિશનના હેતુ : ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ભારત અંતરિક્ષમાં બે જુદા જુદા સેટેલાઇટ્સને એકબીજા સાથે જોડવાનો અદભુત પ્રયોગ પહેલી જ વખત કરી રહ્યું છે.
* સ્પેડેક્સ મિશનના એસડીએક્સ૦૧--ચેઝર-અને એસડીએક્સ૦૨- ટાર્ગેટ--એમ બે સેટેલાઇટ્સને એકબીજા સાથે સફળતાપૂર્વક જોડવાની ટેકનોલોજીનો ઉપયોગ હવે ચંદ્રયાન -૪ અવકાશયાનમાં થશે. ચંદ્રયાન-૪ અવકાશયાન દ્વારા ચંદ્રના ખડકો,માટી વગેરે નમૂના લાવવાનો પ્રયોગ થશે. હાલના તબક્કે ચંદ્ર પરથી ૬.૬ પાઉન્ડ્ઝ( ત્રણ કિલો) વજનના નમૂના લાવવાનો નિર્ણય લેવાયો છે.
સરળ રીતે સમજીએ તો ચંદ્રયાન-૪માંનું સેમ્પલ કલેક્ટિંગ એસેન્ડર વેહિકલ ચંદ્રની ભ્રમણકક્ષામાં ગોળ ગોળ ફરતું રહેશે. જ્યારે બીજું લેન્ડર ચંદ્રના દક્ષિણ ધુ્રવના જળના અંશ ધરાવતા ચોક્કસ સ્થળે ઉતરશે. આ સ્થળેથી લેન્ડરમાંના રોબોટિક આર્મ દ્વારા ચંદ્રની માટી,ખડકો સહિત અન્ય નમૂના લેવાશે. ત્યારબાદ લેન્ડર તે નમૂના લઇને ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા સેમ્પલ કલેક્ટિંગ એસેન્ડર વેહિકલ સાથે જોડાઇ જશે.ત્યારબાદ ચંદ્રના નૂમના સાથેનું આખું અવકાશયાનપૃથ્વી પર પાછું ફરશે.
ઉપરાંત,ડોકિંગ ટેકનોલોજીનો ઉપયોગ ભાવિ ગગનયાન, ભારતીય અંતરિક્ષ સ્ટેશન, સમાનવ ચંદ્રયાન વગેરેમાં પણ થઇ શકશે.