સાત વર્ષથી ટેસ્લા સૂર્યની પરિક્રમા કેમ કરી રહી છે? શું કામ મોકલવામાં આવી હતી આ કારને? જાણો વિગત...
Tesla in Space: ઈલોન મસ્કની ટેસ્લા હાલમાં બે કારણસર ખૂબ જ ચર્ચામાં છે. ટેસ્લા ભારતમાં આવી રહી હોવાથી એ ચર્ચામાં છે અને આ કંપનીની રોડસ્ટાર મોડલની કાર અવકાશમાં સૂર્યની ફરતે ભ્રમણ કરી રહી છે એને સાત વર્ષ થયા છે. આ બે કારણસર ટેસ્લા હાલમાં ચર્ચામાં છે. જોકે આ કાર સાત વર્ષથી કેમ અવકાશમાં છે એ પણ ચર્ચાનો વિષય છે. આ કાર એકલી નહોતી મોકલવામાં આવી. એની સાથે ઈલોન મસ્કે મનુષ્યનું એક ડમી પણ મોકલ્યું હતું, જે સ્ટાઇલમાં કારમાં બેસીને અવકાશમાં કાર ચલાવી રહ્યો હોય એ રીતે ફરી રહ્યો છે.
ટેસ્લાની ભારતમાં એન્ટ્રી
ઈલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં પહેલો શોરૂમ માટે જગ્યા ભાડે લઈ લીધી છે. મુંબઈની બાંદરા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ટેસ્લાનો શોરૂમ બનાવવામાં આવી રહ્યો છે. આ માટે દર મહિનાનું 35 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે. કંપની હવે બીજો શોરૂમ દિલ્હીના એરોસિટીમાં બનાવવાનું આયોજન કરી રહી છે. ટેસ્લા તેની કારની કિંમત ભારતમાં 35-40 લાખ રૂપિયાની આસપાસ રાખવાનું વિચારી રહી છે.
ક્યારે અવકાશમાં મોકલવામાં આવી હતી ટેસ્લા?
2018ની 6 ફેબ્રુઆરીએ ટેસ્લાને અવકાશમાં મોકલવામાં આવી હતી. એ સમયે ઈલોન મસ્ક પણ ત્યાં હાજર હતો. ઈલોન મસ્કે ત્યારબાદ ટ્વિટરને X બનાવી દીધું છે અને અત્યાર સુધીમાં 9 ફાલ્કન રૉકેટ પણ લોન્ચ કર્યા છે. ઈલોન મસ્કે આ ફાલ્કન રૉકેટ સાથે લાલ ટેસ્લા રોડસ્ટર કારને સ્પેસમાં મોકલી હતી.
વૈજ્ઞાનિકો પણ છેતરાયા હતા
અવકાશમાં ફરી રહેલી આ કારને લઈને વૈજ્ઞાનિકો પણ છેતરાઈ ગયા હતા. આ કારને વૈજ્ઞાનિકો દ્વારા થોડા સમય માટે એસ્ટ્રોઇડ સમજી લેવામાં આવી હતી. હાલમાં જ એક બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે 2018માં CN41ને લઈને ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટરના માઇનર પ્લેનેટ સેન્ટર દ્વારા એને ધૂમકેતુ કહેવામાં આવ્યો હતો. આ ધૂમકેતુ પૃથ્વીની આસપાસ ફરી રહ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે એક દિવસ બાદ તેમણે ફરી નોટીસ જાહેર કરી હતી કે પૃથ્વીની આસપાસ ફરતી આ વસ્તુ ટેસ્લા અને ફાલ્કનની હેવી અપર સ્ટેજ સાથે મળતી આવે છે.
વૈજ્ઞાનિકો આ રીતે સતત અવકાશમાં નજર રાખીને બેઠા છે. તેઓ પૃથ્વી તરફ આવતી અને એની તરફ ભ્રમણ કરતી દરેક વસ્તુની શોધ કરતા રહે છે. તેઓ એ વસ્તુનું પણ ધ્યાન રાખી રહ્યા છે કે કોઈ પણ વસ્તુ તેનું ભ્રમણ છોડીને પૃથ્વી સાથે અથડાય નહીં. તેઓ નજર રાખી રહ્યા હોવાથી જ ઘણી વાર એવા સમાચાર આવે છે કે આ વર્ષમાં પૃથ્વીના આ ભાગમાં એસ્ટ્રોઇડ અથડાઈ શકે છે.
પૃથ્વીની આસપાસ ફરતી કોઈ પણ વસ્તુને નિયર-અર્થ-ઑબજેક્ટ કહેવામાં આવે છે. માઇનર પ્લેનેટ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં નિયર-અર્થ-ઑબજેક્ટ લિસ્ટમાં 37,500થી વધુ વસ્તુઓની યાદી તૈયાર થઈ છે. તેમાંની 190 વસ્તુને આ વર્ષે જાન્યુઆરીમાં શોધવામાં આવી છે. તે જ સમયે ટેસ્લા કાર પણ તેમની નજરમાં આવી હતી અને એને એસ્ટ્રોઇડ સમજી લેવામાં આવ્યો હતો. જોકે બીજા જ દિવસે એ વિશે ચોખવટ પણ કરવામાં આવી હતી.
અત્યારે ટેસ્લા રોડસ્ટર ક્યાં છે?
અવકાશમાં ફરી રહેલી ટેસ્લાની રોડસ્ટર કાર પર કંપની અને વૈજ્ઞાનિકો બન્ને નજર રાખીને બેઠા છે. આ માટે ટેસ્લા દ્વારા whereisroadster.com વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઇટને બેન પિયરસન દ્વારા બનાવવામાં આવી હતી અને એ કારની લોકેશનને ફોલો કરતી રહે છે. એ કાર દ્વારા કેટલું અંતર કાપવામાં આવ્યું છે અને સ્પીડ વગેરેની માહિતી આ વેબસાઇટ પર જોઈ શકાય છે. આ કારને સાત વર્ષ પૂરા થયા છે અને એણે 5.63 લાખ કિલોમીટરનું અંતર કાપ્યું છે.
આ કારને સૂર્યની પરિક્રમા પૂરી કરવા માટે 557 દિવસ લાગે છે. આ કારની મુસાફરી જ્યારે શરુ કરવામાં આવી હતી ત્યારે એમાં ડેવિડ બોવીનું ફેમસ ગીત "સ્પેસ ઓડિટી" વગાડવામાં આવ્યું હતું. જો આ કારની બેટરી અને સ્પીકર હજી પણ કામ કરી રહ્યા હોય, તો આ ગીત અત્યાર સુધીમાં લાખો વાર વાગી ગયું હોત.
ઈલોન મસ્કે અવકાશમાં કેમ મોકલી કાર?
2018માં આ કારને હેવી ફાલ્કન રૉકેટ સાથે મોકલવામાં આવી હતી. એ સમયે જ લોકોનો સવાલ હતો કે આ કારને અવકાશમાં કેમ મોકલવામાં આવી છે. આ કારને સ્પેસમાં લોન્ચ કરતી વખતે ઈલોન મસ્કે કહ્યું હતું કે ‘મને આશા છે કે એક દિવસ આપણા વંશજો અન્ય ગ્રહ પર જશે અને ત્યાં સ્થાયી થશે. એ સમયે તેઓ આ કારને સંગ્રહાલયમાં રાખશે.’ ઈલોન મસ્કની બીજી કંપની સ્પેસ એક્સ મુજબ આ સૌથી મૂર્ખામી ભરેલું કામ હતું, છતાં તેને મોકલવામાં આવી હતી. આ માટે રોડસ્ટર કારની ડ્રાઇવિંગ સીટ પર મનુષ્યના ડમીને બેસાડવામાં આવ્યો છે. કારની ક્રેશ ટેસ્ટમાં જે ડમી હોય છે તે જ ડમી આમાં પણ છે. આ ડમીને ડેવિડ બોવીના બીજા ગીત "સ્ટારમેન" પરથી એનું નામ આપવામાં આવ્યું હતું. આ સ્ટારમેનનો એક હાથ કારના સ્ટીયરિંગ પર છે અને બીજો હાથ કારની વિન્ડો પર સ્ટાઇલમાં ટેકવીને રાખવામાં આવ્યો છે.
આ ઈલેક્ટ્રિક કારને 2010માં બનાવવામાં આવી હતી. રૉકેટના પેલોડ પર એડેપ્ટરની મદદથી આ કારને ફિક્સ કરવામાં આવી છે. આ કારને ઇન્ક્લાઇન પોઝિશનમાં રાખવામાં આવી છે એટલે કે સ્ટાઇલમાં રાખવામાં આવી છે. આગળ અને સાઇડ પર કેમેરા લગાવવા માટે આ પર ટ્યૂબલર સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવ્યું છે.