મુકેશ અંબાણી અને સુનિલ ભારતી મિત્તલની વિનંતી છતાં સેટેલાઇટ સ્પેક્ટ્રમનું કેમ ઓક્શન ન થયું?
Satellite Spectrum: યુનિયન મિનિસ્ટર ફોર કોમ્યુનિકેશન, જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે સેટેલાઇટ સ્પેક્ટ્રમની હરાજી કરવી એ શક્ય જ નથી. કૉન્ગ્રેસ લીડર જયરામ રમેશ દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે સેટેલાઇટ દ્વારા કમ્યુનિકેશનની સર્વિસ માટે મોદી સરકાર એડમિનિસ્ટ્રેટિવ રાઇટ્સના ફેવરમાં છે. જો કે, જ્યોતિરાદિત્ય દ્વારા એ આરોપને ફગાવી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણાં સમયથી ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં આવવાની છે, તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આ માટે સ્પેક્ટ્રમ ખરીદવું પડે છે. સ્પેક્ટ્રમ ખરીદવાની બે રીત છે. એક હરાજી દ્વારા, જેમાં જે સૌથી વધુ પૈસા ચૂકવે, તેને રાઇટ્સ આપવામાં આવે છે અને બીજું છે દરેકને સરખી અને ચોક્કસ કિંમતે ચૂકવવામાં આવે છે, જેને એડમિનિસ્ટ્રેટિવ પદ્ધતિ કહેવામાં આવે છે.
સેટેલાઇટ સ્પેક્ટ્રમમાં શું ફરક છે?
ટેરેસ્ટ્રિયલ અને સેટેલાઇટ સ્પેક્ટ્રમ બન્ને અલગ વસ્તુ છે. ટેરેસ્ટ્રિયલ એટલે મોબાઇલ નેટવર્ક માટે જે સ્પેક્ટ્રમ આપવામાં આવે છે તે. આ સ્પેક્ટ્રમ ખૂબ જ નીચી ફ્રિક્વન્સી પર કામ કરે છે. આથી, આ સ્પેક્ટ્રમને કોઈ એક વ્યક્તિને ફાળવી શકાય છે. જો કે, સેટેલાઇટ્સ સ્પેક્ટ્રમ ખૂબ જ ઊંચી ફ્રિક્વન્સી પર કામ કરે છે. આ સ્પેક્ટ્રમ કુદરત દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે જેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકે છે. આ વિશે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે "સેટેલાઇટ સ્પેક્ટ્રમને ચોક્કસ વ્યક્તિ અથવા કંપનીને નહીં આપી શકાય. સેટેલાઇટ સ્પેક્ટ્રમને કુદરત જે રીતે દરેકને આપે છે, તે જ રીતે આપવી જરૂરી છે." આ નિયમને નવા ટેલિકોમ્યુનિકેશન એક્ટ, 2023ના શેડ્યુલ 1માં સમાવેશ કરવામાં આવ્યો છે.
હરાજી અશક્ય
જ્યોતિરાદિત્ય સિંધિયાનું કહેવું છે કે Ku બેન્ડ (14 GHz) અને Ka બેન્ડ (27.1 થી 31 GHz) સુધીના બેન્ડને શેર કરવામાં આવે છે. એનું ઓક્શન કરવું શક્ય જ નથી, તેમ જ એવી ઇચ્છા રાખવી પણ ખોટી છે. આ સ્પેક્ટ્રમને ખોટી રીતે હરાજી કરવામાં આવે તો એમાં દેશને નુક્સાન થઈ શકે છે અને નવી ટેકનોલોજી પણ વંચિત રહી શકે છે.
આરોપને ફગાવ્યા
જ્યોતિરાદિત્ય સિંધિયા પર જયરામ રમેશ દ્વારા જે આરોપ મૂકવામાં આવ્યા છે, તેને ફગાવી દેવામાં આવ્યા છે. તેમના પર આરોપ હતો કે ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં એન્ટ્રી આપવા માટે આ કરવામાં આવ્યું છે. જો કે, કાયદા પ્રમાણે આ સ્પેક્ટ્રમની હરાજી કોઈ નહીં કરી શકે. આથી કાયદાના દાયરામાં રહીને જ આ પગલું લેવામાં આવ્યું છે. જ્યોતિરાદિત્યએ એ પણ કહ્યું હતું કે કૉન્ગ્રેસની શાસન સમય દરમિયાન આ રીતે જ્યારે કરવામાં આવ્યું હતું ત્યારે સ્પેક્ટ્રમ સ્કેમ થયો હતો, જે હવે નહીં થાય. દુનિયાનો કોઈ પણ દેશ હાલ સેટેલાઇટ સ્પેક્ટ્રમની હરાજી નથી કરતા અને તેથી ભારત પણ એ સ્ટેપ નહીં ઉઠાવી શકે.