ટ્રમ્પની નારાજગી છતાં ભારતમાં ટેસ્લાની એન્ટ્રી માટે મસ્ક તલપાપડ કેમ? જાણો વિગત
Why Elon Musk is Keen to Bring Tesla in India: ઈલોન મસ્કની કંપની ટેસ્લા હવે ભારતમાં આવી રહી છે. ઈલેક્ટ્રિક કાર બનાવતી આ કંપની ભારતમાં આવે તો ફક્ત દેશને જ નહીં, પરંતુ ઈલોન મસ્કને પણ એટલો જ ફાયદો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેસ્લાને ભારતમાં આવવા વિશે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આમ છતાં ઈલોન મસ્ક ભારતમાં આવવા માટે ઉત્સુક છે અને એ માટે તેણે કામ પણ શરુ કરી દીધું છે.
દુનિયાભરના માર્કેટમાં ટેસ્લાને પડી રહી છે મુશ્કેલી
ટેસ્લા કંપનીની કારનું વેચાણ ગયા વર્ષે ઓછું થઈ ગયું હતું. ટેસ્લાના શેર પણ ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં 25 ટકા ઓછા થઈ ગયા છે. કંપનીનું વેંચાણ ઓછું થતાં પ્રોફિટ ઓછો થઈ રહ્યો છે, આથી ઇનવેસ્ટર્સનો કોન્ફિડન્સ પણ ઓછો થઈ રહ્યો છે. આ કોન્ફિડન્સ ઓછો થવાનું કારણ ઈલોન મસ્ક હાલમાં અમેરિકાની DOGE ઑફિસમાં વ્યસ્ત અને ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં પણ એટલો જ રસ લઈ રહ્યો હોવાનું છે. તે તેની કંપની પર ફોકસ નથી કરી રહ્યો એવું ઇનવેસ્ટર્સનું માનવું છે. જર્મનીમાં ટેસ્લાની ડિમાન્ડ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. 2024માં પહેલી વાર ટેસ્લાએ ઓછી ડિલિવરી આપી છે. આ કંપનીએ 2023માં 1.81 મિલિયન કાર વેચી હતી જે 2024માં 1.79 મિલિયન થઈ ગઈ હતી. 2023ની સરખામણીએ 2024માં 20 ટકા પ્રોફિટ પણ ઓછો થયો હતો.
ચીનમાં પણ ટેસ્લાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટેસ્લા દ્વારા આ વર્ષે જાન્યુઆરીમાં ચીનમાં 63,238 કાર વેચવામાં આવી છે. ગયા વર્ષના જાન્યુઆરીમાં 71,447 કાર્સ વેચવામાં આવી હતી. એટલે કે ટેસ્લાની કારના વેચાણમાં 11.5 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે જ ચીનની લોકલ ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની BYD દ્વારા ચીનનું માર્કેટ કવર કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં આ કંપની દ્વારા 2,96,446 કારનું વેચાણ કરવામાં આવ્યું હતું. 2024ના જાન્યુઆરી કરતાં આ વર્ષે 47 ટકા વધુ વેચાણ થયું છે. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધને લઈને પણ એના વેચાણ પર અસર પડી છે. સ્વીડન અને નોર્વેના માર્કેટમાં પણ જાન્યુઆરીમાં આ કાર દ્વારા ખૂબ જ ઓછું વેચાણ કરવામાં આવ્યું છે. ટેસ્લાએ તેના એન્યુઅલ રિપોર્ટમાં ચોથા ક્વાર્ટરમાં ફક્ત 2.3 બિલિયન ડૉલરનો પ્રોફિટ દેખાડ્યો છે. આ પ્રોફિટ 2023ના ચોથા ક્વાર્ટરની સામે 71 ટકા ઓછું છે. રિસર્ચ એન્ડ કનસલ્ટિંગ ફર્મ બ્રેન્ડ ફાયનાન્સ મુજબ ટેસ્લાની બ્રાન્ડ વેલ્યુમાં 26 ટકાનો ઘટાડો થયો છે. આ માટે ઈલોન મસ્કની ઇમેજ અને ટેસ્લાના નવા મોડલ અને ટૅક્નોલૉજીને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે.
ઇન્ડિયામાં કેમ એન્ટ્રી?
ટેસ્લા જ્યારે દુનિયાભરના દેશોમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ત્યારે ભારત તેના માટે સોનાની મરઘી સમાન છે. ભારતના લોકોને પણ ઈલેક્ટ્રિક કારની જરૂર છે, પરંતુ એટલો જ ફાયદો ઈલોન મસ્કને પણ થઈ રહ્યો છે. ભારત ખૂબ જ મોટું માર્કેટ છે. ભારત સરકાર પોતે લોકોને ઈલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી રહી છે. આ માટે સરકાર દ્વારા નવી-નવી સ્કીમો કાઢવામાં આવી રહી છે અને સાથે જ કારની ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આથી કસ્ટમર્સને કાર સસ્તામાં મળશે, પરંતુ એટલી જ વધુ કાર ઈલોન મસ્કની વેચાશે. આથી તેની કારનું વેચાણ થતાં તેના શેરના ભાવ પણ ઉપર જશે. તેમ જ તે ભારતમાં પોતાનું પ્રોડક્શન આગામી ત્રણ મહિનામાં શરુ કરશે. આથી ભારતમાં તેને કાર તૈયાર કરવા માટે ઓછો ખર્ચ પણ થશે કારણ કે અમેરિકાની સામે ભારતમાં લેબર ચાર્જ ઓછો છે. આથી ઈલોન મસ્ક માટે આ ખૂબ જ મોટો ફાયદો છે.
સ્ટારલિંક પણ શરુ કરશે
ઈલોન મસ્ક તેની સેટેલાઇટ સર્વિસ સ્ટારલિંક પણ શરુ કરવાનો છે. આથી તે ટેસ્લા અને સ્ટારલિંક બન્ને કંપનીઓને શરુ કરશે અને એ માટે ભારતમાં પ્રોડક્શન પણ શરુ કરશે. આ પ્રોડક્શનનો લાભ ઈલોન મસ્કને પોતાને થશે.
નરેન્દ્ર મોદી સાથેની મીટિંગનો થયો ફાયદો
નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે ગયા હતા. એ સમયે ઈલોન મસ્કને પણ તેઓ મળ્યા હતા. આ સમયે તેમણે સ્પેસ, ટૅક્નોલૉજી અને સસ્ટેનિબિલિટી વિશે વાત કરી હતી. આ ત્રણેય ક્ષેત્રમાં ઈલોન મસ્ક માહેર છે. બની શકે ઈલોન મસ્ક દ્વારા તેની કંપની SpaceX દ્વારા પણ ભારતને મદદ કરવા માટેનું પ્રોમિસ કરવામાં આવી હોય. જોકે આ મીટિંગ બાદ ટેસ્લા માટે ભારતના દરવાજા ખૂલી ગયા એ નક્કી છે.
આ પણ વાંચો: એપ સ્ટોર પર એપલે કરી સાફ-સફાઈ: 135000 એપ્લિકેશન કરી બેન, જાણો કેમ
ટ્રમ્પે વ્યક્ત કરી હતી ચિંતા
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એક ઇન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈલોન મસ્કને મોઢા પર કેહવામાં આવ્યું હતું કે જો ટેસ્લા કંપની ભારતમાં શરુ કરવામાં આવશે તો એ અમેરિકા માટે નુકસાન છે. ટેસ્લા ભારતમાં બનતી થઈ જશે તો અમેરિકાની કંપનીમાં ઇનવેસ્ટમેન્ટ ઓછું થશે અને એની અસર સીધી અમેરિકાની ઈકોનોમી પર પડશે. આ સાથે જ અમેરિકાની કંપનીમાં નોકરીની તક ઓછી થઈ જશે કારણ કે ત્યાં પ્લાન્ટને એક્સપાન્ડ કરવાના ચાન્સ નહીંવત્ થઈ જશે. બની શકે કે નોકરી પરથી છૂટા પણ કરવામાં આવે. આથી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈલોન મસ્કના આ નિર્ણય વિશે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જોકે કંપનીના ભવિષ્ય અને ઇનવેસ્ટર્સને ખુશ રાખવા માટે ઈલોન મસ્કે ભારતમાં આવવું હવે જરૂરી બની ગયું છે.