સ્માર્ટફોન કે પીસીમાં સ્ક્રીનશોટ્સ ક્યાં સેવ થતા હોય છે ?
આપણને સૌને ક્યારેક ને ક્યારેક પોતાના સ્માર્ટફોન કે કમ્પ્યૂટર પર સ્ક્રીનશોટ
લેવાની જરૂર ઊભી થતી હોય છે. બંને પ્રકારના ડિવાઇસમાં સ્ક્રીનશોટ લેવાનું કામ તો
સહેલું છે. પરંતુ પછી તેની ઇમેજ ક્યાં સેવ થઈ તે શોધવું થોડું મુશ્કેલ બની શકે છે.
સ્માર્ટફોનમાં આ કામ પ્રમાણમાં ઘણું સહેલું છે. મોબાઇલમાં આપણે સ્ક્રીનશોટ લઇએ
એ સાથે તરતને તરત તેને શેર કરવાનું તથા એડિટ કરવાનું બટન જોવા મળતું હોય છે. તે
સાથે નાના સર્કલમાં સ્ક્રીનશોટની ઇમેજ જોવા મળી શકે છે. તેને ક્લિક કરતાં આપણા
ફોનમાંની ડિફોલ્ટ ફોટો ગેલેરીમાં એ સ્ક્રીનશોટની ઇમેજ જોવા મળે છે.
તમારા ફોનમાં સ્ક્રીનશોટ પછી તરત જ આવું ટૂલ બાર જોવા ન મળતું હોય તો પણ ફોનની
ફોટોગેલેરીમાં જઇને તેને સહેલાઈથી શોધી શકાય. ફોનમાં ગૂગલ ફોટોઝ જેવી એપ હોય તો
તેમાં સૌથી પહેલી ઇમેજ સૌથી છેલ્લે લીધેલા સ્ક્રીનશોટની મળી શકે. ફોટોઝ એપમાં આપણે
લીધેલા સ્ક્રીનશોટ્સનું એક ઓટોમેટિક ફોલ્ડર પણ તૈયાર થતું હોય છે. એપમાં સૌથી
નીચેના મેનૂ બારમાં કલેક્શન્સ ટેબ પર ક્લિક કરીને આપણે આ ફોલ્ડર
સુધી પહોંચી શકીએ છીએ.
પીસી કે લેપટોપ પર આ વાત થોડી મુશ્કેલ બને છે. મોટા ભાગે આપણે કીબોર્ડ પર જમણી
તરફ જોવા મળતી પ્રિન્ટ સ્ક્રીન કી પ્રેસ કરીને સ્ક્રીનશોટ લેતા હોઇએ છીએ. તે પછી સ્ક્રીનશોટની ઇમેજ
કમ્પ્યૂટરના ક્લિપબોર્ડમાં સેવ થતી હોય છે. તેને આપણે માઇક્રોસોફ્ટ વર્ડ કે
પાવરપોઇન્ટ કે કોઈ પણ ઇમેજ એડિટરમાં મેન્યુઅલી પેસ્ટ કરવી પડે છે.
એ સિવાય આપણે જો વિન્ડોઝમાં ઉપલબ્ધ સ્નિપિંગ ટૂલની મદદથી સ્ક્રીનશોટ લીધો હોય તો તે ફાઇલ એક્સપ્લોરરમાં પિકચર્સ અને તેના
સ્ક્રીનશોટ્સ ફોલ્ડરમાં સેવ થતો હોય છે.
જો તમારે તમારા અભ્યાસ કે કામના ભાગરૂપે વારંવાર સ્ક્રીનશોટ લેવાના થતા હોય તો
તમે શેરેક્સ
(https://getsharex.com/) નામના એક ફ્રી અને ઓપનસોર્સ
ટૂલનો ઉપયોગ કરી શકો છો. શેરેક્સ કે તેના જેવા કોઈ પણ ફ્રી ટૂલની મદદથી લીધેલા
સ્ક્રીનશોટ મોટા ભાગે ફાઇલ એક્સપ્લોરરમાં સી ડ્રાઇવમાં ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં એ
ટૂલના નામે બનતા ફોલ્ડરમાં સેવ થતા હોય છે.