વોઇસ મેસેજ માટે વોટ્સએપમાં આવ્યું ગજબનું ફીચર: યૂઝર તેના ઉપયોગ મુજબ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરી શકશે
WhatsApp Feature: વોઇસ મેસેજના ટ્રાન્સક્રિપ્શનને વધુ સારું બનાવવા માટે વોટ્સએપ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. વોટ્સએપ દ્વારા વોઇસ મેસેજને ટ્રાન્સક્રાઇબ કરવા માટે ગયા વર્ષે જુલાઈમાં એ ફીચરને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચર દ્વારા યૂઝરને ઇન્કમિંગ અને આઉટગોઇંગ ઑડિયો મેસેજને ટ્રાન્સક્રાઇબ કરવામાં મદદ કરે છે. એટલે કે અવાજને શબ્દોમાં રૂપાંતર કરી શકાય છે. આ માટે પહેલાં થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે એ વોટ્સએપમાં જ થઈ જાય છે. આ ફીચરને વધુ સારું અને ઉપયોગી બનાવવા માટે વોટ્સએપ દ્વારા એમાં ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે.
વોટ્સએપ મેસેજ ટ્રાન્સક્રિપ્શન માટેના ત્રણ વિકલ્પ
વોટ્સએપ દ્વારા તેના બીટા વર્ઝનમાં એક નવું વિકલ્પ આપવામાં આવ્યું છે. આ ફીચર છે વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્શન માટેના ત્રણ વિકલ્પ. વોઇસ મેસેજને ટ્રાન્સક્રિપ્શન કરવા કે નહીં માટે યૂઝર્સને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. પહેલું, જેમાં ઓટોમેટિક ટ્રાન્સક્રિપ્શન થઈ જશે. બીજું, જે મેન્યુઅલ છે એટલે કે યૂઝર્સ અમુક મેસેજને કરી શકે છે અને અમુકને નહી. ત્રીજું વિકલ્પ છે 'નેવર'. એટલે કે આ વિકલ્પ પસંદ કરતાં ઑડિયો મેસેજ ટ્રાન્સક્રાઇબ નહી થઈ શકે. આ ફીચર હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં જ છે. એને પૂરેપૂરી રીતે ટેસ્ટ કર્યા બાદ જ કંપની એનું સ્ટેબલ વર્ઝન એટલે કે દરેક માટે લોન્ચ કરશે.
ચેટ લિસ્ટ માટે પણ નવું ફીચર
વોટ્સએપ દ્વારા હાલમાં ઘણા નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. એમાંથી એક છે ચેટ લિસ્ટ માટે. ચેટ લિસ્ટમાં મેસેજને ફિલ્ટર કરવા માટે વોટ્સએપ દ્વારા ફીચર આપવામાં આવ્યું છે. જોકે એનો ઉપયોગ કરવા માટે યૂઝરે ચેટને નીચે તરફ સ્લાઇડ કરવું પડે છે. નવું વર્ઝન હંમેશા માટે ઉપર દેખાતા ઑપ્શન સાથે આવશે. આથી મેસેજને ફિલ્ટર કરવું વધુ સરળ અને ઝડપી થઈ ગયું છે. આ ફીચરને બહુ જલદી લોન્ચ કરવામાં આવી શકે છે.