Get The App

વોટ્સએપમાં વોઈસ મેસેજ વાંચવા માટે નવા વિકલ્પો મળશે

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
વોટ્સએપમાં વોઈસ મેસેજ વાંચવા માટે નવા વિકલ્પો મળશે 1 - image


થોડા સમય પહેલાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં વાત કરી હતી કે વોટ્સએપમાં આપણા પર આવેલા વોઇસ મેસેજને ટેક્સ્ટમાં કન્વર્ટ કરીને વાંચી શકાય તેવી સગવડ આવી ગઈ છે. આપણે કોઈ મીટિંગમાં કે અન્ય જાહેર સ્થળે હોઇએ અને વોઇસ મેસેજ બધાને સંભળાય એ રીતે સાંભળી શકીએ તેમ ન હોઇએ ત્યારે વોઇસ મેસેજને ટેકસ્ટમાં ફેરવવાની સગવડ બહુ ઉપયોગી થાય. હવે સમાચાર છે કે વોટ્સએપમાં આ ફીચરમાં હજી વધુ સગવડ મળશે. એ મુજબ આપણે વોઇસ મેસેજનાં ટેકસ્ટ ટ્રાન્સ્ક્રિપ્શન ત્રણ અલગ અલગ પ્રકારે મેળવી શકીશું.

ઓટોમેટિક ટ્રાન્સ્ક્રિપ્શનઃ આપણે આ વિકલ્પ પસંદ કરીશું તો આપણા પર આવતા દરેક વોઇસ મેસેજ આપોઆપ ટેકસ્ટમાં પણ ફેરવાઈ જશે. અને બીજાં કોઈ પગલાં લીધાં વિના આપણે ટેકસ્ટ વાંચી શકીશું (અત્યારે વોઇસ મેસેજ સિલેક્ટ કરી, છેક ઉપર ત્રણ ડોટ પર ક્લિક કરી, ‘ટ્રાન્સ્ક્રાઇબ’ વિકલ્પ પસંદ કરવો પડે છે).

મેન્યુઅલ ટ્રાન્સ્ક્રિપ્શનઃ આ વિકલ્પમાં આપણે જે વોઇસ મેસેજ માટે ઇચ્છીએ ફક્ત એ મેસેજને ટેકસ્ટમાં ફેરવી શકીશું.

નો ટ્રાન્સ્ક્રિપ્શનઃ આ વિકલ્પ પસંદ કરીને આપણે વોઇસ મેસેજનું ટેકસ્ટ ટ્રાન્સ્ક્રિપ્શન સદંતર બંધ કરી શકીશું.

અત્યારે વોટ્સએપમાં ઇંગ્લિશ, સ્પેનિશ, પોર્ટુગીઝ તથા રશિયન ભાષામાં આવેલા વોઇસ મેસેજ ટેકસ્ટ સ્વરૂપે વાંચી શકાય છે. ટૂંક સમયમાં આ યાદીમાં હિંદી ભાષા પણ ઉમેરાઈ જશે!


Google NewsGoogle News