એક ફિચરને લઈને સરકારની સામે પડ્યું વોટ્સએપ, શું હવે ભારતમાંથી જતા રહેવું જ એકમાત્ર વિકલ્પ?
WhatsApp Vs Central Government : મેટાની મેસેજિંગ એપ વોટ્સએપ અને ભારત સરકાર વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપે મેસેજનો સોર્સ જાહેર કરવો પડશે, એટલે કે પહેલીવાર મેસેજ ક્યારે અને ક્યાંથી મોકલવામાં આવ્યો તેની માહિતી આપવી પડશે. આ મુદ્દે વોટ્સએપનું કહેવું છે કે આ માટે એન્ક્રિપ્શનને તોડવું પડશે અને આ વોટ્સએપની પ્રાઈવસી પોલિસીની વિરુદ્ધની છે.
એન્ક્રિપ્શન તોડવાના દબાણથી વોટ્સએપ ભારતમાં સર્વિસ બંધ કરશે
વોટ્સએપે આ વાત ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમ 2021 (IT Rules 2021)ને પડકારતી વખતે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે, લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે કારણ કે તે એન્ક્રિપ્ટેડ છે, અને લોકોને તેની પ્રાઈવસી પર વિશ્વાસ છે. વોટ્સએપ યુઝર્સ જાણે છે કે, વોટ્સએપ પર મોકલવામાં આવતા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે.
આવી સ્થિતિમાં તેમના મેસેજને ક્યારેય કોઈ વાંચી શકશે નહીં, પરંતુ એન્ક્રિપ્શન તોડ્યા પછી તેની પ્રાઈવસી ખતમ થઈ જશે. જો ભારત સરકાર અમને એન્ક્રિપ્શન તોડવા દબાણ કરશે તો મજબૂરીથી અમારે દેશ છોડવો પડશે.
વોટ્સએપનું આવું કહેવાનો એક અર્થ સ્પષ્ટ થાય છે કે વોટ્સએપ કોઈપણ કિંમતે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સાથે સમાધાન કરવા માંગતું નથી. IT નિયમો 2021 હેઠળ, ભારતમાં જે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ 50 લાખથી વધુ રજિસ્ટર્ડ યુઝર્સ ધરાવે છે તેમણે મેસેજના ઓરિજિનેટર જાહેર કરવું પડશે. આનો અર્થ એ થયો કે સંદેશ કોણે મોકલ્યો અને ક્યાંથી મોકલ્યો તેની માહિતી જરૂર પડ્યે સરકારી એજન્સીઓ સાથે શેર કરવાની રહેશે. 2021માં જ વોટ્સએપે કોર્ટમાં તેનો વિરોધ કર્યો હતો.
એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન શું છે?
વોટ્સએપ તેના મેસેજિંગ પ્લેટફોર્મ માટે એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. એન્ક્રિપ્શનનો અર્થ એ છે કે, તમારા દ્વારા મોકલવામાં આવેલા મેસેજ વિશેની માહિતી ફક્ત તમને અને તમે જેને મોકલ્યો છે તે વ્યક્તિ જ જાણે છે. કંપની પાસે પણ તમારા મેસેજની માહિતી નથી હોતી કે તમે શું મોકલ્યું છે. એટલે કે કોઈ ત્રીજી વ્યક્તિ તમારો મેસેજ વાંચી શકતી નથી.
વોટ્સએપના આ ફીચર બાબતે સરકાર શું કહે છે?
આ બાબતે સરકારનું કહેવું છે કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનના કારણે ગુનેગારો પકડાતા નથી. આવી સ્થિતિમાં, સરકારે વોટ્સએપને એક એવું ટૂલ બનાવવા માટે પણ કહ્યું હતું જે કહી શકે કે મેસેજ કોણે જનરેટ કર્યો છે. પરંતુ આવું કરવાનો વોટ્સએપે ઇનકાર કરી દીધો હતો.
સરકારનું કહેવું છે કે આઇટી નિયમો 2021 હેઠળ, ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા એથિક્સ મુજબ 50 લાખથી વધુ ભારતીય યુઝર્સ સાથેના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ્સે જે યુઝર મેસેજ જનરેટ કરે છે તેની જાણકારી આપવી પડશે. આ નિયમ વોટ્સએપ પર પણ લાગુ પડે છે.
વોટ્સએપ શા માટે વિરોધ કરી રહ્યું છે?
વોટ્સએપે કહ્યું કે, જો ખરેખર આવું કરવામાં આવે તો અમારે મેસેજોની એક આખી ચેન તૈયાર કરવી પડશે, કારણ કે અમને ખબર નથી કે કયા મેસેજને ક્યારે ડિક્રિપ્ટ કરવાનું કહેવામાં આવશે. આ માટે કરોડો- અબજો મેસેજ વર્ષો સુધી સાચવવા પડશે.
કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી, 2021ના રોજ 'ઇન્ફોર્મેશન ટેક્નોલોજી' નિયમોની જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું, કે જો દરેક સોશિયલ મીડિયા કંપનીઓએ આઈટી નિયમોનું પાલન કરવાનું રહેશે. આ સિવાય જો કોઈ મેસેજને લઈને ફરિયાદ કરવામાં આવે તો કંપનીએ જણાવવું પડશે કે તે મેસેજ પહેલીવાર ક્યારે અને ક્યાંથી મોકલવામાં આવ્યો હતો. તેમજ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન દૂર કરવું એ લોકોના હ્યુમન રાઈટ્સની વિરુદ્ધ છે. જો કે તેના લીધે રાઈટ ટુ પ્રાઈવસી પણ ખતમ થઇ શકે છે.
વિશ્વમાં બીજે ક્યાંય આવો નિયમ નથી
વોટ્સએપનું એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ફીચર માત્ર ભારતમાં જ નહિ પરંતુ બધ જ દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. જો કે અન્ય કોઈ પણ દેશે કંપનીને એન્ક્રિપ્શન તોડવાનું કહ્યું નથી.
વોટ્સએપ પાસે હવે વિકલ્પ શું છે?
વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા હજુ પણ પોતાના સ્ટેન્ડ પર અડગ છે. અન્ય દેશોમાં પણ, કંપની એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન અંગે ખૂબ જ મજબૂત વલણ અપનાવે છે. આથી જો ભારત સરકાર વોટ્સએપને તેના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને તોડવા કે મેસેજનું ઓરીજીન જાહેર કરવાનું દબાણ કરે તો કંપની ખરેખર ભારતમાં પોતાની સેવા બંધ કરી શકે છે.
જો કે વોટ્સએપ ભારતમાં સૌથી વધુ યુઝર ધરાવે છે આથી ભારત સરકાર કે વોટ્સએપ બંને એવું ન ઈચ્છે કે આ સેવા ભારતમાં બંધ થાય આથી જો કોઈ મધ્યમ માર્ગ નીકળે તો નવાઈ નહીં. કારણ કે મામલો હજુ હાઈકોર્ટમાં છે અને વોટ્સએપ પણ ભારતમાંથી બહાર નીકળતા પહેલા તમામ પ્રકારના કાયદાકીય વિકલ્પો પર ધ્યાન આપશે.