આ મોબાઇલમાં નહીં ચાલે વોટ્સએપ, ચેક કરો તમારો મોબાઇલ તેમાં તો સામેલ નથી ને?
WhatsApp Stop Working: વોટ્સએપની પેરન્ટ કંપની મેટા દ્વારા હાલમાં જ એક નવું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આ લિસ્ટમાં એ તમામ સ્માર્ટફોન મોડલના નામ આપવામાં આવ્યા છે જેમાં વોટ્સએપ સપોર્ટ નહીં મળે અર્થાત્ આ તમામ મોબાઇલમાં વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકાય.
આજે દરેક ક્ષેત્રમાં વોટ્સએપનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. સ્કૂલના પેરન્ટ્સના ગ્રુપથી લઈને, સોસાયટીનું ગ્રુપ, ઑફિસના કામ માટેનું ગ્રુપ અથવા તો બિઝનેસ ગ્રુપ દરેક જગ્યાએ વોટ્સએપનો ઉપયોગ થાય છે. ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરના દેશોમાં આ મેસેજિંગ સર્વિસ ખૂબ જ લોકપ્રિય છે.
મેટા કંપનીએ વોટ્સએપની સિક્યોરિટી ફિચર્સમાં સુધારો કર્યો છે અને એ સાથે જ 35 મોડલ્સના નામ આપ્યા છે જેમાંથી વોટ્સએપ આ વર્ષના અંત સુધીમાં ચાલતું બંધ થઈ જશે. આ મોડલ્સમાં આઇફોન અને એન્ડ્રોઇડ બન્નેનો સમાવેશ થાય છે.
કયા આઇફોનમાં બંધ થશે વોટ્સએપ?
મેટા દ્વારા રિલીઝ કરવામાં આવેલા 35 મોબાઇલ ફોનના લિસ્ટમાં એપલના આઇફોન 5, આઇફોન 6, આઇફોન 6S, આઇફોન 6S Plus, આઇફોન SE(ફર્સ્ટ જનરેશન)નો સમાવેશ થાય છે. એપલ આઇફોન 16 લોન્ચ થવાને એક મહિનો બાકી છે ત્યારે મેટા કંપનીએ એના જૂના મોડલ્સમાં સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી છે. આ મોડલ્સનો ઉપયોગ કરનારા માટે બહુ જલદી વોટ્સએપનો સપોર્ટ બંધ થઈ જશે.
એન્ડ્રોઇડના કયા મોડલ આઉટડેટેડ જાહેર કર્યા મેટાએ?
એપલને દુનિયામાં કોઈ કંપની ટક્કર આપી શકે એમ હોય તો એ છે સેમસંગ. સેમસંગના પણ ઘણાં મોડલ્સમાંથી વોટ્સએપનો સપોર્ટ જતો રહ્યો છે. આ મોડલ્સમાં સેમસંગ ગેલેક્સી ACE Plus, ગેલેક્સી Core, ગેલેક્સી એક્સપ્રેસ 2, ગેલેક્સી ગ્રેન્ડ, ગેલેક્સી નોટ 3, ગેલેક્સી S3 મિની, ગેલેક્સી S4 એક્ટિવ, ગેલેક્સી S4 મિની, ગેલેક્સી S4 ઝૂમનો સમાવેશ થાય છે. આ સાથે જ સોની, એલજી અને લિનોવોના મોબાઇલ ફોનનો પણ સમાવેશ થાય છે.
વોટ્સએપમાં લૉન્ચ કરાયું ધમાકેદાર ટેબ ફિચર, હવે કૉલિંગથી લઈને ચેટ કરવી બનશે વધુ સરળ
કેમ સપોર્ટ બંધ કર્યો?
વોટ્સએપની ઍપ્લિકેશન માટે કંપનીએ કેટલીક જરૂરી રિક્વાયરમેન્ટ સેટ કરી છે. એન્ડ્રોઇડ વર્ઝન 5.0 અને એપલનું iOS 12 વર્ઝન મોબાઇલમાં હોવું જરૂરી છે. આ વર્ઝન અથવા તો એ પછીના કોઈ પણ વર્ઝનમાં વોટ્સએપ ચાલશે.