Get The App

‘ડિજીટલ એરેસ્ટ’ સામે પ્રોટેક્શન માટે વોટ્સએપ લાવી રહ્યું છે નવું ફીચર… જાણો શું છે

Updated: Mar 13th, 2025


Google News
Google News
‘ડિજીટલ એરેસ્ટ’ સામે પ્રોટેક્શન માટે વોટ્સએપ લાવી રહ્યું છે નવું ફીચર… જાણો શું છે 1 - image


WhatsApp New Feature: વોટ્સએપ દ્વારા હાલમાં નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી ‘ડિજીટલ એરેસ્ટ’ સામે પ્રોટેક્શન મળી રહેશે. હાલમાં ‘ડિજીટલ એરેસ્ટ’ના ઘણાં સ્કેમ્સ ચાલી રહ્યા છે. બૅન્ક અને ટેલિકોમ કંપનીઓ તેમજ સરકાર દ્વારા પણ લોકોને એ વિશે જાગરૂક કરવામાં આવી રહ્યું છે કે ‘ડિજીટલ એરેસ્ટ’ નામની કોઈ વસ્તુ નથી હોતી. યુઝર્સને ‘ડિજીટલ એરેસ્ટ’ના નામે ભૂલવી તેમની સાથે સ્કેમ કરવામાં આવે છે. આ સ્કેમને અટકાવવા માટે હવે વોટ્સએપ નવું ફીચર લઈને આવી રહ્યું છે.

શું છે આ નવું ફીચર?

વોટ્સએપ દ્વારા હાલમાં જે ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે તેનું નામ ‘ટર્ન ઓફ યોર વીડિયો’ છે. યુઝરને જ્યારે પણ વીડિયો કોલ આવે ત્યારે તે તેને રિસીવ તો કરી શકે છે, પરંતુ કેમેરા બંધ રાખીને. એટલે કે યુઝર વીડિયો કોલને ઓડિયો કોલની રીતે ઉઠાવી શકશે. આથી સામેની વ્યક્તિ યુઝરનો ચહેરો જોઈ શકશે નહીં. જો કેમેરા પહેલેથી બંધ હશે, તો યુઝરને ‘એક્સેપ્ટ વિથાઉટ વીડિયો’ એ વિકલ્પ આપવામાં આવશે. સાથે જ, એકવાર ફોન ઉઠાવ્યા બાદ, એમાં વીડિયો ફરી ચાલુ કરવો હોય તો તે પણ શક્ય થશે.

ડિજીટલ એરેસ્ટ સામે પ્રોટેક્શન

વોટ્સએપનું આ ફીચર ‘ડિજીટલ એરેસ્ટ’ સામે પ્રોટેક્શન આપશે. ‘ડિજીટલ એરેસ્ટ’માં વ્યક્તિને કેમેરા સામે બેસાડી રાખવામાં આવે છે અને જ્યાં સુધી પૈસા ન મોકલવામાં આવે ત્યાં સુધી તેઓને ઉઠવા દેવામાં નથી આવતા. આ ફીચરમાં કેમેરા પહેલેથી બંધ હોવાથી સ્કેમર્સ યુઝરને એકવાર પણ જોઈ શકતા નથી. જો યુઝર કેમેરા સામે ન હોય, તો તેમને ડરાવી ધમકાવીને તેમની પાસેથી પૈસા પડાવવાની તક સ્કેમર્સને નથી મળતી. તેઓ સરકારી કર્મચારી બનીને લોકો પાસેથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવે છે.

‘ડિજીટલ એરેસ્ટ’ સામે પ્રોટેક્શન માટે વોટ્સએપ લાવી રહ્યું છે નવું ફીચર… જાણો શું છે 2 - image

અન્ય એપ્લિકેશનમાં પહેલેથી છે આ ફીચર

વોટ્સએપ પર અત્યાર સુધી વીડિયો કોલ ઉઠાવ્યા બાદ જ કેમેરા બંધ કરવાનું ફીચર ઉપલબ્ધ હતું. જોકે હવે આ ફીચર પહેલેથી જ ઉપલબ્ધ છે. વિવિધ વીડિયો કોન્ફરન્સ પ્લેટફોર્મ્સ જેમ કે Google Meet અને Microsoft Teams દ્વારા આ ફીચર પહેલેથી જ આપવામાં આવી રહ્યું છે. યુઝર કેમેરા શરૂ કર્યા વગર પણ ફોન ઉઠાવી શકે છે.

આ પણ વાંચો: ડીપસીકના ફાઉન્ડર લિઆંગ વેનફેન્ગનું ગામ બન્યું ટુરિસ્ટ પ્લેસ: મુલાકાતીઓ યાદગીરી રૂપે લઈ જઈ રહ્યાં છે પથ્થર

અન્ય ફીચરનો પણ સમાવેશ કરવામાં આવશે

વોટ્સએપ હવે કેમેરા ફીચર સાથે UPI Lite પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરમાં યુઝર પિન દાખલ કર્યા વગર પેમેન્ટ કરી શકશે. વધુમાં, મોટાભાગની ઑનલાઈન પેમેન્ટ એપ્લિકેશન્સમાં આ ફીચર પહેલેથી જ ઉપલબ્ધ છે. જોકે વોટ્સએપમાં હજી સુધી તે ઉમેરાયેલું નથી, તેથી હવે તેમાં પણ તેનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત Meta AIના ઇન્ટરફેસમાં બદલાવ લાવવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં યુઝર્સને ઓટોમેટિક સજેશન્સ મળશે.

Tags :
WhatsAppNew-FeatureCameraDigital-ArrestScam

Google News
Google News