Get The App

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર: યુઝર હવે એપ્લિકેશનમાંથી જ સ્કેન કરી શકશે ડોક્યુમેન્ટ

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર: યુઝર હવે એપ્લિકેશનમાંથી જ સ્કેન કરી શકશે ડોક્યુમેન્ટ 1 - image


WhatsApp Document Scan: વોટ્સએપ દ્વારા હાલ નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ એપ્લિકેશનમાં હવે ડોક્યુમેન્ટ સ્કેન કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. અત્યાર સુધી કોઈ પણ પેપર અથવા તો અન્ય ડોક્યુમેન્ટને સ્કેન કરવા માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યાર બાદ એને PDF ફોર્મેટમાં સેન્ડ કરી શકાતું હતું. જો કે, હવે વોટ્સએપ દ્વારા જ એ સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે.

ધીમે-ધીમે કરવામાં આવશે રિલીઝ

વોટ્સએપના આઇફોનના નવા વર્ઝનમાં આ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરને ધીમે-ધીમે દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે. વોટ્સએપ કોઈ પણ ફીચરને એક સાથે રિલીઝ નથી કરતું. એક-એક કરીને એ લોન્ચ કરવામાં આવે છે. વોટ્સએપ તેના આ ફીચરને લોન્ચ કરીને વોટ્સએપની કાર્યક્ષમતામાં વધારો કરી રહ્યું છે. હવે વોટ્સએપ દ્વારા એ તમામ ફીચરને લોન્ચ કરવામાં આવશે, જેના માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો. વોટ્સએપ નથી ઇચ્છતું કે તેના યુઝર કોઈ પણ વસ્તુ માટે અન્ય એપ્લિકેશન પર નિર્ભર રહે.

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર: યુઝર હવે એપ્લિકેશનમાંથી જ સ્કેન કરી શકશે ડોક્યુમેન્ટ 2 - image

કેવી રીતે કરશો ફીચરનો ઉપયોગ?

વોટ્સએપ દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ ફીચરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આ માટે, જે વ્યક્તિને ડોક્યુમેન્ટ સેન્ડ કરવું હોય તેની ચેટ ઓપન કરવી. જો પોતાના માટે ઉપયોગમાં લેવું હોય તો વોટ્સએપમાં પોતાનું નામ સર્ચ કરીને એ ચેટ ઓપન કરવી. ત્યાર બાદ, શેર અથવા તો અટેચમેન્ટ માટેની + સાઇન પર ક્લિક કરવી. ત્યાર બાદ, ડોક્યુમેન્ટને પસંદ કરવું અને ત્યાર બાદ સ્કેન ઓપ્શનને પસંદ કરવું. એ પર ક્લિક કરતાં જ કેમેરા ઓપન થઈ જશે. આ કેમેરાની મદદથી કોઈ પણ પેપર અથવા તો ડોક્યુમેન્ટને સ્કેન કરીને એને PDF ફોર્મેટમાં સેન્ડ કરી શકાશે. આ ડોક્યુમેન્ટ સ્કેન કર્યા બાદ એને જરૂરિયાત અનુસાર એડજસ્ટ પણ કરી શકાશે, જેથી ડોક્યુમેન્ટની ક્લિયારિટી નક્કી કરી શકાય.

આ પણ વાંચો: એમેઝોન પ્રાઇમ વીડિયો યુઝર માટે દુખના સમાચાર : 2025થી એકાઉન્ટની લિમિટ પાચ ડિવાઇસ સુધી

ફાયદા

આ નવા ફીચરને કારણે થર્ડ પાર્ટી સ્કેનર્સ અને પ્રિન્ટર્સની જરૂર નહીં પડે. આ સાથે જ ડોક્યુમેન્ટ સુપર સ્પીડમાં સેન્ડ કરનાર વ્યક્તિ માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી છે. આ સાથે જ વોટ્સએપ એ વાતની ખાતરી રાખી રહ્યું છે કે સ્કેન કરેલું ડોક્યુમેન્ટ એકદમ સાફ હોય અને ઓછી સાઇઝનું હોય. એનો ઉપયોગ પ્રોફેશનલ અને પર્સનલ બન્ને રીતે કરી શકાય એની ખાતરી વોટ્સએપ રાખી રહ્યું છે.


Google NewsGoogle News