વોટ્સએપ લાવ્યું અનોખું ફીચર: યુઝર હવે બનાવી શકશે પોતાનું કસ્ટમાઇઝ AI ચેટબોટ
WhatsApp AI Feature: વોટ્સએપ દ્વારા હાલમાં આઇફોન યુઝર્સ માટે નવું વોટ્સએપ બીટા વર્ઝન 25.6.10.70 લોન્ચ કર્યું છે. આ વર્ઝનમાં એક ખૂબ જ રસપ્રદ ફીચર જોવા મળ્યું છે. અત્યાર સુધી યુઝર્સને ઘણી કંપનીઓ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટની સર્વિસ પૂરી પાડવામાં આવી છે. જોકે આ નવા વર્ઝનમાં યુઝર્સ કસ્ટમાઇઝ AI બનાવી શકે છે. યુઝર્સ પાસે ટેક્નિકલ સ્કિલ હોય કે ના હોય તો પણ હવે તેઓ એ બનાવી શકશે. ઇન્સ્ટાગ્રામમાં આ ફીચર છે અને હવે એ વોટ્સએપમાં આવી રહ્યું છે.
ક્યારે આવશે આ ફીચર?
આ ફીચર થોડા સમય પહેલાં એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં જોવા મળ્યું હતું. આ જ ફીચર હવે આઇફોન યુઝર્સમાં પણ આવી ગયું છે. કંપની હાલ બન્ને પ્લેટફોર્મ પર ફોકસ કરી રહી છે અને મેટા AI સાથે યુઝર કેવી રીતે સારી રીતે વાતચીત કરી શકે એના પર ધ્યાન આપી રહી છે. આ ફીચર હાલ ટેસ્ટિંગમાં છે અને એમાં દરેક સુધારા-વધારા કર્યા બાદ એ લોન્ચ કરવામાં આવશે.
યુઝર બનાવશે પોતાનું AI
યુઝર દ્વારા AIની પર્સનાલિટી વિશે વધુ માહિતી જણાવ્યા બાદ એને ડિઝાઇન કરવામાં આવશે. આથી, યુઝરે જે રીતે માહિતી આપી હશે એ મુજબ AI વર્તન કરશે. આથી, યુઝર તેની ઇચ્છા મુજબ AI કેવી રીતે જવાબ આપે એ નક્કી કરી શકે છે. પોતાનું AI નક્કી કરવા માટે વોટ્સએપ યુઝર્સને વિવિધ સવાલ કરશે. એમાં AI શું કરી શકવું જોઈએ અને એ બાકીઓથી કેવી રીતે અલગ હોવું જોઈએ વગેરે જેવા સવાલ કરવામાં આવશે.
વોટ્સએપ આપશે ઓપ્શન
વોટ્સએપ દ્વારા ઓપ્શન આપવામાં આવશે. જે યુઝરે ઝીરોથી શરૂઆત ન કરવી હોય એ યુઝર માટે વોટ્સએપ પોતે જવાબ પણ સૂચવશે. આ જવાબનો ઉપયોગ AIને ક્રિએટ કરવા માટે કરવામાં આવશે. આથી, ટેક્નોલોજીમાં વધુ સમજ ન હોવા છતાં, આ AI વધુ સરળ બની જશે. વોટ્સએપ યુઝર્સને જવાબ સૂચવશે, પરંતુ એમ છતાં એને યુઝર પોતાની રીતે પણ કસ્ટમાઇઝ કરી શકે છે.
આ પણ વાંચો: ગૂગલે યુટ્યૂબ પરથી કાઢ્યા 90 લાખ વીડિયો, આ લિસ્ટમાં સૌથી વધુ વીડિયો ડિલીટ થયા ભારતના
અન્ય ચેટબોટ સાથે કરી શકાશે વાતચીત
AI એક વાર બની ગયા બાદ, યુઝર તેના AIને પબ્લિશ કરી શકશે. ત્યાર બાદ એ AI ટેબમાં જોવા મળશે. આ ટેબમાં યુઝર અન્ય યુઝરના AI ચેટબોટ સાથે સંપર્ક કરી શકે છે. દરેક AIની પર્સનાલિટી અલગ હોવાથી, તેઓ અલગ રીતે જવાબ આપશે અને યુઝર એનો એક અલગ જ અનુભવ કરી શકશે. ભવિષ્યમાં આ વાતચીતને AIને વધુ ઇન્ટેલિજન્ટ બનાવવા માટે ઉપયોગ કરી શકાશે.