વોટ્સએપનું નવું ફીચર : વીડિયો કોલમાં ફિલ્ટર્સ અને બેકગ્રાઉન્ડની મસ્તી
Video Call Feature: આ ફીચરની મદદથી યુઝરનો વોટ્સએપ પર વીડિયો કોલ કરવાનો એક્સપિરિયન્સ એકદમ બદલાઈ જશે. વીડિયો કોલ દરમ્યાન યુઝર હવે ફિલ્ટર્સ અને બેકગ્રાઉન્ડને બદલી શકશે એ પણ તેમના મૂડ અને જરૂરિયાત અનુસાર. આ ફીચરની મદદથી યુઝર્સની પ્રાઇવસી પણ જળવાઈ રહેશે અને તેમના વીડિયો કોલ મજેદાર પણ બનશે.
નવા ફીચરની સાથે પ્રાઇવસીનું ધ્યાન
આ ફીચર એટલે કે વીડિયો કોલ દરમ્યાન યુઝરની પાછળ શું છે એ ન દેખાડવું હોય ત્યારે આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે મીટિંગ ચાલતી હોય અને યુઝર કોઈ એવી જગ્યાએ હોય કે સામેની વ્યક્તિને દેખાડી ન શકે તો એ માટે તે વિવિધ બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરી શકે છે. તેમ જ ઘરે હોય અને કોઈ ફ્રેન્ડને કહેવું હોય કે બહાર છું તો બેકગ્રાઉન્ડ દ્વારા પોતે ક્યાં છે એ માહિતીને પ્રાઇવેટ રાખી શકાય છે.
આર્ટિસ્ટિક ઇફેક્ટ
વોટ્સએપના નવા ફીચરમાં ફિલ્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એની મદદથી યુઝર નવી આર્ટિસ્ટિક ઇફેક્ટ્સને રાખી શકશે જેનાથી બેકગ્રાઉન્ડ એકદમ ચેન્જ થઈ જશે. યુનિક સ્ટાઇલથી ભરપૂર આ ફીચરની મદદથી વિઝ્યુઅલ પણ સારું જોવા મળશે.
દસ ફિલ્ટરનો સમાવેશ
વોટ્સએપના આ ફિલ્ટરમાં અલગ-અલગ દસ ફિલ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્ટરમાં વોર્મ, કૂલ, બ્લેક એન્ડ વાઇટ, ડ્રીમી જેવા અન્ય ફિલ્ટર્સ છે. યુઝર તેના મૂડ અનુસાર કોઈ પણ ફિલ્ટરનો જોઈએ ત્યારે ઉપયોગ કરી શકે છે.
બેકગ્રાઉન્ડ માટે પણ ઓપ્શન
યુઝરને ફિલ્ટરની સાથે બેકગ્રાઉન્ડ ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. એમાં પણ દસ બેકગ્રાઉન્ડ ઓપ્શન છે, જેમાં કાફે અને બીચ જેવા બેકગ્રાઉન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ બ્લર ઇફેક્ટ વાળું પણ બેકગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે.
કેવી રીતે કરશો ઉપયોગ?
આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે વીડિયો કોલ દરમ્યાન ઇફેક્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કરતાં જ મેનુ ખુલી જશે એમાંથી યુઝર ઓપ્શન પસંદ કરી શકશે. આ બટન વીડિયો કોલની સ્ક્રીન પર ટોપ પર રાઇટ સાઇડ આપ્યું છે. જો કે આ ફીચરને ધીમે-ધીમે રિલીઝ કરવામાં આવી રહ્યું છે જેથી ગમે તે યુઝરને ગમે ત્યારે મળી શકે છે.