જેની રાહ જોવાઈ રહી હતી તે ફીચર લાવી રહ્યું છે WhatsApp, જાણો રિવર્સ ઇમેજ સર્ચ ફીચર શું છે
Fake News: WhatsApp દ્વારા હાલમાં જ નવું ફીચર બીટા વર્ઝનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર દ્વારા WhatsApp ફેક ન્યૂઝ સામે લડે છે. થોડા મહિના પહેલાં સમાચાર આવ્યા હતા કે WhatsApp આ ફીચર પર કામ કરી રહ્યું છે. હવે તે ફીચર આવી ગયું છે. યુઝર હવે જ્યારે લાગે કે આ ફોટોમાં કોઈ તકલીફ છે, તો તે તરત જ અપલોડ કરીને ફોટો સાચો છે કે ખોટો તે ચેક કરી શકશે.
શું છે ફીચર?
WhatsApp દ્વારા આ ફીચરનું નામ 'WhatsApp રિવર્સ ઇમેજ સર્ચ' આપ્યું છે. સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ સૌથી મોટી સમસ્યા છે. આથી જ WhatsApp છેલ્લા ઘણાં સમયથી આ ફીચર પર કામ કરી રહ્યું હતું, જેના દ્વારા WhatsApp પર ખોટા સમાચારને વહેતાં અટકાવી શકાય. આ માટે WhatsApp ગૂગલનું રિવર્સ ઇમેજ સર્ચ ફીચરનો ઉપયોગ કરશે. WhatsAppના આ ફીચરની ઘણાં સમયથી રાહ જોવાતી હતી અને હવે તે રિલીઝની આરે છે. હાલ એનું બીટા વર્ઝનમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
કેવી રીતે ઉપયોગ કરશો?
WhatsApp પર આવતી ઇમેજ ઘણીવાર ફોર્વર્ડ થઈ હોય છે. આથી આ ઇમેજ સાચી છે કે ખોટી તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે. આ માટે WhatsApp દ્વારા એક ફીચર રજૂ કરવામાં આવ્યું છે, જેના પર એક ક્લિક કરવાથી તે સાચું છે કે ખોટું તે સાબિત થઈ જશે. WhatsAppની ચેટમાં ઇમેજ પર ક્લિક કરતા જ ત્રણ ડોટ વાળું મેન્યૂ જોવા મળશે. એમાં 'Search on the Web' ઓપ્શનને પસંદ કરવું. એ ઓપ્શન પસંદ કરતાં જ ગૂગલના ડેટાબેઝમાં તે ઇમેજને સર્ચ કરવામાં આવશે. આથી જ જો ઇમેજને કોઈએ એડિટ કરી હશે, તો તેની જાણ થઈ જશે.
આ પણ વાંચો: ISRO આજે લોન્ચ કરશે Spadex મિશન: જાણો ભારત માટે આ મિશન કેમ ખૂબ મહત્ત્વનું છે
કેમ આ ફીચર છે જરૂરી?
WhatsApp પર આજે જે આવે છે તે સાચું છે એવું માની લેનાર વ્યક્તિઓની સંખ્યા ખૂબ જ વધુ છે. આથી સોશિયલ મીડિયાની એ જવાબદારી બને છે કે લોકોને ગેરમાર્ગે જતાં અટકાવે અને તેમને સાચી માહિતી પૂરી પાડે. તે જ રીતે WhatsApp અથવા તો સોશિયલ મીડિયા પર જે સ્કેમ કરવામાં આવે છે તે પણ અટકાવી શકાય છે. યુઝર્સને ખોટી-ખોટી માહિતી મોકલી લુભાવવામાં આવે છે. આથી આ ફીચર દ્વારા એડ્સ સાચી છે કે ખોટી તે પણ જાણી શકાશે. એક ફિચરના ઘણાં ફાયદા છે. સાચી માહિતી મળવાની સાથે છેતરપિંડી પણ અટકાવી શકાશે. પહેલાં ગૂગલ પર જઈને અથવા તો થર્ડ-પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ સમાચાર સાચા છે કે ખોટા તે જાણી શકાતું હતું. હવે યુઝર પોતે જ આ ફીચર આપી રહ્યું છે, આથી યુઝરને પણ હવે સરળતા રહેશે.