લગ્નના આમંત્રણના નામે થઈ રહ્યાં છે સ્કેમ: વોટ્સએપ પર મેસેજ મોકલી બેન્ક એકાઉન્ટ ખાલી કરવામાં આવી રહ્યાં છે
Wedding Card Scam: દેવ ઉઠી અગિયારસ બાદ હવે લગ્ન સીઝન શરૂ થઈ ગઈ છે. આ સાથે જ સ્કેમર્સની પણ નવી યુક્તિ શરૂ થઈ ગઈ છે. વોટ્સએપ પર હવે લગ્નનું આમંત્રણ મોકલી છેતરપિંડી કરવામાં આવી રહી છે. આથી આ પ્રકારના સ્કેમથી બચવું ખૂબ જ જરૂરી છે.
વોટ્સએપ પર લગ્નનું આમંત્રણ
વોટ્સએપ પર હાલમાં લગ્નનું આમંત્રણ મોકલીને લોકોને છેતરવામાં આવી રહ્યું છે. લોકો હવે ડિજિટલ થઈ રહ્યાં છે. લગ્નની કંકોત્રી મોકલવાની જગ્યાએ હવે આમંત્રણ વોટ્સએપ પર મોકલવામાં આવે છે. આ આમંત્રણ છેલ્લા બે-ત્રણ વર્ષથી ચલણમાં છે. જોકે આ વર્ષથી આ પ્રકારના ખોટા આમંત્રણ દ્વારા છેતરપિંડીનું ચલણ જોરમાં છે. આ માટે સ્કેમ કરનારા યુઝર્સને વોટ્સએપ પર લગ્નના આમંત્રણના મેસેજ સાથે એક ફાઇલ મોકલે છે. યુઝર્સને એવું લાગે છે કે આ એક આમંત્રણ છે અને એને ડાઉનલોડ કરે છે, પરંતુ હકિકતમાં એ એક મેલવેર હોય છે જે યુઝરના ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. આ ઇન્સ્ટોલ થતાની સાથે જ તમામ માહિતી હેકર્સને મળી જાય છે અને બેન્કમાંથી પૈસા ખાલી થઈ જાય છે.
પોલીસની ચેતવણી
હાલમાં હિમાચલ પ્રદેશની પોલીસ પાસે આ પ્રકારની ઘણી ફરિયાદ આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે તેમના પર લગ્નનું આમંત્રણ આવ્યું છે અને એને ઓપન કરતાં જ પૈસા કપાઈ જાય છે. સ્કેમ કરનારા દ્વારા આ સાથે જ એન્ડ્રોઇડ ફોન માટેની apk ફાઇલ મોકલવામાં આવી રહી છે. એના પર ક્લિક કરતાં જ એ ઇન્સ્ટોલ થઈ જાય છે અને એના યુઝરને જાણ પણ નથી થતી. આ ઇન્સ્ટોલ થતાં જ યુઝરની તમામ માહિતી હેકર્સને મળી જાય છે અને એની જાણ બહાર પૈસા ખાલી થઈ જાય છે. વન-ટાઇમ-પાસવર્ડને પણ હેકર્સ સરળતાથી વાંચી લે છે.
કેવી રીતે થાય છે સ્કેમ?
આ મેલવેર ઇન્સ્ટોલ થઈ ગયો તો યુઝરના તમામ ડેટા હેકર્સને મળી જાય છે. આથી સીધા બેન્ક એકાઉન્ટમાંથી જ એ રકમ ખાલી થઈ જાય છે. આ સાથે જ સ્કેમર્સ યુઝરના મોબાઇલનો ઉપયોગ અન્ય વ્યક્તિને છેતરવા માટે પણ કરે છે. ઉદાહરણ તરીકે, યુઝરના ફોન પરથી અન્ય વ્યક્તિને મેસેજ કરે છે અને તેમની પાસે પૈસા માગે છે. આ માટે સામેની વ્યક્તિને બારકોડ પણ અલગ આપે છે અને એના પર સેન્ડ કરવા કહે છે. આથી, મોબાઇલ નંબર સાચો હોવાથી કોઈ પણ નજીકની અને જાણીતી વ્યક્તિ પૈસા મોકલી આપે છે. ઘણી વાર એવું પણ કહેવામાં આવે છે કે મારું UPI નથી ચાલતું, એથી મહેરબાની કરીને એક બારકોડ મોકલું, એના પર હજાર રૂપિયા કે એનાથી થોડી વધુ રકમનું પેમેન્ટ કરવા માટે કહે છે. આ નાની રકમ હોવાથી કોઈ પણ વ્યક્તિ તરત મોકલી દે છે. એક કોલેજ યુઝરના ફોનને હેક કરીને તેના પિતાને મેસેજ કરવામાં આવે તો તે બહુ જલદી પૈસા સેન્ડ કરી દે છે. આથી, એક યુઝરના મોબાઇલને ટાર્ગેટ કરીને ઘણી વ્યક્તિ પાસેથી પૈસા પડાવી શકાય છે.
આ પણ વાંચો: ગૂગલ પર ભૂલમાં પણ આ લાઇન સર્ચ કરશો... તો બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જશે
કઈ વસ્તુનું ધ્યાન રાખશો?
હંમેશાં એટેચમેન્ટમાં કોઈ પણ વસ્તુ આવે તેને સીધી ડાઉનલોડ નહીં કરવી. કઈ વ્યક્તિએ મોકલી છે અને કઈ ફાઇલ છે એ ધ્યાનમાં લેવું. જાહેરાત માટેની કોઈ પણ ફાઇલ હોય એને ડાઉનલોડ ન કરવી. તેમ જ અજાણી વ્યક્તિના મેસેજને પણ ઓપન ન કરવું. કોઈ પણ વ્યક્તિ મેસેજ દ્વારા પૈસાની ડિમાન્ડ કરે તો એક વાર એને ફોન કરીને ચેક કરવું કે શું તે ખરેખર પૈસા માગી રહ્યો છે. પ્રેમમાં આંધળા બની સીધા પૈસા સેન્ડ ન કરી દેવા. ફોનમાં બને ત્યાં સુધી બેન્કની ડિટેઇલ સેવ ન રાખવી. કોઈ પણ પ્રકારની સેન્સિટીવ માહિતીને સેવ કરવાથી દૂર રહેવું. લગ્નની સિઝન હોવાથી કોઈ પણ આમંત્રણને ઓપન ન કરવું. હંમેશાં એ વ્યક્તિને પહેલાં ફોન કરીને એક વાર માહિતી મેળવી લેવી. બને ત્યાં સુધી આ પ્રકારના સ્કેમ કરનાર વ્યક્તિ કોઈ દિવસ ફોન નથી ઉપાડતાં. ઉપાડે તો પણ એ વ્યક્તિ ઓળખીતી છે કે નહીં એ જાણી શકાશે.