વોટ્સએપમાં બીજી મેસેજિંગ એપ્સ પણ ચલાવી શકાશે?!
છેલ્લા થોડા સમયમાં વોટ્સએપમાં સંખ્યાબંધ નવાં ફીચર્સ ઉમેરાયાં છે અને હવે તેમાં હજી એક ઘણો મોટો ફેરફાર થવાની શક્યતા છે - કદાચ આપણે વોટ્સએપમાંથી જ અન્ય મેસેજિંગ એપ્સ, જેમ કે સિગ્નલ, ટેલિગ્રામ વગેરેનો ઉપયોગ કરી શકીશું!
આ ફેરફારનું કારણ એ છે કે યુરોયિપન યુનિયન ઇન્ટરનેટ પરની વિવિધ સર્વિસ માટે નવો કાયદો લાવી રહ્યું છે. આ નવો કાયદો ‘ડિજિટલ માર્કેટ્સ એક્ટ (ડીએમએ) તરીકે ઓળખાય છે અને તે ઇન્ટરનેટની છ સૌથી મોટી કંપનીઓને લાગુ થશે.
તમને યાદ હોય તો ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવસ્થા પોપ્યુલર થઈ એ પહેલાં વિવિધ કંપનીના મોબાઇલ વોલેટ્સ ચલણમાં હતાં. એ બધાંની તકલીફ એ હતી કે તે ‘ઇન્ટરઓપરેબલ’ નહોતાં. એટલે કે આપણા મોબાઇલમાં કોઈ એક કંપનીનું મોબાઇલ વોલેટ હોય તો સામેની વ્યક્તિના મોબાઇલમાં એ જ કંપનીનું મોબાઇલ વોલેટ હોય તો જ બંને વચ્ચે રૂપિયાની આપ-લે થઈ શકે. યુપીઆઇ વ્યવસ્થાને કારણે એ બધી તકલીફો દૂર થઈ ગઈ.
અત્યારે ઇન્ટરનેટ પર મેસેજિંગ બાબતે લગભગ એવી જ સ્થિતિ છે. વોટ્સએપ પર મેસેજની આપ-લે કરવા માટે સામસામેના પક્ષે મોબાઇલમાં વોટ્સએપ હોવી જોઇએ. કંઈક એવું જ એપલના આઇમેસેજ બાબતે અને અન્ય મેસેજિંગ એપ બાબતે છે.
યુરોપિયન યુનિયન આવી વિવિધ પ્રકારની મોનોપોલી તોડવા માગે છે. એ માટેના કાયદાને ધ્યાનમાં રાખીને વોટ્સએપમાં થર્ડ પાર્ટી એપ્સને સાંકળી લેવાનું ફરજિયાત બનશે. વોટ્સએપે એ દિશામાં કામ શરૂ પણ કરી દીધું છે. જોકે આવું ખરેખર કેવી રીતે શક્ય બનશે એ વિશે અત્યારે કોઈ જ સ્પષ્ટતા નથી. વોટ્સએપમાં અન્ય મેસેજિંગ એપ તરફથી આવતા મેસેજ કેવી રીતે દેખાશે, આપણે ખરેખર અલગ અલગ એપ વચ્ચે એક જ એપમાંથી મેસેજની આપલે કેવી રીતે કરી શકીશું, એનક્રિપ્શનનું શું થશે, કઈ કઈ એપ એકબીજા સાથે ઇન્ટિગ્રેટ થશે, ભારતમાં પણ આવી સવલત મળશે કે કેમ, વગેરે અત્યારે માત્ર સવાલો છે, તેના જવાબો નથી.