વોટ્સએપને તમામ યૂઝર્સને યુપીઆઈ સગવડ આપવાની છૂટ
નવા વર્ષના પ્રારંભે તમને કોઈ સ્પેશિયલ ગિફ્ટ મળી હોય કે ન મળી હોય, વોટ્સએપને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) તરફથી એક મોટી
ભેટ મળી છે. એ મુજબ, હવે ભારતમાં વોટ્સએપના તમામ
યૂઝર્સ તેમની વોટ્સએપમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવસ્થાનો લાભ લઈ
શકશે.
અત્યાર સુધી વોટ્સએપને તબક્કાવાર, અમુક નિશ્ચિત સંખ્યામાં જ યૂઝર્સને
આ સગવડ આપવાની છૂટ મળી હતી. તેનાં બે કારણ હતાં - એક, વોટ્સએપ દ્વારા લોકોના યુપીઆઇ-બેન્કિંગ સંબંધિત ઉપયોગના ડેટા પર ભારતનો અંકુશ
રહેવો જોઈએ એવો સરકારનો આગ્રહ હતો. બીજું કારણ એ કે ભારતમાં વોટ્સએપનો ઉપયોગ કરતા
લોકોની અત્યંત વિશાળ સંખ્યા જોતાં, યુપીઆઇની આખી વ્યવસ્થાનો લગભગ
બધો ભાર એક જ એપ પર આવી ન પડે એ જોવું પણ જરૂરી હતું. હવે લાગે છે કે આ બંને કારણો
કે ચિંતાનું સમાધાન થઈ ગયું છે. હવે વોટ્સએપના ભારતમાંના તમામ - લગભગ પચાસ કરોડ -
યૂઝર્સ યુપીઆઇનો ઉપયોગ કરી શકશે.
હવે બે મહત્ત્વની વાત. વોટ્સએપમાં પણ યુપીઆઇનો ઉપયોગ સલામત જ છે, આથી તમે વોટ્સએપમાં યુપીઆઇનો લાભ લેવા ઇચ્છતા હો અને હજી તમને તેનો લાભ મળ્યો
ન હોય, તો વોટ્સએપ એપના સેટિંગ્સમાં
જાઓ, તેમાં પેમેન્ટ્સ પર ક્લિક કરો અને સૂચના
અનુસાર આગળ વધતા જાઓ. આ રીતે તમારા બેન્ક એકાઉન્ટને યુપીઆઇ વ્યવસ્થા કનેક્ટ કરી
શકાશે. બીજી, હજી વધુ મહત્ત્વની વાત એ કે
વોટ્સએપના કરોડો યૂઝર્સ છે એટલે આમ પણ, આપણી સાથોસાથ હેકર્સની પણ એ
ફેવરિટ એપ છે. ડિજિટલ એરેસ્ટ કે અન્ય પ્રકારના સાયબર ફ્રોડમાં ફસાવતા કોલ્સ મોટા
ભાગે વોટ્સએપ પર આવે છે. હવે તમને વોટ્સએપમાં પેમેન્ટ રિક્વેસ્ટના મેસેજ પણ આવી
શકે છે. એ હેકર્સ તરફથી પણ હોઈ શકે છે. આંખો મીંચીને ક્લિક કરશો નહીં!
ખરું જોતાં, વોટ્સએપનો ભારતમાં ફેલાવો
જોતાં, તેના પર એક ક્લિકમાં રૂપિયાની
લેવડદેવડ ગ્રાહકો અને નાના-મોટા બિઝનેસ બંને માટે બહુ લાભદાયી બની શકે. પરંતુ હવે
તકલીફ એ છે કે વોટ્સએપનો ઉપયોગ આપણે બધા કરીએ છે, પણ રૂપિયા બાબતે તેના પર ભરોસો મૂકતાં ખચકાઇએ છીએ!