માઇક્રોસોફ્ટ ટિક-ટોક ખરીદશે તો ચીનને પડશે મોટો ફટકો? જાણો શું થઈ શકે છે અસર...
Microsoft And Tik-Tok Partnership: અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ કહ્યું છે કે ટિક-ટોક ખરીદવા માટે માઇક્રોસોફ્ટ વાતચિત કરી રહ્યું છે. ટિક-ટોકને અમેરિકામાં બેન કરવામાં આવ્યું હતું. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એનામાં એક શરત મૂકી હતી કે 50 ટકા ભાગીદારી અમેરિકાને વેચવી પડશે. આ માટે હવે ઘણી કંપનીઓ એને ખરીદવા માટે કમરકસી રહી છે. એમાં માઇક્રોસોફ્ટ પણ છે. જો માઇક્રોસોફ્ટ એ ખરીદવામાં સફળ રહે તો માર્કેટ પર એની ઘણી અસર પડી શકે છે.
ટિક-ટોકનો વિવાદ
ચીનની કંપની બાઇટડાન્સ દ્વારા ટિક-ટોક શરૂ કરવામાં આવ્યું હતું. આ એક શોર્ટ વીડિયો પ્લેટફોર્મ છે. આ સોશિયલ મીડિયા દુનિયાભરના ઘણા દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે, ખાસ કરીને ટીનેજરમાં. ભારતમાં તો ટિક-ટોક બેન છે, પરંતુ અમેરિકામાં પણ એને બેન કરવામાં આવ્યું હતું. તે ફરી કાર્યરત કરી શકાય એ માટે ટિક-ટોકના અમેરિકન યુનિટના પચાસ ટકા હિસ્સો વેચવા માટેની તેમને ફરજ પડી હતી. માઇક્રોસોફ્ટ આ યુનિટ ખરીદવા માટેની તૈયારી બતાવી રહ્યું છે. ટેક્નોલોજી અને ડેટા સિક્યુરિટીમાં માઇક્રોસોફ્ટ ખૂબ જ આગળ છે અને આ વિષયને કારણે જ એને બેન પણ કરવામાં આવ્યું હતું. આથી માઇક્રોસોફ્ટ જો એ ખરીદી લે તો ટેક્નોલોજી અને ડેટા સિક્યુરિટીના અમેરિકાના પ્રશ્નનું નિવારણ આવી જશે.
માઇક્રોસોફ્ટની બિઝનેસ સ્ટ્રેટેજી
માઇક્રોસોફ્ટ દ્વારા આ યુનિટ ખરીદવામાં આવે તો સોશિયલ મીડિયાના જગતમાં મેટા કંપની અને ઇલોન મસ્ક બાદ માઇક્રોસોફ્ટની પણ પકડ મજબૂત બનશે. માઇક્રોસોફ્ટ હાલ લિંકડઇન ચલાવી રહ્યું છે અને ટિક-ટોક પણ ખરીદી લે તો માર્કેટમાં એ વધુ મોખરે આવી શકે છે. યૂઝરને સોશિયલ મીડિયા સાથે જકડી રાખવા માટે ટિક-ટોકની એલ્ગોરિધમ ખૂબ જ સારી રીતે કામ કરે છે. એનાથી માઇક્રોસોફ્ટને પણ ખૂબ જ ફાયદો થશે. તેઓ ટિક-ટોકના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને તેની ઘણી પ્રોડક્ટ્સમાં ઉપયોગ કરી શકશે. ટિક-ટોક પર વધુ પ્રમાણમાં યૂઝર્સ છે અને એથી એનો એડવર્ટાઇઝમેન્ટનો બિઝનેસ પણ ખૂબ જ મોટો છે. આથી એડ્સના બિઝનેસમાં પણ માઇક્રોસોફ્ટને ઘણો ફાયદો થઈ શકે છે.
ચીન પર શું થશે અસર?
માઇક્રોસોફ્ટ જો ટિક-ટોકને ખરીદી લે તો બિઝનેસ કરતાં પણ ચીન પર ઘણી મોટી અસર જોવા મળશે. ચીન પર ઘણી વાર ડેટા કલેક્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને જો એ વાત સાચી હોય તો માઇક્રોસોફ્ટની ખરીદી બાદ એ બંધ થઈ જશે. આથી પૈસા કરતાં પણ ચીનને ડેટાને લઈને મોટો ફટકો પડી શકે છે. આ સાથે જ ચીનનું ટેક્નોલોજીને લઈને જે માર્કેટમાં વર્ચસ્વ છે એ પણ ઓછું થઈ જશે.
નેશનલ સિક્યુરિટીનો પ્રશ્ન નીકળી જશે
અમેરિકાએ જ્યારે ટિક-ટોકને બેન કર્યું ત્યારે તેણે નેશનલ સિક્યુરિટી અને ડેટા કલેક્શનને મહત્ત્વનો મુદ્દો બનાવ્યો હતો. આ ડેટાનું એક્સેસ ચીનને મળે તો એને ખૂબ જ ફાયદો થાય છે. જો કે જે દેશના ડેટા હોય તેમના માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે. જો માઇક્રોસોફ્ટ એ ખરીદી લે તો અમેરિકાના તેના યૂઝર્સના ડેટા લીક થવાનો કે પછી પ્રાઇવસીનો ટેન્શન દૂર થઈ જશે. અમેરિકાના માટે પણ એ નેશનલ સિક્યુરિટીના વિષય નહીં રહે.
ચીનની ટેક્નોલોજી પર પ્રેશર
આ ડીલ થઈ તો અમેરિકા અને ચીન બન્નેની ટેક્નોલોજી પર અસર પડશે. ચીન પોતાની ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે અને અમેરિકાના નિયમ મુજબ કેટલાક અવરોધ થઈ શકે છે. આથી એ પ્રમાણે બદલાવ કરવા માટે ચીનના એન્જિનિયરને પ્રેશર આવી શકે છે. આથી ચીન પર ટેક્નોલોજીને લઈને પણ પ્રેશર આવી શકે છે અને આ પ્રેશરને લઈને ચીનનું જ્યાં જ્યાં પ્રભુત્વ છે તેં ઓછી થઈ શકે છે.
ઇકોનોમિની દ્રષ્ટિએ ચીનને થશે અસર
ચીન દ્વારા તેની કંપનીઓમાં ઘણી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. તે કંપનીઓ દુનિયાભરના દેશમાં પર્ફોર્મ કરે એ માટે સરકાર દ્વારા ઘણી મદદ કરવામાં આવે છે. જો કે ચીનની કંપનીઓની ટેક્નોલોજી અન્ય દેશો દ્વારા સ્વિકારવામાં નથી આવતી. પરિણામે, તેમને બેન કરવામાં આવે છે. હવે અમેરિકાએ એનો નવો રસ્તો શોધ્યો છે. તે પચાસ ટકાની ભાગીદારી ખરીદી રહ્યાં છે. આથી કોઈ પણ નિર્ણયમાં તેમનો હક હશે. આથી, તેનો ફાયદો અમેરિકાને થશે, પરંતુ ચીનની આવક ઓછી થશે અને તેના પર નિયમો લાગુ પડશે. આથી ચીનની કંપનીઓ હવે દુનિયાભરમાં પર્ફોર્મ કરવા કરતાં ડોમેસ્ટિક માર્કેટ પર ફોકસ કરી શકે છે. પરિણામે ચીનની આવક પર તેની અસર થઈ શકે છે. ચીન અને અમેરિકાની ટેક્નોલોજી વોર પણ ચાલી રહી છે. આ પાર્ટનરશિપ દ્વારા તે વોર વધુ આક્રમક બની શકે છે અથવા દૂર થઈ શકે છે.