આપણા સીધા ઉપયોગમાં ન દેખાતી જીઆઈએસ ટેકનોલોજી શું છે ?
- {uÃMk{kt SÃkeyuMk ykÃkýu {kxu òýeíke ðkík Au, Ãký yu s {uÃMk{kt SykRyuMk rðþu Ãký òýðk suðwt Au
આજના સ્માર્ટફોનના સમયમાં આપણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ
(જીપીએસ)ને બરાબર ઓળખીએ છીએ, પણ જીઆઇએસ વિશે કોઈ કંઈ પૂછે તો ચકરાવે ચઢીએ. આ પ્રશ્ન આપણે વીકિપિડીયાને પૂછીએ તો એ
કહેશે કે જિઓગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ (જીઆઇએસ) એક કન્સેપ્ચ્યુઅલાઇઝ્ડ ફ્રેમવર્ક
છે જે સ્પેશિયલ (spatial)
અને જિઓગ્રાફિક ડેટાને
કેપ્ચર અને એનેલાઇઝ કરવાની સગવડ આપે છે.
આટલું વાંચીને ફિલ્મ થ્રી ઇડિયટમાં આમીર ખાને પ્રોફેસરને
બુકની લાંબીલચક અને ટેકનિકલ ડેફિનેશન આપી હતી એ યાદ આવી ગઈ?!
જીઆઇએસ આમ જુઓ તો બહુ સાદી વાત છે અને આપણે માટે ઘણી બધી રીતે ઉપયોગી પણ છે. આ
ટેકનોલોજી સતત વિસ્તરી રહી છે અને તેનો આપણા રોજિંદા જીવનને સ્પર્શતાં અનેક
ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે.
કોઈ પણ વિસ્તાર અંગેની વિવિધ માહિતીને ડિજિટલ મેપ પર દર્શાવવામાં આવે અને આ
બધા ડેટાને એકમેક સાથે સાંકળીને તેમાંથી અર્થો તારવવામાં આવે તે આખી વ્યવસ્થાને
જિયોગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ (જીઆઇએસ) કહે છે.
જીઆઇએસ શું છે એ સમજવા માટે આપણે એકમેક પર ગોઠવેલા જુદા જુદા પારદર્શક કાચના
લેયર્સની કલ્પના કરી શકીએ. આમાંથી એક લેયર ડિજિટલ મેપનું હોય અને બીજાં જુદાં
જુદાં લેયર્સમાં, અલગ અલગ લોકેશનને સંબંધિત અલગ
અલગ પ્રકારનો ડેટા હોય.
માની લો કે કોઈ શહેરમાં લોકો અને વાહનોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને
શહેરના રસ્તાઓનું નેટવર્ક વિસ્તારવાનું છે. તેના યોગ્ય પ્લાનિંગમાં જીઆઇએસ કામ
લાગી શકે. તેમાં આપણી કલ્પના મુજબ, કાચના એક લેયરમાં આખા શહેરનો
ડિજિટલ મેપ હોય, બીજા લેયરમાં શહેરમાં ફક્ત
રસ્તાઓ દર્શાવ્યા હોય, ત્રીજા લેયરમાં વિસ્તાર મુજબ
વાહનોની સંખ્યા દર્શાવી હોય, ચોથા લેયરમાં વિસ્તાર મુજબ
રહેતા લોકોની સંખ્યા દર્શાવી હોય... આવાં લગભગ અનલિમિટેડ લેયર્સ ઉમેરી શકાય. આ
બધાં લેયર્સમાંથી આપણે ઇચ્છીએ તે લેયરને ચાલુ કે બંધ કરી શકીએ. આથી લોકેશન અને
તેને સંબંધિત જુદા જુદા પ્રકારના ડેટાને નવી નજરે જોવાની તક મળે.
જો બધાં લેયર્સ એક સાથે ઓફ રાખ્યાં હોય તો જરૂરિયાત મુજબનાં લેયર્સ એક પછી એક
ઓન કરતાં હાથ પરની બધી માહિતીને બહુ સ્પષ્ટ તરીકે સમજી શકાય અને એ મુજબ આગળના
નિર્ણયો લઈ શકાય.
બીજું ઉદાહરણ જોઈએ તો, ગુજરાતના ગીરના જંગલમાં ૨૦-૨૫
વર્ષ પહેલાં વૃક્ષોનું પ્રમાણ જેટલું હતું તેની સેટેલાઇટ ઇમેજિસનો ડેટા અને હાલની
સ્થિતિની સેટેલાઇટ ઇમેજિસનો ડેટા જીઆઇએસમાં અલગ અલગ લેયર્સ સ્વરૂપે જોવામાં આવે તો
ખ્યાલ આવી શકે કે સ્થિતિ બગડી છે કે સુધરી છે. એ ઉપરાંત, ગીરના કોઈ ચોક્કસ ભાગમાં સ્થિતિ બગડી હોવાનું ધ્યાનમાં તો ત્યાં જ ફોકસ કરીને
જરૂરી પગલાં લઈ શકાય.
આગ જેવી સ્થિતિમાં, નજીકના ફાયરસ્ટેશનથી આગના
સ્થળે ફાયર ફાઇટર્સને ઝડપથી પહોંચાડવા માટે કયો રૂટ સૌથી ટૂંકો પડશે, કયા રૂટ પર ટ્રાફિક ઓછો હશે વગેરે નિર્ણયમાં જીઆઇએસ મદદરૂપ થઈ શકે.
મોટાં શહેરમાં ઝુંપડપટ્ટીઓમાં વિસ્તાર મુજબ લોકોની વસતી, જાહેર અને ઘરદીઠ શૌચાલયનું સ્થિતિ વગેરે ડેટાને જીઆઇએસમાં ફીડ કરવામાં આવે તો
તેનાથી કયા વિસ્તારમાં કેવાં પગલાં લેવાની જરૂર છે તેના નિર્ણય સહેલા બની જાય છે.
આખા રાજ્યમાં વિસ્તાર મુજબ ભૂગર્ભજળની સ્થિતિ, વરસાદનું પ્રમાણ, લોકોની વસતિ, ખેતીવાડીનું પ્રમાણ, સિંચાઈની સ્થિતિ, કેવા પ્રકારના પાક લેવામાં આવે છે વગેરે ડેટાને જીઆઇએસમાં ફીડ કરી, જુદાં જુદાં ડેટા લેયર્સને એકમેક સાથે સરખાવીને આગલાં પગલાં નક્કી કરી શકાય
છે.
આમ જીઆઇએસના બહુ વ્યાપક ઉપયોગ છે - આજના સ્માર્ટસિટીના જમાનામાં તો ખાસ!