ડિજિટલ અરેસ્ટ સ્કેમ: શું છે એ જાણો અને એનાથી કેવી રીતે બચવું એ જુઓ…
Digital Arrest Scam: આજકાલ ડિજિટલ અરેસ્ટ સ્કેમ ખૂબ જ ચાલી રહ્યો છે. આ સ્કેમનું નામ પણ ડિજિટલ અરેસ્ટ આપવામાં આવ્યું છે. જોકે એમાં કોઈ લીગલ કાર્યવાહી નથી હોતી અને પોલીસનો પણ સમાવેશ નથી થતો. આ પ્રકારના સ્કેમ હાલમાં ખૂબ જ ચાલી રહ્યાં છે. દિલ્હીની એક 72 વર્ષની મહિલાના 83 લાખ રૂપિયા આ રીતે પડાવી લેવામાં આવ્યાં છે. તેમ જ નોઇડાના એક ડોક્ટરના આ રીતના સ્કેમમાં 60 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ સ્કેમ વિશે જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી છે.
ડિજિટલ અરેસ્ટ સ્કેમ શું છે?
આ માટે સ્કેમર્સનો ફોન આવે છે. તેઓ પોલીસમાંથી અથવા તો CBI અથવા તો કોઈ પણ અન્ય ઓથોરિટીની વ્યક્તિ હોવાનો દાવો કરે છે. ઘણી વાર આ કોઈ પાર્સલ કંપનીની ઓફિસર લેવલની વ્યક્તિ હોવાનો પણ દાવો કરે છે અને તે દરેક માહિતી આપીને ફોન CBI અથવા તો સાઇબર સેલનો ટ્રાન્સફર કરવાની વાત કરે છે. આ વ્યક્તિ તમને કહે છે કે તમે અથવા તો ઘરની અન્ય કોઈ વ્યક્તિ ગેરકાયદેના કામ સાથે સંકળાયેલા છો. આ લખનાર પર FEDEXમાંથી ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે મારા નામ પરથી ઇરાનમાં પાર્સલ મોકલવામાં આવ્યું છે. આ પાર્સલ મુંબઈથી ઇરાન મોકલવામાં આવ્યું છે અને એમાં એક લેપટોપ, પાંચ કિલો કપડાં, બે એક્સપાયર થઈ ગયેલા પાસપોર્ટ અને LSG ડ્રગ્સ પકડાયું છે. આ પ્રિપેઇડ કુરિયર હતું અને એ માટે 96410 રૂપિયા પહેલેથી ચૂકવી દેવામાં આવ્યા હતા અને ICICIનું ડેબિટ કાર્ડ જેના છેલ્લા ચાર ડિજીટ 7285 હોવાનું કહેવામાં આવ્યું હતું.
આ સાથે જ તેની ઓફિસનો આઇડી નંબર અને પાર્સલ નંબર પણ આપવામાં આવ્યો હતો. આ સાથે તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરી હોવાનો એફઆરઆઇ નંબર પણ શેર કરવામાં આવ્યો હતો. આ દરેક માહિતી આપ્યા બાદ એમ કહેવામાં આવ્યું હતું કે આ ફોનને હવે મુંબઈના સાઇબર સેલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. આ વ્યક્તિ દ્વારા એટલી ડિટેઇલમાં કામ કરવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એમાં ભોળવાઈ શકે છે. જોકે એ વ્યક્તિએ ભૂલ એ કરી હતી કે આ પ્રકારના કેસમાં ક્યાં તો કસ્ટમ ઓફિસર અથવા તો નાર્કોટિક્સ બ્યુરો દ્વારા કેસ હેન્ડલ કરવામાં આવે છે.
આથી આ ફોન સ્કેમ હોવાનું તેણે જ્યારે સાઇબર સેલનું નામ કહ્યું ત્યારે ધ્યાનમાં આવ્યું હતું. આ રીતે તેમના દ્વારા પેનિક ઊભું કરવામાં આવે છે અને ત્યાર બાદ આ કેસમાંથી નામ કાઢવા માટે પૈસા પડાવી લેવામાં આવે છે. ઘણી વાર આ પ્રકારના કેસમાં વીડિયો કોલ કરીને પણ એક માહોલ તૈયાર કરવામાં આવે છે અને વ્યક્તિને છેતરવામાં આવે છે. આ સાથે જ તેઓ વીડિયો કોલ પરથી એક સેકન્ડ પણ નજર નહીં હટાવવા માટે કહે છે તેમ જ પૈસા પણ વીડિયો કોલ ચાલુ હોય ત્યારે જ કરવા કહે છે જેથી વ્યક્તિને વિચારવા માટે સમય પણ નથી મળતો. પૈસા જ્યાં સુધી ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી ફોન ચાલુ રાખે છે અને એ પાછળ કલાકો નિકળી જાય તો પણ તેઓ હાર નથી માનતા.
તેઓ કોને ટાર્ગેટ બનાવે છે?
તેઓ બને ત્યાં સુધી એવી વ્યક્તિને ટાર્ગેટ બનાવે છે જેમના વિશે તેમને પૂરતી માહિતી મળી રહે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ બહાર પાર્સલ કરતી રહેતી હોય તો એની ઘણી માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવે છે. ક્યા ફરવા ગયા હતા અને કેવી રીતે ગયા અને એ તમામ માહિતી પરથી એક પ્લાન બનાવવામાં આવે છે. વ્યક્તિ વિશેની માહિતી કેવી રીતે મળે છે એના પરથી પ્લાન નક્કી કરવામાં આવે છે. આ સાથે જ ઓનલાઇન વધુ માહિતી ન મળતી હોય એવી વ્યક્તિને પણ પકડવામાં આવે છે.
તેમના કહેવા મુજબ મુજબ ઓનલાઇન માહિતી ન હોય એ વ્યક્તિ એટલો ઓનલાઇન અપડેટેડ ન હોય એવું પણ બની શકે છે. જો કે ઓનલાઇન માહિતી કેટલી સાચવવી એ ખબર હોય એવી વ્યક્તિને પણ તેઓ ભૂલમાં ટાર્ગેટ કરે છે, પરંતુ એમાં તેમનો પ્લાન સફળ નથી થતો. દસ કેસમાંથી એક કેસમાં પણ પ્લાન સફળ થયો તો પણ તેમને ઘણાં પૈસા મળી જાય છે. આ પ્રકારનું રેકેટ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલે છે.
એક રિપોર્ટ મુજબ અન્ય દેશમાં કામ આપવાના બહાને તેમને લઈ જવામાં આવે છે અને ત્યાર બાદ તેમની પાસે આ પ્રકારના કામ કરાવવામાં આવે છે. ઘણાં સ્કેમ કરવારા હરિયાણાના હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોતાને કેવી રીતે પ્રોટેક્ટ કરશો?
આ પ્રકારના કોઈ પણ ફોન આવે ત્યારે ડરવા કરતાં શાંતિથી વાત કરવી. તેમને ઊંધા-સીધા સવાલો કરી ગૂંચવી માહિતી મેળવવાની કોશિશ કરવી. તેમ જ આ પરિસ્થિતિને થાળે પાડવા માટે રૂબરૂમાં મુલાકાત કરવાનું કહેવું. આ પ્રકારના જ્યારે પણ ફોન આવે ત્યારે ડરવા કરતાં આ પ્રકારની જેને માહિતી હોય એની મદદ લેવી. તેમ જ સાઇબરક્રાઇમની હેલ્પલાઇન અથવા તો વેબસાઇટ પર જઈને તરત જ ફરિયાદ પણ કરી શકાય છે.