શું છે ડેટા સેન્ટર? ગૂગલ, મેટા, એપલ જેવી કંપનીઓ કેમ કરી રહી છે અબજોનું રોકાણ
Data Center: ગૂગલ, માઇક્રોસોફ્ટ અને મેટા જેવી ટોચની ટેક કંપનીઓ ડેટા સેન્ટર્સ પાછળ હજારો કરોડો ડોલર ખર્ચ કરી રહી છે. આ કંપનીઓ પોતાના ડેટા સેન્ટર્સ માટે ન્યુક્લિયર પ્લાન્ટ પણ બનાવી રહી છે, જેમાંથી જનરેટ થતી વીજળીનો ઉપયોગ આ સેન્ટર્સ માટે કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે કંપનીઓ હવે વધુ પ્રમાણમાં ડેટા સેન્ટર્સ શરૂ કરી રહી છે અને તેની પાછળ ભારે ખર્ચ કરી રહી છે.
શું છે ડેટા સેન્ટર?
કોઈ પણ કંપનીના દુનિયાભરમાં કરોડો અને અબજો યૂઝર્સ હોય છે. આ તમામ યૂઝર્સના ડેટા જ્યાં સ્ટોર કરવામાં આવે છે તેને ડેટા સેન્ટર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઇન્સ્ટાગ્રામ પર જે પણ યૂઝરની પ્રોફાઇલ છે, તેના ફોટા અને વીડિયો ડેટા સેન્ટરમાં સ્ટોર થાય છે. કંપનીના જેટલા વધુ યૂઝર્સ હોય તે મુજબ તેના ડેટા સેન્ટર્સ વધારે અને મોટા હોય છે. આ પ્રકારના ડેટા સેન્ટર્સ માટે મોટા સર્વરનો ઉપયોગ કરવામાં આવે છે અને સર્વરો સતત ચાલું રહે તે માટે વીજળીની જરૂરિયાત હોય છે. તે ઉપરાંત, સર્વરોને ઠંડા રાખવા માટે સેન્ટ્રલ એર કન્ડીશનર્સ પણ ચાલુ રહે છે, જે માટે પણ વીજળીની જરૂર પડે છે. આ માટે, આ કંપનીઓને ભારે ખર્ચ કરવો પડે છે.
મોર્ડન ડેટા સેન્ટર
મોટા ભાગની કંપનીઓ ફિઝિકલ સર્વર્સને બદલે ક્લાઉડ સર્વર્સનો ઉપયોગ કરે છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ અને મેટા જેવી કંપનીઓ દરેક દેશમાં ડેટા સેન્ટર નથી બનાવતી. તેઓ કેટલીક પસંદગીની જગ્યાએ મોટા ડેટા સેન્ટર્સ બનાવી રહી છે. ભારત, એક મોટું માર્કેટ હોવાથી, અહીં હવે ગૂગલ અને મેટા જેવી કંપનીઓ ડેટા સેન્ટર્સ બનાવી રહી છે. જે દેશોમાં ડેટા સેન્ટર નથી, ત્યાં ક્લાઉડ સર્વરનો ઉપયોગ થાય છે, જેમાં પણ મોટા ખર્ચા થાય છે. હાલના સમયમાં AI ડેટા સેન્ટર્સ તરફ વધતા જઇ રહ્યાં છે. આ માટે વિશાળ સ્ટોરેજની જરૂર હોય છે. AI ચેટબોટ યૂઝર્સના દરેક સવાલના જવાબ આપે છે અને તે ડેટા સ્ટોર કરવા માટે ઘણી જગ્યા હોય તેવું જરૂરી છે. આથી, AI સાથે કંપેટિબલ સિક્યોર ડેટા સેન્ટર્સ બનાવવા માટે મોટી કંપનીઓ નેવસ્ટ કરી રહી છે.
હજારો કરોડોમાં ઇનવેસ્ટમેન્ટ
ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ અને મેટા ડેટા સેન્ટર્સ પાછળ હજારો કરોડો ડોલરનો ખર્ચ કરી રહી છે. ગૂગલ પહેલેથી જ કહી ચૂક્યું છે કે 2030 સુધીમાં તે તેના ડેટા સેન્ટર્સ માટે ન્યૂક્લિયર એનર્જીનો ઉપયોગ કરશે. માઇક્રોસોફ્ટે ન્યૂક્લિયર પ્લાન્ટને રિવાઇવ કરવા માટે કોન્ટ્રાક્ટ આપી દીધો છે. મેટા કંપનીને દુર્લભ મધમાખીની પ્રજાતિને કારણે પોતાની પ્લાનિંગમાં રોક લાગી છે. દરેક કંપનીઓ આ ક્ષેત્રે વિપુલ મૂડીરોકાણ કરી રહી છે. આવનારા સમયમાં AI ટેક્નોલોજીનો વધુ વિકાસ થશે અને તે મુજબ ઇનવેસ્ટમેન્ટમાં વધારો થશે. આ AI માટેની સ્પર્ધામાં દરેક કંપનીઓ પોતાના પાવરફુલ AI સોલ્યુશન્સ વિકસાવવાની હોડમાં લાગી છે, અને તે માટે વિશાળ મૂડી રોકી રહી છે.