શું છે સાયબર કિડનેપિંગ, ઓનલાઈન કિડનેપિંગ કરીને કેવી રીતે પૈસા પડાવાય છે?
કોઈ માણસ પાસેથી ખંડણી લેવા માટે કોઈ પણ વ્યક્તિની નજીકના વ્યક્તિનું નકલી કિડનેપિંગ કરવામાં આવે છે
આવા કિસ્સામાં વ્યક્તિના હાથ-પગ બાંધીને તેના ફોટો-વિડિયો પરથી કિડનેપિંગનું વાસ્તવિક દ્રશ્ય સર્જવામાં આવે છે અને પૈસા પડાવાય છે
Cyber kidnapping: આમ તો બધાને કિડનેપિંગ એટલે કે અપહરણ વિષે તો ખબર જ હોય પરંતુ શું તમે ક્યારેય સાયબર કિડનેપિંગ વિષે સાંભળ્યું છે? હવે પ્રશ્ન એ થાય કે આખરે આ સાયબર કિડનેપિંગ થાય કઈ રીતે? તાજેતરમાં જ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 20 ડિસેમ્બરથી કાઈ ઝુઆંગ નામનો 17 વર્ષનો બાળક ગુમ હતો. પોલીસને આ બાળક બરફના પહાડોમાંથી મળી આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ખરેખર ઝુઆંગનું કિડનેપિંગ થયું ન હતું. વર્ચ્યુઅલ કિડનેપર્સના કહેવાથી તે પોતે પહાડોમાં રહેવા ગયો હતો. આ વર્ચ્યુઅલ કિડનેપિંગમાં કિડનેપર્સ દ્વારા તેના પરિવાર પાસેથી 66.62 લાખ રૂપિયા (80 હજાર ડોલર)ની ખંડણી માંગવામાં આવી હતી.
સાયબર કિડનેપિંગ શું છે?
એક રીતે, આ નકલી કિડનેપિંગ કહી શકાય છે. આમાં, કોઈપણ વ્યક્તિની નજીકના વ્યક્તિનું નકલી અપહરણ તેની પાસેથી ખંડણી વસૂલવા માટે કરવામાં આવે છે. આ કિસ્સામાં, માત્ર હાથ-પગ બાંધેલી વ્યક્તિના ફોટો-વિડિયો પરથી કિડનેપિંગનું વાસ્તવિક દ્રશ્ય સર્જાય છે. આ પછી તેના પરિવારના સભ્યો પાસેથી ખંડણી માંગવામાં આવે છે. કાઈ ઝુઆંગના કેસમાં પણ, માત્ર અપહરણનો ડોળ કરવામાં આવ્યો હતો અને વાસ્તવમાં કોઈ અપહરણ થયું ન હતું.
લેવામાં આવે છે ફેક ફોટો અને વીડીયો
સાયબર કિડનેપિંગનો અર્થ એ છે કે જેમાં કોઈ વ્યક્તિને છુપાઈ જવા કે આઈસોલેટ રહેવા માટે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેના માતા-પિતા કે પરિવાર પાસેથી ખંડણી માંગવામાં આવે છે. સાયબર કિડનેપર્સ પીડિતાને એટલી હદે પ્રભાવિત કરે છે કે તે પીડિત પોતે કિડનેપર્સને પોતાની હાથ-પગ બાંધેલી તસવીરો શેર કરે છે, જેથી તેનું ખરેખર કિડનેપિંગ થયું હોય એવું લાગે. તસવીરોમાં હાથ-પગ બાંધેલા હોય છે અને મોં પર પટ્ટી બાંધેલી હોય છે. જેથી ખંડણી માંગવામાં આ ફોટોનો ઉપયોગ કરી શકાય છે.
કાઈ ઝુઆંગનો કેસ શું હતો?
સાયબર કિડનેપર્સે કાઈ ઝુઆંગનો ઓનલાઈન પ્લેટફોર્મ સ્કાઈપ પર સંપર્ક કર્યો હતો. જેમાં કિડનેપર્સે કાઈ ઝુઆંગને ખાતરી આપી હતી કે તેના માતા-પિતાનો જીવ જોખમમાં છે અને તારે તેને બચાવવા હોય તો અમે કહીએ એમ કર. ત્યારબાદ કિડનેપર્સે કાઈ પાસેથી તેની કેટલીક તસવીરો માંગી જેમાં તેના હાથ-પગ બાંધેલા હતા અને તે કોઈ અલગ જગ્યાએ જોવા મળે. આથી આવી તસ્વીરો મળતા જ કિડનેપર્સ તેના માતા-પિતા કે પરિવારજનોને બાળકનો આવો ફોટો મોકલીને ખંડણીની માંગણી કરી હતી.
આવા કિસ્સામાં સાવધાન કઈ રીતે રહેવું?
નિષ્ણાતોના મતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ આવા ગુનાઓની સંખ્યામાં વધારો થતો રહેશે. જેમાં લોકોને છેતરવા માટે વૉઇસ સેમ્પલથી લઈને AI જનરેટેડ ઈમેજ સુધી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સાયબર કિડનેપિંગથી ચાટવા માટે બને તો અજાણ્યા નંબર પરથી કોલ ઉપાડવાનું ટાળવું જોઈએ. અથવા તો આવા અજાણ્યા નંબરને ચકાસીને જ જવાબ આપવો જોઈએ.
આ ઉપરાંત તમારા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતી માહિતીનો પણ સ્કેમર્સ તેમના કૉલને વધુ વિશ્વાસપાત્ર બનાવવા માટે ઉપયોગ કરી શકે છે. તો બને ત્યાં સુધી સોશિયલ મીડિયા પર તમારી કે તમારા પરિવાર વિશેની માહિતી સાવચેતીપૂર્વક શેર કરો. શાળાના નામ પરથી પણ બાળક વિશેની વિગતો સરળતાથી કાઢી શકાય છે અને બાળક સુધી પહોંચી શકાય છે. આથી ખાસ કરીને બાળકોના નામ, રહેઠાણનું સ્થળ, ઘરનું સરનામું, પડોશ કે બાળકોની શાળાના ફોટા શેર કરવાનું ટાળો.