CES 2025ના વિચિત્ર ગેજેટ્સ અને ટેક્નોલોજી: કોફી ઠંડી કરવા માટે રોબોટિક બિલાડીથી લઈને તસરીફ ઠંડી અને ગરમ કરવાની ખુરશી લોન્ચ કરવામાં આવી
CES 2025 Weird Technology: હાલમાં લાસ વેગાસમાં CES 2025 ચાલી રહ્યો છે. આ ઇલેક્ટ્રોનિક્સ શોમાં ઘણાં ગેજેટ્સ અને ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવે છે. આ ટેક્નોલોજી જરૂરી નથી કે હંમેશા ઉપયોગી જ હોય અથવા તો દરેક માટે જરૂરી જ હોય. ઘણી વાર એવી ટેક્નોલોજી અને ગેજેટ્સ પણ લોન્ચ કરવામાં આવે છે જે સાંભળવામાં પણ વિચિત્ર લાગે. આવી જ કેટલીક પ્રોડક્ટ્સ જોઈએ જે આ વખતે CES 2025માં લોન્ચ કરવામાં આવી છે.
કોફી ઠંડી કરવા માટે રોબોટિક બિલાડી
યુકાઇ એન્જિનિયરિંગ દ્વારા કોફી ઠંડી કરવા માટે એક ગેજેટ્સ લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક રોબોટિક બિલાડી છે જેને મગ પર બેસાડી દેવામાં આવે છે. આ બિલાડી હવા દ્વારા કોફી અથવા તો ચા ઠંડી કરશે. આપણે સામાન્ય રીતે કપ દ્વારા કોફી પીતી વખતે મોંથી ફુંક મારીને કોફીને ઠંડી કરીએ છીએ એ જ રીતે આ બિલાડી પણ ઠંડી કરશે.
ઇલેક્ટ્રોનિક સોલ્ટ સ્પૂન
કિરિન હોલ્ડિંગ્સ દ્વારા ઇલેક્ટ્રોનિક સોલ્ટ સ્પૂન લોન્ચ કરવામાં આવી છે. આ સ્પૂન વડે મીઠાનો ઉપયોગ કર્યા વગર એનો સ્વાદ અનુભવાવી શકાય છે. આથી વ્યક્તિની બોડીમાં મીઠાનો પ્રમાણ વધી ન જાય એનું ધ્યાન રાખવામાં આવે છે. ભોજનમાં જેને મીઠાનો વધુ ઉપયોગ કરવાની ટેવ હોય, તેમના માટે આ સ્પૂન બેસ્ટ છે.
ગેમિંગ કોન્સોલ
એસર દ્વારા નાઇટ્રો બ્લેઝ 11 ગેમિંગ કોન્સોલ લોન્ચ કરવામાં આવ્યા છે. એસર દ્વારા પોર્ટેબલ ગેમિંગ કોન્સોલ્સને નવી ઊંચાઈએ લઈ જવાની કોશિશ કરવામાં આવી છે. પોર્ટેબલ ગેમિંગ ગેજેટ્સ અત્યાર સુધી મોબાઇલની સ્ક્રીન જેટલી ડિવાઇઝના આવતાં હતાં. જોકે એસર દ્વારા 10.95 ઇંચની ડિસ્પ્લે ધરાવતું ગેમિંગ કોન્સોલ બનાવવામાં આવ્યું છે. જોકે બે એપલના આઇપેડ એરનું જેટલું વજન હોય એટલું વજન આ ગેમિંગ કોન્સોલનું છે. લાંબો સમય એને રમતાં હાથ દુખવાના ચાન્સ વધુ છે.
લેપટોપની રોલેબલ સ્ક્રીન
લેનોવો દ્વારા થોડા વર્ષ પહેલાં લેપટોપની સ્ક્રીનને વધારી શકાય કે નહીં એ કોન્સેપ્ટ લેપટોપ તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે લેનોવો દ્વારા થિંકબૂક પ્લસ જનરેશન 6 રોલેબલ લેપટોપ લોન્ચ કરવામાં આવ્યું છે. આ લેપટોપની સ્ક્રીન 14 ઇંચની છે અને એની પેનલને રોલ કરીને એટલે કે બટન પ્રેસ કરીને એને 16.7 ઇંચની કરી શકાય છે. મોટી સ્ક્રીનની જેને જરૂર હોય એવી વ્યક્તિ માટે આ લેપટોપ ખૂબ જ સારું સાબિત થઈ શકે છે.
મસાલા નાખવાનું મશીન
આ વર્ષે સ્પાઇસર દ્વારા એક વિચિત્ર ગેજેટ્સ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગેજેટ્સ ભોજનમાં મસાલા નાંખવા માટે બનાવવામાં આવ્યું છે. ઘણી વાર એવું થાય છે કે કોઈ વાનગી બનાવતી વખતે મરચું અથવા તો મીઠું ઓછું-વધતું પડી જાય છે. આથી સ્પાઇસર દ્વારા આ ગેજેટ્સ બનાવવામાં આવ્યું છે. કઈ વાનગી બનાવવામાં આવી રહી છે એ નક્કી કરી દેતાં એમાં ચોક્કસ મસાલા જ નાખવામાં આવશે. એમાં ઓછું-વધતુંનો સવાલ જ નહીં આવે. જોકે કોઈને મીઠું અથવા તો મરચું વધુ જોઈએ તો તેમના માટે ફ્રીડમ ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. મેન્યુમાંથી એને પસંદ કરી જરૂરી મસાલા પણ નાંખી શકાય છે.
સ્માર્ટ બર્ડબાથ
CESમાં પક્ષીઓને લઈને ઘણાં ગેજેટ્સ અત્યાર સુધીમાં લોન્ચ કરવામાં આવ્યા છે. એમાં બર્ડ બડીનું સ્માર્ટ બર્ડ ફીડર અને સ્વરોસ્કીનું બર્ડ-વોચિંગ બાયનોક્યુલરને લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે હવે બર્ડફી દ્વારા સ્માર્ટ બર્ડબાથ લોન્ચ કરવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એમાં જ્યારે પક્ષી સ્નાન કરી રહ્યું હશે ત્યારે એ એનો ફોટો ક્લિક કરી લેશે. જો એ પક્ષી કઈ પ્રજાતિનું છે એ જાણવું હોય તો એ માટે સબસ્ક્રિપ્શન લેવું પડશે.
સ્માર્ટ એસપ્રેસો મશીન
મેટિક્યુલસ કંપની દ્વારા સ્માર્ટ એસપ્રેસો મશીન લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ પ્રકારનું મશીન આજ સુધી કોઈએ નથી બનાવ્યું. આ મશીનમાં દસ જેટલા સેન્સર આપવામાં આવ્યા છે. એ સેન્સર પાણીનું ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો રેટ અને વજન ચકાસશે. દરેક વસ્તુ ચેક કર્યા બાદ કોફીમાં તે પ્રકારનું રિયલ ટાઇમ એડજસ્ટમેન્ટ કરશે. આ મશીનની સાથે મિલ્ક સ્ટીમર જોઈતું હોય તો એના ચાર્જ અલગથી આપવાના રહેશે.
તસરીફને ઠંડી અને ગરમ કરતી ખુરશી
રેઝર કંપની દ્વારા એક નવી ખુરશી લોન્ચ કરવામાં આવી છે. આ ખુરશી પર બેસનારની તશ્રીફને ખુરશી ઠંડી અને ગરમ બંને કરી શકે છે. આ એક ગેમિંગ ખુરશી છે. ગેમના રસીક કલાકો સુધી ખુરશી પર બેસી રહે છે. આથી તેમની તશ્રીફને તકલીફ ન પડે તે માટે ઠંડી અને ગરમ બંને ઓપ્શન આપવામાં આવ્યો છે. લક્ઝુરીયસ કારની સીટમાં જે રીતે ઠંડી હવા આવતી હોય છે તે જ રીતે આ ખુરશીમાંથી પણ જોવા મળશે.
મૃત્યુ બાદ છેલ્લી પોસ્ટ કરી શકે તે માટેનું આઇપેડ
CES 2025માં એક આઇપેડ બંડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ બંડલ 1500 અમેરિકન ડોલરનું છે. એમાં આઇપેડનો કેસ, આઇપેડ, સ્માર્ટ રિંગ અને એક એપ્લિકેશનનો સમાવેશ થાય છે. યુઝરનું મૃત્યુ થાય ત્યારે તેના તમામ ડેટાને ડિલીટ કરવા અને મૃત્યુ બાદ તેના તમામ ફોલોઅર્સને વિદાય આપતી છેલ્લી પોસ્ટ કરવા માટેનો એનામાં ઓપ્શન છે. કોઈનું મૃત્યુ ક્યારે થાય એ નક્કી નથી હોતું, આથી આ ડિવાઇસની મદદથી મૃત્યુ બાદ પણ યુઝર છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ કરી શકશે. તેમ જ, મૃત્યુ બાદ આ આઇપેડમાંથી યુઝરના તમામ ડેટા ઓટોમેટિક ડિલીટ પણ થઈ જશે.