શું ચાઇનિઝ ફિલોસોફર મોઝી અને લુબાને એ વિશ્વમાં પહેલીવાર પતંગ ઉડાડી હતી ?
ચીનમાં ઇસ ૫૪૯માં પહેલીવાર કાગળમાંથી પતંગ બનાવવામાં આવી હતી
મોઝી અને લૂ બાને પતંગ શોધી હોવાનું ચાઇનિઝ ઇતિહાસમાં નોંધવામાં આવ્યું છે.
નવી દિલ્હી,૧૫ જાન્યુઆરી,૨૦૨૨,શનિવાર
પતંગની શોધ ઇશુના જન્મ પહેલા ચાઇનિઝ ફિલોસોફર મોઝી અને લૂ બાને પતંગ શોધી હોવાનું ચાઇનિઝ ઇતિહાસમાં નોંધવામાં આવ્યું છે.ભારતમાં રામાયણ તથા મહાભારત જેવા ધાર્મિક ગ્રંથોમાં પણ પતંગનો ઉલ્લેખ મળે છે.એવું કહેવાય છે કે ચીનના પતંગ શોધક મોઝીએ બાળકોને સ્કૂલના નિરસ અભ્યાસમાંથી બાહર લાવીને તેમની કલ્પનાશકિત ખિલવવા માટે ગમ્મત ખાતર શિલ્ક કાપડમાંથી બનાવેલી પતંગ ઉડાડી હતી.જયારે લૂબાન લાકડાનાં પાતલા પડમાંથી પક્ષીઓ બનાવીને હવામાં ઉડાડતો હતો.
ઇસ પૂર્વે ૨૦૦ વર્ષમાં થઇ ગયેલા હાન સીન નામના એક યોધ્ધાની વાર્તા ચીનમાં ફેમસ છે.તેનું લશ્કર યુદ્ધ કૌશલ્ય ધરાવતું ન હોવાથી તેણે સરપ્રાઇઝ એટેક કરવા માટે પતંગ ચગાવીને દુશ્મનના લશ્કરને હરાવ્યું હતું.ચીનમાં ઇસ ૫૪૯માં પહેલીવાર કાગળમાંથી પતંગ બનાવવામાં આવી હતી. જેનો ઉપયોગ રેસ્કયુ ઓપરેશનમાં સંદેશો મોકલવા માટે થવા લાગ્યો હતો. ચીની લોકો હવામાન,પવનની ગતિ અને દિશા જાણવા માટે પ્રાચીન સમયમાં પતંગનો ઉપયોગ કરતા હતા.કેટલાક તો ચીનમાંથી જ ભારતમાં પતંગનું આગમન થયું હોવાનું માને છે. ભારત બાદ ઇન્ડોનિશિયા, જાવા સુમાત્રા, મલાયા બોનિયો અને ન્યુઝીલેન્ડ સુધી પતંગનો શોખ વિસ્તર્યો હતો.
ન્યુઝીલેન્ડના મઓરી આદિવાસીઓ સદીઓથી વિવિધ પ્રકારના પક્ષીઓના આકારની પતંગ ઉડાડતા હતા. આજે પણ શેષ રહેલા મઓરીએ તેમની આ કળાને જિવંત રાખી છે. ભારતમાં ધાર્મિક અને જયોતિષની દ્વષ્ટ્રીએ મકરસંક્રાતિનું ભારે મહત્વ છે. ૧૩મી સદીમાં માર્કોપોલોએ ભારત તથા એશિયાખંડની સમૃધ્ધિના વખાણ કર્યા જેમાં પતંગનો પણ સમાવેશ થાય છે. ૧૬ મી સદીમાં યુરોપના નાવિકો પતંગકળાને શીખીને યુરોપમાં લઇ ગયા હતા. જો કે પતંગએ ચીનની દેણ હોવાનું સૌ માને છે.