જોખમી કે વણજોઈતા કોલની ચેતવણી હવે વિવિધ ભાષામાં
જો તમારા સ્માર્ટફોનમાં એરટેલ કંપનીનું સિમકાર્ડ હોય તો તમે જાણતા હશો કે
તેમાં આપણા પર આવતા ઘણા કોલને સ્પામ કોલ તરીકે દર્શાવીને એવા કોલ ન ઉપાડવા માટે
આપણને સૂચવવામાં આવે છે. કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ સર્વિસ લોન્ચ કરી
હતી. કંપનીના દાવા અનુસાર અત્યાર સુધીમાં આ એઆઇ આધારિત ટૂલથી ૨૭.૫ અબજ કોલ્સ સ્પામ તરીકે ઓળખવામાં આવ્યા છે અને
એરટેલના ગ્રાહકો પર આવતા સ્પામ એટલે કે વણજોઈતા કે જોખમી કોલ્સમાં ૧૬ ટકાનો ઘટાડો
થયો છે.
આ ફીચર એક પ્રકારે ટ્રુકોલર જેવી એપ્સ જેવું જ કામ આપે છે,પરંતુ આપણે એરટેલના કસ્ટમર
હોઈએ તો આવી કોઈ અલગ એપ ઇન્સ્ટોલ કરવાની કે ફોનમાં કોઈ ફીચર એક્ટિવેટ કરવાની પણ
જરૂર રહેતી નથી.
આપણા પર આવો કોઈ જોખમી નંબર પરથી કોલ આવે તો લાલ બેકગ્રાઉન્ડ સાથે આપણને
ચેતવવામાં આવે છે. આમ તો આ લાલ રંગ અને જોખમ સૂચવતા આઇકન પરથી જ આપણે જે તે કોલ
જોખમી હોવાનું સમજી જઇએ. પરંતુ કંપનીએ હવે ઇંગ્લિશ ઉપરાંત દસ ભારતીય ભાષાઓમાં પણ
આવા જોખમી કોલ સામે લોકોને ચેતવવાનો નિર્ણય કર્યો છે. હવે પછી ગુજરાતી અને હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી, તમિલ, કન્નડ, મલયાલમ, તેલુગુ, પંજાબી અને ઉર્દુ ભાષામાં આ
મેસેજ જોવા મળશે. હાલમાં ફક્ત એન્ડ્રોઇડ ફોનના યૂઝર્સને ભારતીય ભાષાઓમાં ચેતવણી
જોવા મળશે.
અત્યારે જ અંગ્રેજીમાં જોખમી કોલ હોવાની ચેતવણી ઉપરાંત નીચે એક પોપઅપ
વિન્ડોમાં ગુજરાતી (કે અન્ય ભાષામાં) આપણને એ કોલ ન લેવાની સલાહ આપવામાં આવે છે.
ભારતાય ભાષાઓમાં ચેતવણી ઉપરાંત કંપની હવે ઇન્ટરનેશનલ કોલ્સને પણ સ્પામની
ચેતવણીમાં આવરી લેશે. કંપનીના કહેવા અનુસાર હવે સ્પામ કોલ્સ વધુ ને વધુ પ્રમાણમાં
ફોરેન નેટવર્ક પર શિફ્ટ થઈ રહ્યા છે, આથી ઇન્ટરનેશનલ નંબર્સ પરથી
આવતા તમામ એસએમએસ મેસેજ તથા ફોન કોલ્સને પણ એઆઇ આધારિત ટૂલથી સ્કેન કરીને જરૂર
મુજબ આપણને તેની સામે ચેતવવામાં આવશે.